પીપોદરા ગામની સીમમાં નેશનલ હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રોડ ક્રોસ કરી રહેલા 20 વર્ષીય યુવકને અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધો હતો. અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ બરૂના મહિંદ્ર શાહુ તરીકે થઈ છે. તે મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના કાનાગીરીડી ગામનો રહેવાસી હતો. હાલમાં તે માંગરોળના પીપોદરા ખાતે તાપી કુંડ ફેક્ટરી સામે શિવ કોમ્પ્લેક્સના પહેલા માળે રૂમ નંબર 104માં રહેતો હતો. ઘટના સમયે બરૂના તેના ત્રણ મિત્રો સાથે સુરત ભેસ્તાન જીઆઈડીસીમાં રહેતા તેમના મિત્ર કાલુ ગૌંડાની રૂમ પર જવા નીકળ્યો હતો. પીપોદરા ગામની હદમાં મોગલ માતાના મંદિરની સામે રોડની બાજુમાં લાગેલ લોખંડની ગ્રીલ પાસે તેઓ ઊભા હતા. બરૂના રોડ ક્રોસ કરવા જતો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે તેને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં બરૂનાને શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કોસંબા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.