નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન અમદાવાદનો 44મો દીક્ષાંત સમારોહ આજે યોજાશે. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, રાજ્યકક્ષાના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી જિતિન પ્રસાદ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. દિવ્ય ભાસ્કરને મળેલી એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે NIDના પૂર્વ વિદ્યાર્થી અને વિખ્યાત ડિઝાનરને સંયુક્ત રીતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે NID પ્રાઇડ એવોર્ડ આપવામાં આવશે. જેમાં ડો.લક્ષ્મી મૂર્તિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચીફ ડિઝાઇન અને ક્રિએટિવ ઓફિસરને સંયુક્ત આ સન્માન મળશે. મહિન્દ્રાના ચીફ ડિઝાઇન અને ક્રિએટિવ ઓફિસર છે પ્રતાપ બોઝ
જ્યારે પ્રતાપ બોઝ વિખ્યાત ઓટોમોબાઈલ ડિઝાઈનર છે. તેઓ 1992-97 દરમિયાન NIDની બેચમાં હતા. તેમણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં તેમનું અસાધારણ યોગદાન રહ્યું છે. પ્રોડક્ટ ડિઝાઈનથી લઈ ઇનોવેશનમાં તેમનો ડંકો વાગે છે. આ ઉપરાંત તેઓ અનેક યુવા ડિઝાઈનર્સ માટે પણ પ્રેરણારૂપ છે. હાલ તેઓ મહિન્દ્રા એન્ડ મહન્દ્રાના ચીફ ડિઝાઈન અને ક્રિએટિવ ઓફિસર છે. તેમના મુંબઈ અને યુકેમાં ડિઝાઈન સ્ટુડિયો પણ છે. તેમને 2021માં વર્લ્ડ કાર પર્સન ઓફ ધ યરનો અને 2025માં બીબીસી દ્વારા ઓટોમોટિવ ડિઝાઈનર ઓફ ધ ડિકેડનું સન્માન મળી ચૂક્યું છે. 14 વર્ષ ટાટા સાથે કામ કર્યા બાદ 2021માં મહિન્દ્રામાં જોડાયા
પ્રતાપ બોઝે 14 વર્ષ સુધી ટાટા મોટર્સના વાઇસ પ્રેસિડન્ટ પદે કામ કર્યા બાદ 2021માં રાજીનામું આપી દીધું હતું. ટાટા મોટર્સ પહેલા પિયાજીયો, ઇટાલી અને ડેમલર ક્રિસલર તથા જાપાનમાં પણ કામ કર્યું હતું. તેમની પાસે 20 વર્ષ કરતા વધુનો અનુભવ છે. ટાટામાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં જોડાયા હતા. મહિન્દ્રાનો લોગો અને થાર-હેરિયર કાર ડિઝાઇન કરી
આ પહેલા ટાટા સાથેના 14 વર્ષ દરમિયાન તેમણે ટાટાની કારની ડિઝાઈન અને લુકમાં અનેક પરિવર્તનો કર્યા. તેમણે ટીયાગો, સફારી, હેરિયર, નેક્સન અને એલ્ટ્રોઝ જેવી કાર્સની કરેલી ડિઝાઇનથી ગ્રાહકોના દિલ જીતી લીધા હતા.જ્યારે તાજેતરમાં તેમણે મહિન્દ્રા માટે બે મોડલ એવા BE 6E અને XEV9E ડિઝાઇન કર્યા છે. તેની સાથે સાથે તેઓએ માર્કેટ લીડર ગણાતી થાર રોક્સ અને XUV3 XOના ડિઝાઇનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઓજા ટ્રેક્ટરની પણ ફેન્સી ડિઝાઇન તૈયાર કરી છે. એટલું જ નહીં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રમાં જોડાયા બાદ સૌથી પહેલું કામ મહિન્દ્રાનો લોગો ડિઝાઈન કરવાનું કર્યું હતું. કોણ છે ડો.લક્ષ્મી મૂર્તિ?
