પુણેમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મંગળવારે(25 ફેબ્રુઆરી) સવારે સૌથી વ્યસ્ત સ્વારગેટ બસ સ્ટેન્ડ પર 26 વર્ષની યુવતી પર બળાત્કારની ઘટના સામે આવી છે. ચોંકાવનારી વાત એ છે કે આ બસ સ્ટેન્ડની સામે જ પોલીસ ચોકી પણ છે જે ફક્ત સો મીટર જ દૂર છે, છતાં આવી ઘટના બની ગઈ. આરોપીની ઓળખ દત્તાત્રેય રામદાસ ગાડે તરીકે થઈ છે. તે એક હિસ્ટ્રીશીટર છે, જે 2019થી જામીન પર બહાર હતો. પોલીસની આઠ ટીમો તેને શોધી રહી છે. આરોપી દત્તાત્રેય રામદાસ કોણ છે?
સ્વારગેટ પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, દત્તાત્રેય રામદાસ ગાડે (36) વિરુદ્ધ પુણે અને તેની નજીકના અહિલ્યાનગર જિલ્લામાં ચોરી, લૂંટ અને ચેઈન સ્નેચિંગના અડધો ડઝન કેસ નોંધાયેલા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગાડે 2019થી એક ગુનામાં જામીન પર બહાર હતો. 2024માં પુણેમાં ગાડે વિરુદ્ધ ચોરીનો કેસ નોંધવામાં આવ્યો હતો, અને તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. આરોપીએ પહેલા દીદી કહીને બોલાવી, પછી ફસાવી
આ ઘટના મંગળવારે સવારે 5:30થી 6 વાગ્યાની વચ્ચે બની હતી. પુણેમાં કામ કરતી એક યુવતી પોતાના ગામ ફલટણ જવા માટે સ્વારગેટ બસ સ્ટેન્ડ પહોંચી હતી. સ્વારગેટ પુણેના સૌથી વ્યસ્ત બસ ટર્મિનસમાંનું એક છે. અહીંથી લગભગ આખા રાજ્યમાં બસો ચાલે છે. યુવતી ફલટણના બસ સ્ટેન્ડ પર ઉભી હતી, ત્યારે એક યુવકે આવીને તેનો પરિચય આપ્યો. તેણે યુવતીને દીદી કહીને બોલાવી. પછી તેને પૂછ્યું કે ક્યાં જવું છે. જ્યારે યુવતીએ પોતાના જવાનું સ્થળ જણાવ્યું, ત્યારે યુવકે તેને ગેરમાર્ગે દોરી અને કહ્યું કે ફલટણ જતી બસ બીજી જગ્યાએ ઉભી છે. તે તેણીને બસ સ્ટેન્ડના એક સુમસામ ખૂણા પર લઈ ગયો, જ્યાં શિવ શાહી એસી બસ ઉભી હતી. સરકારી બસમાં રેપ, લાઇટ બંધ હતી
બસની અંદરની લાઇટો ચાલુ નહોતી, તેથી યુવતી શરૂઆતમાં અંદર જવામાં અચકાતી હતી પરંતુ આરોપીએ તેને ખાતરી આપી કે તે યોગ્ય બસ છે. યુવતી બસમાં ચઢી ગયા પછી, તે પણ પાછળથી બસમાં ચઢી ગયો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો. બાદમાં, તે બસમાંથી ઉતરીને ભાગી ગયો. જ્યારે યુવતીએ તેની એક મિત્રને આ ઘટના વિશે જાણ કરી, ત્યારે તેણે તેને પોલીસમાં રિપોર્ટ નોંધાવવાની સલાહ આપી. ત્યારબાદ યુવતી પોલીસ સ્ટેશન ગઈ અને પોતાની સાથે બનેલી ઘટના અંગે રિપોર્ટ નોંધાવ્યો. મહાયુતિ સરકાર ઘેરાઈ, ફડણવીસના રાજીનામાની માંગણી
આ ઘટના બાદ વિપક્ષે મહિલાઓની સુરક્ષાને લઈને સરકાર પર પ્રહારો કર્યા છે. એનસીપી (શરદચંદ્ર પવાર) સાંસદ સુપ્રિયા સુલેએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને કહ્યું છે કે સ્વારગેટ બસ સ્ટેન્ડની સામે જ એક પોલીસ ચોકી છે. જો પોલીસકર્મીઓ ત્યાં પેટ્રોલિંગ કરતા હોત તો આવી ઘટના ન બની હોત. તેમણે માંગ કરી છે કે આરોપીની જલ્દી ધરપકડ કરવામાં આવે અને તેની ટ્રાયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. શિવસેના (UBT)ના નેતા સુષ્મા અંધારેએ પણ મહિલાઓની સુરક્ષા અંગે રાજ્યની મહાયુતિ સરકારની ટીકા કરી છે. તેમણે કહ્યું કે પુણેના ખૂબ જ વ્યસ્ત બસ સ્ટેન્ડ પર આ પ્રકારની ઘટના આઘાતજનક છે. અમે વારંવાર કહી રહ્યા છીએ કે શાળાઓ, કોલેજો અને બસ સ્ટેન્ડમાં પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ. પરંતુ, આ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. બીજી તરફ, મહારાષ્ટ્ર કોંગ્રેસે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસેથી રાજીનામું માંગ્યું છે. કોંગ્રેસે કહ્યું કે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. NCWએ DGPને પત્ર લખીને રિપોર્ટ માંગ્યો
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ બસની અંદર એક મહિલા પર બળાત્કારની ઘટના પર સ્વતઃ નોંધ લીધી છે. NCWના અધ્યક્ષ વિજયા રહાતકરે આ ઘટના અંગે પોલીસ મહાનિર્દેશક (DGP) ને પત્ર લખ્યો છે. તેમણે ડીજીપીને એફઆઈઆરની નકલ સાથે ત્રણ દિવસમાં કાર્યવાહીનો અહેવાલ મોકલવા જણાવ્યું છે.