રાજકોટનાં 150 ફૂટ રિંગરોડ પરની પાયલ હોસ્પિટલમાં મહિલાઓની ચકાસણીનાં CCTV વાઇરલ થયા હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે હોસ્પિટલનાં લેબર રૂમમાં CCTV કેમેરા લાગ્યાનું સામે આવતા કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. જેના જવાબમાં હોસ્પિટલ દ્વારા લુલો બચાવ કરતા જણાવવામાં આવ્યું હતું કે, લેબર રૂમમાં મોંઘી મશીનરી હોવાથી માત્ર સર્વેલન્સ માટે સીસીટીવી રાખ્યા હતા, અમારો કોઈ ખરાબ ઈરાદો નહોતો. સીસીટીવી હેક થવાથી વીડિયો વાઇરલ થયા હતા.જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) આ રિપોર્ટ કમિટીને સોંપશે અને કલેક્ટર સાથે પરામર્શ બાદ આ મુદ્દે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલમાં રૂબરૂ જઈ તપાસ કરવામાં આવી હતી
રાજકોટ જિલ્લાનાં આરોગ્ય અધિકારી ડો.આર.આર.ફુલમાલીએ જણાવ્યું હતું કે, પાયલ હોસ્પિટલની તપાસ માટે રાજ્ય સરકારના આદેશ મુજબ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં મારા ઉપરાંત RCHO ડો. જોશી, ત્રીજા ડો. સિંઘ સાહેબ, ચોથા પીડિયું હોસ્પિટલ ખાતેનાં ગાયનેકોલોજીસ્ટ, મનપાનાં MOHનાં પ્રતિનિધિ તેમજ પદ્મકુવરબા હોસ્પિટલનાં ડો. ઝાલા સામેલ હતા. અમારી ટીમ દ્વારા પાયલ હોસ્પિટલમાં રૂબરૂ જઈ તપાસ કરવામાં આવી હતી. જેમાં અમે બનાવ સ્થળની તપાસ કરી હતી, તેમજ હોસ્પિટલનાં સત્તાધીશો સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન લેબર રૂમમાં સીસીટીવી રાખ્યા હતા. જે કોઈ રીતે યોગ્ય નહીં હોવાથી ત્રણ દિવસની કારણદર્શક નોટિસ પાયલ હોસ્પિટલને આપવામાં આવી હતી. હોસ્પિટલે પોતાની કોઈ ભૂલ ન હોવાનો બચાવ કર્યો
આ નોટિસનો જવાબ પાયલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવ્યો છે. જેમાં તેઓએ પોતાની સેઈફ સાઈડ રાખતા જણાવ્યું છે કે, ત્યાં મોંઘી વસ્તુઓ હોવાથી સર્વેલન્સ માટે સીસીટીવી રાખવામાં આવ્યા હતા. અમારો કોઈપણ ખરાબ ઈરાદો નહોતો, માત્ર સીસીટીવી હેક થવાને કારણે વાઇરલ થવાની ઘટના બની છે. તેમજ આ સીસીટીવી લગાવવામાં પોતાની કોઈ ભૂલ ન હોવાનો બચાવ કર્યો છે. અગાઉનાં ક્લિનિકલ એસ્ટાબલિશમેન્ટ એક્ટમાં આ માટેની કોઈ જોગવાઈ નહીં હોવાથી તેનાં મુજબ કોઈ કાર્યવાહી થઈ શકે તેમ નથી. છતાં કલેક્ટર અને DDO સહિતના સાથે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરાશે. હોસ્પિટલના જવાબ સામે કમિટી નિર્ણય કરશે
ક્લિનિકલ એસ્ટાબલિશમેન્ટ એક્ટમાં હવે સુધારાઓ આવ્યા છે એટલે હવે પછી આવી ઘટના બને તો તે માટે કાર્યવાહી કરી શકાય છે, પરંતુ આ સુધારો આવ્યા પહેલાં લાગેલા સીસીટીવીનો મામલો છે. જેને લઈને હવે આ રિપોર્ટ કમિટીને આપવામાં આવશે. આપણા બે મુદ્દા હતા. મેડિકલ એથીક્સ અને ક્લિનિકલ એસ્ટેબલિશમેન્ટ એક્ટનો મુદ્દો હતો. જેમાં મેડિકલ એથીક્સ માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલનો સંપર્ક કરવામાં આવશે. ત્યારે હવે પાયલ હોસ્પિટલનો આ જવાબ ડીડીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓને સોંપવામાં આવશે અને પછી આખી કમિટી આ અંગે નિર્ણય કરશે. હોસ્પિટલના ડિરેક્ટરે વાત કરવામાં તસદી લીધી નહીં
