દિલ્હી વિધાનસભા સત્રના ત્રીજા દિવસે, AAPના ધારાસભ્યોને વિધાનસભામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. આ પછી, ધારાસભ્યો વિપક્ષના નેતા આતિશી સાથે વિધાનસભા પરિસરની બહાર ‘જય ભીમ’ના પોસ્ટર લઈને વિરોધ કર્યો છે. આતિશીએ કહ્યું- દેશના ઇતિહાસમાં પહેલીવાર ધારાસભ્યોને વિધાનસભામાં જતા અટકાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, દિલ્હી સરકારના મંત્રી પ્રવેશ વર્માએ કહ્યું કે શીશમહેલની તપાસ કરવામાં આવશે. પાછલી સરકાર દ્વારા ફોલો-અપના અભાવે, ઘણા પ્રોજેક્ટ્સનો ખર્ચ બમણો થઈ ગયો છે. અમે ગૃહમાં 2,000 કરોડ રૂપિયાના લીકર પોલિસી કૌભાંડની ચર્ચા કરીશું. આ તરફ, વિધાનસભામાં આજે CAG સંબંધિત કેટલાક રિપોર્ટ્સ રજૂ કરવામાં આવી શકે છે. લીકર પોલિસી પરના CAG રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, મુખ્યમંત્રી રેખા ગુપ્તા વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે મોહન સિંહ બિષ્ટના નામનો પ્રસ્તાવ મુકશે. બિષ્ટ મુસ્તફાબાદથી ભાજપના ધારાસભ્ય છે. આ પહેલા 25 ફેબ્રુઆરીએ, સત્રના બીજા દિવસે, દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ ગૃહમાં દારૂ નીતિ પર CAG રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે AAPની ખોટી લીકર પોલિસીને કારણે 2002 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ પછી, સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે અમે આની તપાસ માટે 12-14 સભ્યોની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC) બનાવીશું. જે પણ દોષિત સાબિત થશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.