છોટી કાશી તરીકે જાણીતા જામનગર શહેરમાં મહાશિવરાત્રિના પવિત્ર પર્વે શિવભક્તોએ મોટી સંખ્યામાં શિવાલયોમાં દર્શન કર્યા છે. વહેલી સવારથી જ શહેરના તમામ શિવમંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તોએ બિલીપત્ર, અભિષેક અને જલાભિષેક દ્વારા શિવની આરાધના કરી છે. શહેરના પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી છે. વૈજનાથ મહાદેવ, પ્રતાપેશ્વર મહાદેવ અને નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભક્તોએ વિધિવત પૂજા-અર્ચના કરી છે. શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જળેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ અને મણિકંકેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. ગઈકાલ સાંજથી જ ભીડભંજન મહાદેવ મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિર અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યા છે. આજે બપોરે શહેરમાં 44મી શિવશોભાયાત્રા નીકળશે. આ યાત્રા સિદ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રારંભ થશે. યાત્રા પહેલાં પંચેશ્વર ટાવર નજીકના રામદૂત હનુમાન મંદિરમાં મુખ્ય પાલખી (વરણાગી)નું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું છે.