આ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા પાયલ હોસ્પિટલનાં ડિરેક્ટર પ્રતીક્ષા દેસાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોતે હાલ કામમાં હોવાનું જણાવી થોડીવારમાં જવાબ આપશે તેમ કહ્યું હતું. આ પછી પાંચેક વખત ફોન તેમજ SMS કરવા છતાં કોલ રિસીવ કરવાની કે મેસેજનો જવાબ આપવાની તસ્દી લીધી નથી. જેનો સીધો મતલબ છે કે, તેમનો બચાવ પાયાવિહોણો છે. હોસ્પિટલનાં લેબરરૂમમાં રહેતી મશીનરી ચોરી થવાની સંભાવના નહિવત્ હોય છે. તેની સુરક્ષા માટે સીસીટીવી રાખવા અને મહિલાઓની આબરૂ સાથે ચેડા થાય તે જરાપણ યોગ્ય નથી. ત્યારે હવે તંત્ર દ્વારા આ મામલે ક્યારે અને શું નિર્ણય લેવાશે તે જોવું રહ્યું. ચેકઅપ માટે આવતા દર્દીના પ્રાઇવેસી પર સવાલ
પાયલ હોસ્પિટલનાં સત્તાધીશોએ જણાવ્યું હતું કે, ગત 20 જાન્યુઆરીનાં રોજ તેઓના સીસીટીવી હેક થયાનું લાગ્યું હતું, જેને લઈને તેમણે પાસવર્ડ બદલ્યા હતા. જો કે આ અંગેની જાણ કોઈને કરી નહોતી. હોસ્પિટલ ખાતે લેબર રૂમમાં સીસીટીવી લગાવેલા હતા અને પડદા પણ હતા. તેમજ એક જ પેશન્ટ ત્યાં હોવાથી તેની પ્રાઇવેસી જળવાય છે તેવો બચાવ કર્યો હતો, પરંતુ મેડિકલનાં એથીક્સ અને સીસીટીવીનાં રુલ્સ પ્રમાણે આવા સ્થળે સીસીટીવી રાખવા યોગ્ય નથી. ઘટનાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં નિયમ આવી શકે છે
વધુમાં તેમણે જણાવ્યું કે, ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટમાં આ બાબતની કોઈ જોગવાઈ નથી. મેડિકલ એથિક્સ મુજબ મહિલાઓ સહિત દર્દીઓની પ્રાઈવેસી જળવાવી જરૂરી છે. સમગ્ર મામલે આરોગ્ય વિભાગ તો નોટિસ આપી ખુલાસો પૂછી શકીએ છીએ. જો ખુલાસો યોગ્ય ન હોય તો પોલીસ દ્વારા ક્રિમિનલ પ્રોસીઝર એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. હાલ અમલમાં મુકવામાં આવેલા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એકટ મુજબ હજુ લાઇસન્સ રદ કરવાની કોઈ જોગવાઈ નથી. પણ આ ઘટનાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવો નિયમ આવી શકે છે. CCTV કાંડમાં 7 આરોપી ઝડપાયા
ઉલ્લેખનીય છે કે 17 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં પ્રાઇવેટ રીતે આપવામાં આવતી ટ્રીટમેન્ટનાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો રાજકોટનાં 150 ફૂટ રિંગરોડ ખાતેની પાયલ હોસ્પિટલનાં હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને રાજકોટ તેમજ અમદાવાદ પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલનાં સંચાલકોએ સીસીટીવી હેક થયા હોવાનું જણાવ્યું હતું અને આવા વીડિયો લીક થવાને લઈ પોલીસ ફરિયાદ કરવાની તેમજ તમામ પ્રકારની તપાસમાં સહયોગની ખાતરી આપી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમે અત્યારસુધીમાં આ મુદ્દે કુલ 7 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે અને જોરશોરથી તપાસ કરવામાં આવી રહી છે.