ખંભાળિયામાં શિવરાત્રીના દિવસે કરુણ ઘટના બની છે. શિવ શોભાયાત્રામાં પાલખી ઉપાડ્યા બાદ 24 વર્ષીય વિપ્ર યુવાન દિવ્ય નિલેશભાઈ જોશીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. દિવ્યભાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખામનાથ મહાદેવની પરંપરાગત શોભાયાત્રા (વરણાંગી)માં જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન તેમને એક-બે વાર ઉલટી થઈ હતી. શોભાયાત્રા પૂર્ણ કર્યા બાદ બપોરે લગભગ ત્રણ વાગ્યે ઘરે પહોંચ્યા ત્યારે તેમને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. દિવ્યભાઈ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સેવા આપતા હતા. તેમના માતા વૈશાલીબેન એક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના દાદા સ્વ. હરિભાઈ જોશી પોલીસ વિભાગમાં નિવૃત્ત કર્મચારી હતા. અપરિણીત એવા આ યુવા કાર્યકરના અકાળ અવસાનથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર શહેરમાં આ ઘટનાથી શોકની લાગણી છવાઈ ગઈ છે.