back to top
Homeદુનિયા'કોઈપણ આવે, અમે તો અમેરિકા જવાના જ':એજન્ટો વેકેશન પર, તેમના માણસો મેક્સિકોમાં...

‘કોઈપણ આવે, અમે તો અમેરિકા જવાના જ’:એજન્ટો વેકેશન પર, તેમના માણસો મેક્સિકોમાં લગ્ન કરીને સેટ થઈ ગયા, ઊભરો શમવાની જોવાતી રાહ

‘અમેરિકામાં સત્તા પર ટ્રમ્પ આવે કે કોઈપણ આવે, અમે તો જવાના જ.’ ‘એજન્ટોએ અમને ફરી યુએસ મોકલવાનું કમિટમેન્ટ આપ્યું છે.’ ‘ધંધો બંધ થઈ જવાથી થોડા દુ:ખી છીએ, પણ એટલું બધું પણ નથી. હાલ તો વેકેશન પર છીએ’ આ શબ્દો છે ગેરકાયદે અમેરિકા મોકલતા એજન્ટો અને આ ધંધા સાથે સંકળાયેલા લોકોના. ‘ડૉલર ડ્રીમ્સ’ સિરીઝના પહેલા એપિસોડમાં અમેરિકામાં ઇલીગલ ગુજરાતીઓમાં કેવો માહોલ છે, બીજા એપિસોડમાં અસાઇલમને કેવી રીતે હથિયાર બનાવવામાં આવે છે અને ત્રીજા એપિસોડમાં ગુજરાતી કેવી રીતે જીવના જોખમે અમેરિકા પહોંચે છે, ચોથા એપિસોડમાં ઇલીગલ અમેરિકા પહોંચેલા 4 ગુજરાતીની સંઘર્ષની કહાની વાંચી. હવે આજના પાંચમા એપિસોડમાં વાંચો એજન્ટો હાલ શું કરી રહ્યા છે? ગેરકાયદે જવા માગતા લોકોને શું અસર થઈ? ‘ડૉલર ડ્રીમ્સ’ એપિસોડ-1: USમાં ઇલીગલ ગુજરાતીઓમાં ફફડાટ, કામ પર જવાનું બંધ કરી ઘરમાં કેદ થયા ‘ડૉલર ડ્રીમ્સ’ એપિસોડ-2: અમેરિકામાં ઘૂસો, સામેથી પકડાવ, મન મૂકીને ડૉલર કમાઓ ‘ડૉલર ડ્રીમ્સ’ એપિસોડ-3: ગેરકાયદે US જતી યુવતીઓ રૂટમાં બને છે હવસનો શિકાર ‘ડૉલર ડ્રીમ્સ’ એપિસોડ-4: કોઈ 30 સ્ટોરના માલિક તો કોઈએ વસાવી 10 કરોડની પ્રોપર્ટી
ડિપોર્ટની કાર્યવાહી બાદ એજન્ટોમાં હાલ કેવો માહોલ છે એ જાણવા માટે અમે અલગ અલગ એજન્ટો અને આ ધંધા સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરી હતી, જેમાં નામ, સ્થળ અને ઓળખ ન આપવાની શરતે અમુક એજન્ટોએ સિક્રેટ વાત અમારી સાથે શેર કરી હતી. જે આ પ્રમાણે છે- એજન્ટો વેકેશન પર ચાલ્યા ગયા
અત્યારે ગેરકાયદે અમેરિકા પહોંચાડવાનો ધંધો સાવ બંધ છે. મેક્સિકો અને કેનેડાની બંને બોર્ડર પર ટાઈટ સ્થિતિ છે. ઇલીગલ અમેરિકા પહોંચાડતા એજન્ટો હાલ રૂપિયા ભરાઈ જવા છતાં શાંતિથી બેસી રહ્યા છે. એનું કારણ એ છે કે તેમણે અત્યાર સુધી આ ધંધામાંથી અઢળક રૂપિયા બનાવ્યા છે. આ સિવાય બધા અલગ-અલગ પાર્ટનર રાખીને કામ કરતા હોય છે, જેથી કોઈ એકને આર્થિક ફટકો આવે એમ નથી. અત્યારે અમેરિકાથી ગેરકાયદે ઘૂસેલા લોકોને ડિપોર્ટ કરવામાં આવતા હોવાથી