હાલોલના કણજરી ગામે આવેલા પ્રસિદ્ધ રામજી મંદિરમાં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ત્રિદિવસીય શિવશક્તિ રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત રામશરણદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ ઉજ્જૈનથી પધારેલા વૈદિક બ્રાહ્મણોએ આ યજ્ઞ સંપન્ન કરાવ્યો. યજ્ઞની શરૂઆત સોમવારે થઈ હતી. યજમાનોને રવિવારે સાંજે હેમાદ્રી દસવિધિ સ્નાન અને પ્રાયશ્ચિત કર્મ કરાવી મંડપમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. સોમવારે સવારથી વિધિવત પૂજા શરૂ કરવામાં આવી હતી. આ આઠમા શિવશક્તિ રુદ્ર મહાયજ્ઞમાં સનાતન વૈદિક પરંપરા મુજબ પૂજા કરવામાં આવી. યજ્ઞ માટે સ્ફટિકના શિવલિંગ સાથે રુદ્રપીઠ પર દેવતાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. મુખ્ય કુંડની આસપાસ નવ ગ્રહોના અલગ-અલગ કુંડો બનાવવામાં આવ્યા હતા. દરેક કુંડનું વિશેષ મહત્વ છે. પૂર્વ દિશામાં કાર્યસિદ્ધિ કુંડ, પશ્ચિમમાં શાંતિપ્રાપ્તિ કુંડ, ઉત્તરમાં વર્ષાકારક કુંડ અને દક્ષિણમાં કલ્યાણકારી કુંડ બનાવવામાં આવ્યા હતા. ચારેય ખૂણામાં આરોગ્યપ્રાપ્તિ, પુત્રપ્રાપ્તિ, શત્રુનાશ અને મારણ/ઉચ્છેદન કુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કુંડોને વિવિધ આકારો જેવા કે ચતુરસ્ત્ર, વર્તુળ, પદ્મ, અર્ધચંદ્ર, યોની, ત્રિકોણ, અષ્ટાસ્ત્ર અને સડસ્ત્ર આકારમાં બનાવવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી આ તમામ કુંડોમાં હોમાત્મક રુદ્ર પૂજા કરવામાં આવી. મહાશિવરાત્રિએ હાલોલના શિવાલયોમાં ભક્તોનો ધસારો
મહાશિવરાત્રિના પવિત્ર પર્વે હાલોલના શિવાલયોમાં ‘હર હર મહાદેવ’ના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વહેલી સવારથી જ ભક્તોએ શિવલિંગ પર દૂધ-જળનો અભિષેક કરી, બિલીપત્ર અર્પણ કર્યા હતા. હાલોલના મુખ્ય શિવાલયોમાં કંજરી રોડ પરનું મહાદેવ મંદિર, તળાવ કિનારે આવેલું શારણેશ્વર મહાદેવ મંદિર, વડોદરા રોડ પરનું ભીમનાથ મંદિર, સ્મશાનમાં આવેલું વિશ્વેશ્વર મહાદેવ મંદિર અને જૂના રેલવે સ્ટેશન પાસેનું બાલાભોલા મંદિર ભક્તોથી ઉભરાઈ રહ્યા હતા. દરેક મંદિરમાં ભાંગ અને ફળાહારની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બપોર સુધી મંદિરોની બહાર દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. કેટલાક ભક્તોએ ગર્ભગૃહમાં પૂજા-અર્ચના માટે વિશેષ સમય ફાળવ્યો હતો. શિવરાત્રિના મહિમા અનુસાર, મંદિરોમાં આગલી રાત્રેથી જ ભાંગની પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. ટીમ્બી ગામમાં આવેલા પ્રાચીન ઢાબાડુંગરી શિવ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જામી હતી. સાવલી વાળા સ્વામીજી દ્વારા સ્થાપિત આ મંદિર પ્રત્યે લોકોની વિશેષ આસ્થા છે. બપોરે ત્રણ વાગ્યે શારણેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને સાંજે મંદિરે પરત ફરશે. રાત્રે ભગવાન શિવનો વિશેષ શણગાર કરી મહાઆરતી યોજાશે. આખો દિવસ મંદિરોમાં ભક્તોની અવરજવર અવિરત ચાલુ રહી હતી.