ડો.લક્ષ્મી મૂર્તિ NIDના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેમણે 1988માં વિકલ્પ ડિઝાઈન નામનની સંસ્થાની શરૂઆત કરી હતી. જે શિક્ષણ, આરોગ્ય માટેના કોમ્યુનિકેશન ટુલ્સ ડેવલપ કરવાનું કામ કરે છે. ખાસ કરીને અશિક્ષિત લોકોને મદદરૂપ બનાવા આ ટુલ્સ બનાવે છે. આ ઉપરાંત તેઓ માસિક ધર્મ માટે ઉપયોગમાં લેવાતા પેડને રિયુઝેબલ બનાવવા પાછળ પણ તેમનું જ ભેજું છે. 430 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરાશે
NIDના ડાયરેક્ટર ડૉ. અશોક મંડલે દિવ્ય ભાસ્કરને કહ્યું, આ દીક્ષાંત સમારોહ સાંજે 5 વાગીને 20 મિનિટે શરૂ થશે. આ વખતના દીક્ષાંત સમારોહમાં બેચલર ડિગ્રી પ્રોગ્રામના 102 વિદ્યાર્થીઓને, 323 માસ્ટર્સ ડિગ્રી પ્રોગ્રામના વિદ્યાર્થીઓને અને 5 પીએચડી સ્કોલર્સ વિદ્યાર્થીઓ મળીને કુલ 430 વિદ્યાર્થીઓ ડિગ્રી એનાયત કરવામાં આવશે. ડિગ્રી મેળવનારા 430 વિદ્યાર્થીઓ પૈકી 57 ટકા મહિલા ડિઝાઈનરનું પ્રમાણ છે જ્યારે 43 ટકા જેટલા પુરુષ ડિઝાઈનર્સનું પ્રમાણ છે. ડૉ. અશોક મંડલે કહ્યું, 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનમાં આપેલા સૂત્ર ડિઝાઈન ઈન ઈન્ડિયા, ડિઝાઈન ફોર ધ વલ્ડની થીમ પર આ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ આ વખતે ડિસ્પ્લે પણ આ જ થીમ પર તૈયાર કરવામાં આવી છે. છેલ્લાં 64 વર્ષથી આ ક્ષેત્રમાં જેણે કામ કર્યું છે, ડિઝાઈનનો જે રોલ છે, ભારતના સંદર્ભમાં એ પછી સામાજિક, ઔદ્યોગિક કે ક્રાફ્ટ તમામ ક્ષેત્ર હોય તેની એક ઝાંખી જોવા મળશે. આ વખતનો દીક્ષાંત સમારોહ પહેલાંના દીક્ષાંત સમારોહ કરતાં ખૂબ જ અલગ રીતે યોજાશે. મહત્ત્વનું છે કે આ સમારોહ દરમિયાન શાંતાકેશવન એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે. જ્યારે પહેલી વાર પ્રાઈડ NID એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવશે જેઓ સંસ્થાનાં મૂલ્યો અને શિક્ષણને વિશ્વ ફલક પર પહોંચાડી હોય. જો કે, ગત વર્ષે NIDમાં પીએચડી ડિગ્રીમાં માત્ર એક જ વિદ્યાર્થીને ડિગ્રી મળી હતી જ્યારે આ વખતે તેનું પ્રમાણ વધીને 5 થયું છે. 1961માં થઈ સ્થાપના, ગૌતમ સારાભાઈનું મહત્ત્વપૂર્ણ યોગદાન
1961માં અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ગૌતમ સારાભાઈ અને તેમનાં બહેન ગિરા સારાભાઈનું સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. ગૌતમ સારાભાઈએ તે સમયની શૈક્ષણિક પ્રણાલીના પ્રોટોકોલના સામા પ્રવાહે ચાલીને આ વિખ્યાત સંસ્થાના પાયા નાંખ્યા હતા. ત્યાર બાદ 1 એપ્રિલ, 1976ના રોજ દૂરદર્શનની સ્ક્રીન પર એક કાળા અને સફેદ રંગની મોર્ફિંગ આંખ જોઇ આખો દેશ ચોંકી ગયો. આ બીજું કંઈ નહીં પણ દૂરદર્શનનો લોગો હતો. ભારતીય ઇતિહાસમાં આ સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષણ હતી. આ અભૂતપૂર્વ લોગોની ડિઝાઈન અમદાવાદ સ્થિત NIDમાં કરવામાં આવી હતી. જેને તે સમયના NID સ્ટુડન્ટ દેવાશિષ ભટ્ટાચાર્યએ ડિઝાઇન કર્યો હતો.