તેમજ ધંધો બંધ થઈ જવાથી થોડા દુ:ખી જરૂર છે, પણ એટલું બધું પણ નથી. હાલ એજન્ટો વેકેશન ભોગવી રહ્યા છે અને કેટલાક બીજા ધંધામાં પણ પડ્યા છે. જોકે જેમણે ફાઇનાન્સરો પાસેથી પૈસા લઈને રોકાણ કર્યું છે એવા અમુક એજન્ટો સંકટમાં પણ આવી ગયા છે. પૈસા સલવાઈ જતાં તેમની સ્થિતિ કફોડી બની છે. નોંધનીય છે કે ટૂંક સમયમાં સારી રકમનું વળતર મળતું હોવાથી અમુક ફાઈનાન્સરો એજન્ટોને પણ ફાઇનાન્સ કરતા હોય છે. એજન્ટોએ મેક્સિકો બોર્ડર પરથી માણસોને પાછા બોલાવી લીધા
ઈન્ડિયાના એજન્ટોએ અમેરિકામાં લોકોને ઘુસાડવા માટે મેક્સિકો બોર્ડર અને કેનેડાની બોર્ડર પર પોતાના માણસોનું નેટવર્ક ઊભું કરી રાખ્યું હતું. હાલ ગેરકાયદે મોકલવાનો ધંધો બંધ હોવાથી ઈન્ડિયાના એજન્ટોએ પોતાના માણસોને પાછા બોલાવી લીધા છે, કેમ કે આ સ્થિતિ કેટલો સમય સુધી ચાલે એ કોઈને ખબર નથી અને ત્યાં સુધી આટલા બધા માણસોનો ખર્ચો પણ તેમને પરવડે એમ નથી. એજન્ટોને ભીતિ હતી એટલે જોખમ માટે તૈયાર હતા
હાલમાં અહીં બધું બંધ છે. એજન્ટો બધા નવરા છે. ટ્રમ્પ ફરી ચૂંટણી મેદાનમાં આવ્યા ત્યારથી જ બધાએ ઓછું કરી નાખ્યું હતું. આ ધંધામાં એજન્ટોના કરોડો રૂપિયા દાવ પર લાગેલા હોય છે. ચૂંટણી પછી અમેરિકામાં સત્તા પરિવર્તન થાય અને ટ્રમ્પ સત્તા પર આવશે એનું ઘણું એસેસમેન્ટ પહેલાંથી જ ઓલરેડી કરીને રાખ્યું છે. તેણે બધી ગણતરીઓ પણ પહેલાંથી કરી રાખી હતી. અમુક એજન્ટોના પૈસા સલવાઈ ગયા
હાલ અમુક મોટા એજન્ટોની કરોડોની ઉઘરાણી બાકી છે. એક કપલને યુએસ પહોંચાડવા માટે અંદાજે એક કરોડની ડીલ થાય છે, જેમાં આ રકમ અમેરિકા પહોંચ્યાના ત્રણથી છ મહિનામાં આપવાનો વાયદો થાય છે. કોઈ સાથે એક વર્ષમાં રૂપિયા આપવાની વાત થાય તો એજન્ટો એનું એક કે સવા ટકો જેટલું વ્યાજ લેતા હોય છે. ટૂંકમાં, એજન્ટો પેસેન્જર અમેરિકા પહોંચે એના સવા વર્ષમાં બધા રૂપિયા રિકવર કરી લે છે. એજન્ટોની આખી ચેઇન હોય છે
સામાન્ય રીતે એજન્ટોની ગુજરાત કે ઈન્ડિયાથી લઈને અમેરિકા સુધી આખી ચેઇન હોય છે, જેમાં ગુજરાતમાં એક મુખ્ય એજન્ટ હોય, એ છેક સુધી પહોંચાડવાના પૈસા લે છે. આ મુખ્ય એજન્ટ અલગ અલગ સબ-એજન્ટ પાસે કામ કરાવે છે. યુએસ જવા માગતી કોઈ એક વ્યક્તિ બધાને ઓળખતી હોતી નથી. અહીંનો એજન્ટ દિલ્હી કે મુંબઈ મોકલે. એ પછી આગળનો એજન્ટ યુરોપમાં મોકલે છે. ત્યાંથી બીજો આગળનો એજન્ટ મેક્સિકોના