રાજકોટની હોસ્પિટલના CCTV ફૂટેજ સોશિયલ મીડિયાના માધ્યમથી હેક કરીને વેચનાર 6 આરોપીઓની સાયબર ક્રાઈમે ધરપકડ કરી હતી ત્યારે વધુ એક આરોપી ઝડપાયો છે. રોહિત સિસોદિયાના નામનો આરોપી CCTV ફૂટેજ મેળવીને QR કોડમાં કન્વર્ટ કરીને ટેલિગ્રામ મારફતે વેચતો હતો. હાલ આરોપીની ધરપકડ કરીને 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ટેલિગ્રામ ગ્રુપમાં CCTV ફૂટેજ QR કોડમાં કન્વર્ટ કરીને વેચતો
અમદાવાદ સાયબર ક્રાઈમે CCTV કેમેરા હેક કરીને ફૂટેજ વેચતા 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીની તપાસમાં વધુ 3 આરોપીઓની નામ સામે આવતા અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ધરપકડ દરમિયાન દિલ્હીના રોહિત સિસોદિયાનું પણ નામ સામે આવ્યું હતું. જેથી, સાયબર ક્રાઈમની ટીમે રોહિત સિસોદિયા નામના આરોપીની દિલ્હીથી ધરપકડ કરી હતી. આરોપી ટેલિગ્રામ ગ્રુપમાં CCTV ફૂટેજ QR કોડમાં કન્વર્ટ કરીને વેચતો હતો. અગાઉ હોટસ્ટાર-નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન વેચતો હતો
આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ DMLTનો અભ્યાસ કર્યો છે. તે લેબોરેટરીમાં સેમ્પલ કલેક્ટ કરવાનું કામ કરતો હતો. આરોપી અગાઉ પકડાયેલા પરીત અને રોબિન નામના આરોપીના સંપર્કમાં હતો. પરિત લાઇવ CCTV કેમેરાની ફાઇલ રોહિતને આપતો હતો. રોહિત હેક થયેલા CCTVને QR કોડમાં કન્વર્ટ કરતો હતો. આરોપી છેલ્લા આઠ મહિનાથી આ કામ કરતો હતો, જેના માધ્યમથી એક લાખ રૂપિયા કમાયો છે. અગાઉ આરોપી હોટસ્ટાર, નેટફ્લિક્સ જેવા સબ્સ્ક્રિપ્શન વેચતો હતો. આ કેસમાં કુલ સાત આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે.