સુરત મહાનગરપાલિકા દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓ ઉભી કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આજે સિવિલ હોસ્પિટલ બાદ સૌથી વધુ સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ માટે હોસ્પિટલ આશીર્વાદ રૂપ થઈ રહી છે, ત્યારે વધુ સુવિધા ઉભી કરવાની દિશામાં કોર્પોરેશન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પહેલી ટિશ્યૂ બેંક કાર્યરત થશે
સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં બ્લડ બેંક, મિલ્ક બેંક અને આઇ બેંક સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જોકે, હવે તેની સાથે રાજ્યમાં સ્મીમેર હોસ્પિટલ પહેલી હોસ્પિટલ હશે કે, જેમાં ટિશ્યૂ બેંક પણ કાર્યરત થવા જઈ રહી છે. અત્યાર સુધીમાં હોસ્પિટલોની અંદર દૂરબીનની મદદથી પીએલસી અને એએલસી ઘૂંટણની સર્જરીમાં ટેન્ડર ગ્રાફની જરૂરિયાત ઉભી થતી હતી. સર્જરી દરમિયાન ડોક્ટર દર્દીના શરીરમાંથી ટિશ્યૂ લઈને સર્જરી કરી લેતા હતા. ટિશ્યૂ એકત્રિત કરવા માટે અને તેને ડિસઇન્ફેક્ટ કરી દર્દીઓ માટે ઉપયોગમાં લેવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. ટિશ્યૂને 80 ડિગ્રીમાં ફ્રીઝ કરવામાં આવશે
મૃતક દર્દીના પરિવારજનોને સમજાવીને તેમની પાસેથી ટિશ્યૂ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અજાણ્યા મૃતદેહમાંથી પણ નિયમ મુજબની પ્રક્રિયા કરીને તેમાંથી ટિશ્યૂ મેળવી શકાશે. ટિશ્યૂને લીધા બાદ 80 ડિગ્રીમાં ફ્રીઝ કરવામાં આવશે. સૌથી મહત્ત્વની પ્રોસેસ જંતુમુક્ત કરવામાં આવશે. આ બેંકના કારણે મેનિસ્કસ (ઘૂંટણની ગાદી)નો ઉપયોગ કરી શકાશે. જો આ મેનિસ્કસ બદલવાની કામગીરી સફળતાપૂર્વક થાય તો ઘૂંટણ બદલવાની જે સર્જરી છે તેમાં મોટા પાયે ઉપયોગ કરી શકાશે. અત્યારે આ પદ્ધતિ માત્ર USમાં જ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. બોન બેંકથી દર્દીઓને મળશે રાહત
બોન બેંક થકી હાડકાના કેન્સરના દર્દીઓથી લઈને ગોઠણ અને હિપ સહિતની સર્જરીઓમાં ખૂબ લાભ થઈ શકે તેમ છે. બોન કેવી રીતે મળશે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અસ્મિતા હોસ્પિટલમાં દર મહિને ત્રણ રિપ્લેસમેન્ટના દર્દીઓ આવતા હોય છે. તે બોનના ભાગને લઈને તેને ચેમ્બરમાં 60 ડિગ્રીમાં બોનને મૂકવામાં આવશે. બોનના લ્યોફિલાઇઝેશન કરવા માટે બોનને 80 ડિગ્રી પર ડ્રાય કરવામાં આવશે. જેનાથી તેમાં રહેલો ભેજ સંપૂર્ણ રીતે દૂર થઈ જશે. માત્ર પાંચ ટકા જેટલો ભેજ તેમાં રહી જાય છે. ત્યાર બાદ તેને ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે. તમામ પ્રકારના બેક્ટેરિયા નાશ પામ્યા પછી પ્લાસ્ટિકના કન્ટેનરમાં બોન મુકવામાં આવશે. ત્યાર બાદ ગામા રેઝ સ્ટડી લઈ જેડ કરવામાં આવશે. હાડકાના કેન્સરના દર્દી, હાડકામાં ગેપ, હિપ રિવિઝન માટે ઉપયોગમાં આવશે. ટિશ્યૂ બેંક દર્દીઓ માટે મોટી રાહત લાવશે
સ્મીમેર હોસ્પિટલના ડો. જનક રાઠોડે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધી કોઇ હોસ્પિટલમાં ટિશ્યૂ બેંક ઉપલબ્ધ નથી. લીગામેન્ટ સહિત સ્નાયુઓમાં થતા ડેમેજમાં દર્દીઓને ખૂબ મુશ્કેલી થતી હોય છે. દૂરબીનથી લીગામેન્ટની જે સર્જરી કરવામાં આવે છે, તેમાં દર્દીના જ ટિશ્યૂ ઉપયોગ કરવામાં આવતા હોય છે. ટિશ્યૂ બેંક હશે તો બેંકમાંથી લઈને દર્દીમાં ઇમ્પ્લાન્ટ કરી શકાશે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ટિશ્યૂ અને બોનને રાખવામાં આવશે તેને યોગ્ય કરવામાં આવશે. માત્ર હોસ્પિટલમાં સારવાર કરવા આવનાર દર્દીઓ માટે જ નહીં પરંતુ રાજ્યના અન્ય દર્દીઓ માટે પણ આ બેંક ખૂબ જ લાભકારક પુરવાર થશે.