વિઝા કરીને ત્યાં સુધી પહોંચાડે છે. મેક્સિકોના એજન્ટો પેસેન્જરોને રહેવા-જમવાનું ગોઠવે છે. બાદમાં ડોંકર્સ પેસેન્જરોને બોર્ડર ક્રોસ કરાવી આપે છે. બોર્ડર ક્રોસ કર્યા પછી એજન્ટો અમેરિકાના વકીલોને જાણ કરે. પેસેન્જર અને વકીલની મુલાકાત પછી અસાઇલમની ફાઇલ અને કેસની વિગતો તૈયાર થાય છે. નોંધનીય છે કે ડિપોર્ટ કર્યા બાદ પંજાબ પોલીસે આખા રાજ્યમાં 1274 ઈમિગ્રેશન ઓફિસો પર દરોડા પાડી 7 એજન્ટને ઝડપી લીધા હતા. આ માટે તેમણે સ્પેશિયલ ટીમો બનાવી છે. જોકે ગુજરાતમાં હજી સુધી આવી કોઈ કાર્યવાહી થઈ નથી. અનેક ગુજરાતીઓ મેક્સિકન યુવતીઓ સાથે લગ્ન કરીને ત્યાં જ સેટ થઈ ગયા
ગુજરાતના એજન્ટોએ મેક્સિકોમાં પોતાના માણસોનું આખું નેટવર્ક ઊભું કરીને રાખ્યું છે, જેમાં અનેક ગુજરાતીઓ પણ સામેલ છે. તેમાંથી ઘણા ગુજરાતી યુવકોએ મેક્સિકોમાં મેક્સિકન છોકરીઓ સાથે લગ્ન કરી લીધા છે. પોતે એજન્ટ બની ગયા છે. તે હવે મેક્સિકોમાં ફ્લાઇટ તથા અન્ય રીતે ગેરકાયદે આવતા લોકોને સાચવે છે. સેટિંગ કરી એરપોર્ટથી બહાર કાઢે છે અને બાદમાં તેમના ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા ગોઠવે છે. પછી નિર્ધારિત દિવસે અને સમયે બોર્ડર સુધી પહોંચવાની વ્યવસ્થા પણ કરે છે. અમેરિકાથી ડિપોર્ટ થયેલાને પાછા મોકલવાનું અપાયું કમિટમેન્ટ
અમેરિકાથી ડિપોર્ટ થઈને ગુજરાતમાં જે પાછા આવ્યા છે તેઓ હાલ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે, પણ જે એજન્ટોએ તેમને યુએસ મોકલ્યા હતા તેમણે હાલ રાહ જોવાનું કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, યોગ્ય સમયે ફરી પાછા અમેરિકા મોકલવાનું પણ કમિટમેન્ટ આપ્યું છે. યુએસ ઇલીગલ જવા માટેની નવી ઇન્કવાયરી ઘટી
ડિપોર્ટ બાદ અનેક ગેરકાયદે લોકોને વતન પાછા મોકલવામાં આવી રહ્યા છે, જેના પગલે ગેરકાયદે યુએસ થઈને વસવાનાં સપનાં જોતા લોકોમાં પણ ચિંતા પ્રસરી છે. એટલું જ નહીં, એજન્ટો પાસે નવી ઇન્કવાયરી પણ ઘટી ગઈ છે. તેમને ભીતિ છે કે બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસ્યા બાદ પકડાઈ જઈશું તોપણ પાછા તો આવવું જ પડશે, કેમ કે હાલ અમેરિકા કોઈને અસાઇલમ એપ્લાય કરવાની તક જ નથી આપતું. આ સિવાય એજન્ટો પણ જવા માગતા લોકોને સ્થિતિ થાળે પડે ત્યાં સુધી રાહ જોવાની સલાહ આપે છે. અમેરિકામાં કોઈપણ સત્તામાં આવે, અમે તો જવાના જ
ઇલીગલ લઈ જતા અને જનારા બંને એવું મને છે કે સત્તા પર ટ્રમ્પ આવે કે કોઈપણ આવે, પણ અમે તો જવાના જ. બધા એવું જ કહે છે કે અત્યારે રાહ જુઓ અને થોભો. દુનિયામાં કોઈ એવો માણસ નથી કે આખી દુનિયા સુધારી શકે. ટ્રમ્પ વોલમાં પણ છીંડા પાડેલા જ છે. ઉપરાંત મેક્સિકન લોકો સિક્યોરિટી કેવી રીતે બાય પાસ કરવી એ સારી રીતે જાણે છે. ઓછા રૂપિયા આપે છે એ બધાને ડોંકી રૂટથી લઈ જાય
એજન્ટો ગેરકાયદે યુએસ જવા માગતા લોકોને પૈસા પ્રમાણે ફેસિલિટી આપતા હોય છે. ઓછા રૂપિયા આપે છે એ બધાને ડંકી રૂટથી લઈ જાય છે. જે સાઉથ અમેરિકાના પનામા વગેરે દેશોનાં જંગલ, નદી જેવા વિસ્તારોમાંથી લઈ જાય છે. એના રૂપિયા ઓછા હોય છે, પણ એમાં મુશ્કેલીઓ અને જીવનું જોખમ રહે છે તેમજ મહિલાઓની સેફ્ટી પણ નથી હોતી. એ રસ્તે નોર્થ ઈન્ડિયન્સ, જેમ કે પંજાબ અને હરિયાણાના લોકો વધારે જાય છે. ઓછા રૂપિયા હોવાથી એ પેમેન્ટ પહેલાં કરી દેવું પડે છે અથવા અડધું પેમેન્ટ એડવાન્સમાં અને બીજું અડધું પેમેન્ટ અમેરિકામાં દાખલ થાવ એ પહેલાં મેક્સિકો બોર્ડર પર પહોંચો ત્યારે જ આપી દેવું પડે છે. ગુજરાતીઓ સરળ રસ્તો કરે છે પસંદ
જ્યારે ગુજરાતીઓ મોટે ભાગે રિસ્ક લેવા માગતા નથી. ઉપરાંત સધ્ધર હોવાથી વધુ રૂપિયા આપી ડાયરેક્ટ મેક્સિકોનો રસ્તો પસંદ કરે છે. જેમને પહેલા યુરોપના વેલિડ વિઝા પર યુરોપ લઈ જાય છે, જ્યાંથી મેક્સિકો ફ્લાઈટમાં લઈ જાય છે. એરપોર્ટ પર ઊતરો એટલે વિઝા ઓન અરાઇવલ લઈને મેક્સિકોમાં એન્ટ્રી કરાવે છે, જ્યાં ઓફિસર સાથે પણ સેટિંગ જ હોય છે, જેમને દરેક વ્યક્તિએ 10 હજાર ડૉલર આપવા પડે છે. એજન્ટ છેક સુધી પેસેન્જર સાથે ફોનથી કનેક્ટ હોય છે
મેક્સિકોમાં થોડાક દિવસનું રોકાણ કરાવે છે. સેટિંગ મુજબ જે દિવસે નીકળવાનું હોય ત્યારે મેક્સિકો બોર્ડર પરથી અમેરિકામાં એન્ટ્રી કરાવે છે. આ રૂટમાં એવી કોઈ મુશ્કેલી આવતી નથી. એજન્ટો આ રૂટથી પહોંચાડવા માટે 60 લાખથી લઈને 1 કરોડ રૂપિયા લે છે, જોકે આ રકમ પેસેન્જર અમેરિકા પહોંચી જાય પછી આપવાની હોય છે,. જેના પગલે એજન્ટો પણ પેસેન્જરને છેક સુધી સાચવે છે અને તેને કોઈ મુશ્કેલી ન પડે એનું ધ્યાન રાખે છે. વારંવાર એજન્ટો પેસેન્જરને ફોન કરીને જમવાનું મળ્યું કે નહીં એ પણ પૂછી લેતા હોય છે, જેથી ગુજરાતીઓ મોટેભાગે આ જ રસ્તો પસંદ કરે છે. કેનેડા બોર્ડર પર શું સ્થિતિ છે?
કેનેડાની બોર્ડરથી અમેરિકા ઘુસાડતા એજન્ટો પાસેથી મળેલી માહિતી મુજબ, અહીંની મોટા ભાગની બોર્ડર બંધ છે. અહીં વેનકુંવરની મોટામાં મોટી બોર્ડર છે. ત્યાં અમન નામનો ક્રોસર બધાને યુએસ પહોંચાડતો હતો. અમન તેનું ઓરિજિનલ નામ નથી. અહીં આ નામથી બધા સરદારજી બિઝનેસ કરે છે. તેઓ આ નામથી જ કેબ પણ બુક કરે છે. અહીંના એજન્ટોની મોડસ ઓપરેન્ડી એકદમ સરળ છે. કેનેડાના વેનકુંવરમાં પીસ આર્ક પાર્ક નામનો ગાર્ડન છે. ગેરકાયદે યુએસ જવા માગતા લોકોને કહેવામાં આવે છે કે આ ગાર્ડનથી તમારે ચાલતાં ચાલતાં આગળ જવાનું. થોડા ચાલશો એટલે યુએસમાં પહોંચી જશો. ત્યાં એજન્ટના માણસો ગાડી લઈને ઊભા જ હોય. એમાં તમે બેસો એટલે ગાડી તમને અમેરિકાના સીએટલ છોડી દે. યુએસમાં ગયા બાદ તો તમારે જવું હોય ત્યાં જઈ શકો. ડિપોર્ટની કાર્યવાહી બાદ શું બદલાવ આવ્યો એ જાણવા માટે અમે અમદાવાદના વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર સાથે પણ વાતચીત કરી હતી. લીગલ વિઝાની ઇન્કવાયરી વધી
પાર્થેશ ઠક્કરે કહ્યું, ‘હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને લીગલ જવા માગતા લોકોના મનમાં પણ એક જ પ્રશ્ન છે કે અમે અમેરિકા જઈશું તો પ્રોબ્લેમ તો નહીં આવે ને? પરંતુ સાથે સાથે એ પણ હકીકત છે કે લીગલ રીતે યુએસમાં જવા માટે સ્ટુડન્ટ વિઝા, L-1 વિઝા કે અન્ય કેટેગરીના વિઝાની ઇન્ક્વાયરી વધી છે. હું એને બહુ જ પોઝિટિવ રીતે જોઉ છું. લોકો અમેરિકા લીગલી જવાના રસ્તા હવે શોધે છે અને એ ઘણી સારી વસ્તુ છે.’ યુએસની સરકારે સ્માર્ટલી મેસેજ પાસ કરી દીધો
તેમણે આગળ કહ્યું, ‘ડિપોર્ટ કરવાનું ચાલું કર્યા બાદ ઇલીગલ અમેરિકા જતા લોકોની સંખ્યા ઘટવા કે વધવા વિશે મને ખ્યાલ નથી, પણ અમેરિકાની કાર્યવાહી બાદ ઇલીગલ મોકલતા નેકસસ કે ગ્રુપ પર જરૂર અસર પડી હશે. જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેમાંથી કોઈ 10 દિવસ પહેલાં કે કોઈ એક મહિના પહેલાં ગયા હતા. આ નેટેગિવ મેસેજથી લોકોમાં સમજણ આવશે કે હું આટલો જીવ જોખમમાં નાખી આટલો ખર્ચો કરીને અમેરિકા જાઉં અને મારા રૂપિયા રિકવર જ ન કરી શકું એના કરતાં બેટર છે કે આ રીતે ન જાઉં. આ મેસેજ યુએસની ગવર્નમેન્ટે ઇલીગલ જતા લોકોમાં બહુ સ્માર્ટલી અન્ડરલાઇન લેવલે પાસ કરી દીધો છે. એનાથી જેટલા પણ લોકો ઇલીગલ જવાનું વિચારતા હશે એ રીતે જવાનું ટાળશે અને આવા લોકો લીગલ જવાનું વિચારશે. અમેરિકા લીગલ જશે તો ભારતને પણ ફાયદો થશે
તેમણે આગળ કહ્યું, ‘જેમ વધુ લોકો લીગલ અમેરિકા જશે એનાથી ભારત સરકારને પણ ફાયદો થશે. એનું સિમ્પલ લૉજિક કહું છું. અમારી પાસે ઘણા એવા લોકો આવે છે, જેમની ઇન્કમ કરોડોમાં હોય છે, પણ ઇન્કમટેક્સ એકપણ રૂપિયો ન ભરતા હોય. અમેરિકા ફરવા જવું હોય અને તમારી પાસે ઇન્કમટેક્સ પ્રૂફ નહીં હોય તો તમને 99% વિઝા નહીં મળે. કોઈ ફેમિલી ત્યાં હોય અથવા સ્પોન્સર મળે તો કદાચ થાય, પણ તમે યુવાન છો અને કોઈપણ પ્રકારની સ્ટેબલ ઇન્કમ નથી તો ડેફિનેટલી વિઝા નહીં આપે. આ સ્થિતિમાં ફરવા માટે પણ અમેરિકા જવું હોય તો ઈન્ડિયામાં ઇન્કમટેક્સ તો ભરશે.’ પાર્થેશ ઠક્કરે કહ્યું, ‘તમને જાણીને સરપ્રાઈઝ થશે કે યુએસમાં અત્યારે વિઝિટર વિઝાનો રેશિયો પણ ઘણો સારો ચાલી રહ્યો છે. જેન્યુન હોય તો વિઝા આપે જ છે. બીજું, સપ્ટેબર-2025માં સ્ટુડન્ટને જવું હોય તો સ્ટુડન્ટ વિઝા પણ આપશે, કારણ કે તે યુએસમાં રેવન્યુ લઈને આવે છે.’ ડિપોર્ટની કાર્યવાહીથી પણ યુએસનો ક્રેજ ઘટ્યો નથી. આ વાત મલ્ટીનેશનલ બેન્કના એક અધિકારી સાથે વાત કરતાં પણ સામે આવી હતી. સ્ટુડન્ટ લોન માટે કામ કરતી એક મલ્ટીનેશનલ બેન્કના એક અધિકારીએ પણ નામ ન આપવાની શરતે કહ્યું, ‘પહેલી ડિપોર્ટ ફ્લાઇટ આવી એના પછીના જ દિવસે અમારું એક્ઝિબિશન હતું, જેમાં 90% લોકો યુએસની ઇન્ક્વાયરી માટે જ આવ્યા હતા. એટલે લીગલ જતા લોકોમાં કોઈ નેગેટિવ અસર નથી આવી.’ 3 વર્ષ પહેલાં કેનેડા-યુએસની બોર્ડર પર ગુજરાતના ડિંગુચા ગામના પરિવારનાં મોત બાદ દેશમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યાર બાદ ગુજરાત સરકારે આખા મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી હતી, જેમણે કબૂતરબાજીમાં મોટું નામ ગણાતા બોબી પટેલ, તેના ભાગીદાર કલ્પેશ પટેલ અને દિલ્હીથી ગુરપ્રીત સિંહ ઓબેરોયની ધરપકડ કરી હતી. આખા કેસને સમજવા માટે અમે એ વખતે દિવ્ય ભાસ્કરે એસએમસીના એક તપાસ અધિકારી સાથે વાત કરી હતી, જેમાં અનેક ચોંકાવનારી માહિતી મળી હતી. નોંધનીય છે કે આ કેસમાં હાલમાં બોબી પટેલ, પ્રવીણ પટેલ, હિતેશ પટેલ ઉર્ફે લાલિયો, KP ઉર્ફે મનીષ બાબુભાઇ પટેલ અને પંકજ પટેલ હાલ પણ જેલમાં છે. જ્યારે અન્ય કેટલાકને જામીન મળી ગયા છે. એસએમસીના તપાસ અધિકારીના કહેવા મુજબ, વિઝા મેળવવા માટે સૌથી પહેલા તો ડોક્યુમેન્ટ સાથે ચેડાં કરીને કાયદેસરના વિઝા મેળવે છે. જો એ રીતે કાયદેસર વિઝા ના મળે તો જે પાસપોર્ટ હોય એમાં નાના-મોટા ફેરફાર, જેવા કે નામ કે એડ્રેસ બદલાવી નવો પાસપોર્ટ કઢાવે છે. હવે જે જૂનો પાસપોર્ટ છે એમાં ભારત સાથે જે દેશના ઓન અરાઇવલ વિઝા મળે એ બધી કન્ટ્રીના ખોટાં વિઝા સ્ટેમ્પ-સ્ટિકર લગાવે છે તેમજ અરાઇવલ અને ડિપાર્ટચરના સિક્કા મારે છે. આ રીતે જૂના પાસપોર્ટમાં પાંચ-સાત વર્ષ પહેલાંની નકલી ટ્રાવેલ હિસ્ટ્રી બતાવે છે. નવો (ફેરફાર કરેલો) અને જૂનો (જેમા ટ્રાવેલ હિસ્ટ્રી ખોટી બતાવી છે) પાસપોર્ટ એટેચ્ડ હોય છે. ચેડાં કરેલા આ બન્ને પાસપોર્ટ પર મેક્સિકો સાથે વિઝા ઓન અરાઇવલ મળતા હોય એવા દેશના વિઝા મેળવવામાં આવે છે. કાગળ પર ખોટું ફેમિલી બતાવે છે
ઘણીવાર એજન્ટો કાગળ પર ખોટું ફેમિલી પણ ઊભું કરે છે, જેમ કે કોઈ કપલ પાસે યુએસના મલ્ટીપલ એન્ટ્રીવાળા 10 વર્ષના ટૂરિસ્ટ વિઝા છે, પણ તેમને છોકરા નથી તો તેમના માઇનર છોકરા બતાવે છે. એના માટે એ લોકો કરિયર બને છે અને 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે અને 22થી 26 વર્ષના દેખાતા હોય એવા લોકોને માઇનર બતાવી ખોટા પાસપોર્ટ અને વિઝા મેળવી લે છે, કારણ કે ફેમિલી હોવાથી વિશ્વાસ કેળવવામાં સરળતા રહે છે. ખોટાં પતિ-પત્ની ઊભાં કરે છે
કોઈ સિંગલ સ્ત્રી કે પુરુષે અમેરિકા જવું હોય તો જેણે વધુ ટ્રાવેલ કરેલું હોય તેનાં પતિ કે પત્ની બની જાય છે. આ માત્ર ઓન પેપર જ બતાવવામાં આવે છે. આ બન્ને વિઝા આવી ગયા પછી અને અમેરિકા જતાં પહેલાં જ ઓન પેપર છૂટાછેડા પણ લઈ લીધા હોય છે અને અમેરિકાના એરપોર્ટથી બહાર નીકળ્યા પછી બન્ને પોતપોતાના રસ્તે જતાં રહે છે. સૌથી પહેલા આ વિઝા મેળવે છે
અમેરિકા જવા માટે સૌથી પહેલા યુરોપના સેન્ઝન વિઝા(જેમાં 28 યુરોપિયન દેશોમાં ફરી શકાય) અથવા જાપાન કે તુર્કી જેવા દેશના ટૂરિસ્ટ વિઝા લેવામાં આવે છે. ત્યાંથી મેક્સિકોના ઓન અરાઇવલ વિઝા સરળતાથી મળી જાય છે. મેક્સિકોમાં ગેરી નામની વ્યક્તિ અમેરિકા જવા માગતા લોકોને રિસીવ કરે છે અને અમેરિકા-મેક્સિકોની બોર્ડર સુધી લઈ જાય છે. ગેરીના માણસો એટલે કે ડોન્કર (બોર્ડર ક્રોસ કરાવનાર) આ વ્યક્તિઓને બોર્ડર ક્રોસ કરાવે છે. જાપાન કે તુર્કીના વિઝા ન મળે તો આ રૂટથી અમેરિકામાં એન્ટ્રી આપે
હવે ધારો કે અમેરિકા જવા માટે સૌથી પહેલા યુરોપના સેન્ઝન વિઝા(જેમાં 28 યુરોપિયન દેશોમાં ફરી શકાય) અથવા જાપાન કે તૂર્કીના વિઝા નથી મળતા તો આ લોકો ભારતથી પનામા કે અલસાલ્વાડોર જેવા લેટિન અમેરિકન દેશોમાં પહોંચે છે અને ત્યાંથી ગેરકાયદે રીતે બાય રોડ કે બાય એર મેક્સિકો પહોંચે છે, જ્યાં ગેરી રિસીવ કરવા માટે હાજર હોય છે અને ગેરીના માણસો આ વ્યક્તિઓને અમેરિકા-મેક્સિકોની બોર્ડર ક્રોસ કરાવી અમેરિકામાં ઘુસાડે છે. ગેરકાયદે ઘૂસતા લોકો પાસે ત્રણથી ચાર નવાં સિમકાર્ડ મગાવે
જ્યારે જર્ની શરૂ કરે ત્યારે જઈ રહેલા લોકો પાસે ત્રણથી ચાર નવાં સિમકાર્ડ મગાવે છે. આ આખી જર્ની જેમ જેમ આગળ વધે એમ એમ તબક્કાવાર આ સિમકાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી એનો નાશ કરીને ફેંકી દેવામાં આવે છે. મેક્સિકોમાં એક વ્યક્તિ હોય છે, જે ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસતા લોકોને રિસીવ કરે છે. પછી ડોન્કર હોય છે, એ લોકો મેક્સિકોથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવે છે. વિદેશ મોકલવાની આખી ચેઇન કેવી રીતે ચાલે?
ધારો કે કોઈ વ્યક્તિ મહેસાણાથી અમેરિકા જાય છે તો દર વખતે એક જ રૂટથી નથી મોકલતા. અલગ અલગ દેશમાંથી મોકલે છે, એટલે લોકોની સંખ્યા અલગ અલગ હોય છે. આખી પ્રોસેસ ડાયનેમિક છે, એટલે કે ગુજરાતના A નામના એજન્ટે દિલ્હીના B નામના એજન્ટનો સંપર્ક કર્યો. એ જ રીતે દિલ્હીના B નામના એજન્ટના બીજા પણ કસ્ટમર અને એજન્ટ હોય છે. હવે એજન્ટ B યુરોપના કોઈ C નામના એજન્ટનો સંપર્ક કરે છે. એ વ્યક્તિને આગળ કદાચ બીજા 10 લોકો ઓળખતા હોઇ શકે છે. એમ આ પ્રોસેસ વન ટુ વન નથી. દરેક ટ્રિપમાં એકસરખા લોકો નથી હોતા. દરેક વખતે આગળ જતા લોકો બદલાઈ શકે છે. ‘ડૉલર ડ્રીમ્સ’ સિરીઝનો પહેલો એપિસોડ: અમેરિકામાં ઇલીગલ ગુજરાતીઓમાં ફફડાટ, જીવ પડીકે બંધાયા:કામ પર જવાનું બંધ કરી ઘરમાં કેદ થયા, 3 મહિના આવી સ્થિતિ રહી તો ફાંફાં પડશે ‘ડૉલર ડ્રીમ્સ’ સિરીઝનો બીજો એપિસોડ: અમેરિકામાં ઘૂસો, સામેથી પકડાવ, મન મૂકીને ડૉલર કમાઓ:USમાં વસવાની ગુજરાતીઓની નવી ટ્રિક, ભારતને બદનામ કરતા પણ નથી અચકાતા ‘ડૉલર ડ્રીમ્સ’ સિરીઝનો ત્રીજો એપિસોડ: ગેરકાયદે US જતી યુવતીઓ રૂટમાં બને છે હવસનો શિકાર:પતિથી પત્નીને અલગ કરી દે છે, ગુજરાતીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે માફિયા ‘ડૉલર ડ્રીમ્સ’ સિરીઝનો ચોથો એપિસોડ: કોઈ 30 સ્ટોરના માલિક તો કોઈએ વસાવી 10 કરોડની પ્રોપર્ટી; USમાં ઇલીગલ ઘૂસીને ગુજરાતીએ મજૂરી કરી, 22 વર્ષે દીકરાનું મોં જોવા મળ્યું અમારી ખાસ સિરીઝ ‘ડૉલર ડ્રીમ્સ’ તમને કેવી લાગી? તમારા કોઈ ફીડબેક કે સજેશન હોય તો dvbbhaskar123@gmail.com પર શૅર કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments