જિલ્લા પંચાયત સંચાલિત 1050 શાળાઓમાં લેવાતી પરીક્ષાનાં પ્રશ્નપત્ર, ઉત્તરવહી અને પુરવણીની ખરીદીમાં મસમોટું કૌભાંડ ખૂલ્યું છે. વર્ષ 2019થી 2024 સુધીની ખરીદીના ચોંકાવનારા આંકડા પ્રકાશમાં આવ્યા છે. દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધે ત્યારે ખર્ચ વધે એ માની લેવાય, પરંતુ 2022માં 530 વિદ્યાર્થી ઘટ્યા છતાં ખર્ચ રૂા.43,10,702 વધ્યો હતો. 2019 થી 2024 સુધીની ખરીદીમાં 2023 સુધી દર વર્ષે ભાવમાં અધધધ વધારો નોંધાયો હતો. જોકે 2023માં માત્ર 2 વિદ્યાર્થી વધ્યા, સામે ખર્ચમાં 39 લાખનો ઘટાડો નોંધાયો હતો. 2 વિદ્યાર્થીની સંખ્યા વધી હોવા છતાં પ્રશ્નપત્ર, ઉત્તરવહી અને પુરવણીની ખરીદીના ખર્ચમાં લાખોનો ઘટાડો થતાં પાછલા વર્ષમાં વધુ રકમ ચૂકવાઈ હોવાનું ખૂલ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, 2019થી 2023 સુધીનાં 4 વર્ષની સ્ટેશનરીની ખરીદી શંકા ઊપજાવે એવી છે, છતાં તપાસ કરાઈ નથી. સૌથી વધુ ચોંકાવનારા આંકડા 2022-23માં પાછલા વર્ષ કરતાં 530 વિદ્યાર્થી ઘટ્યા છતાં ખર્ચ 43,10,702 વધ્યો હતો. વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે એવા સંજોગોમાં ખર્ચ ઘટવાને બદલે અધધધ પ્રમાણમાં વધ્યો હતો. ગોટાળાની શંકા સાથે 3 સભ્યની કમિટી બનાવાતાં 3 માસ સુધી તપાસ કરી રિપોર્ટ ડીડીઓને સોંપ્યો હતો. કોરોનામાં ‘કાગળ પર’ પરીક્ષા, ખર્ચ 7 લાખ!
જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં લેવાતી પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્ર, ઉત્તરવહી અને પુરવણી શિક્ષણ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે. વર્ષ 2020માં કોરોનાકાળનો સૌથી કપરો સમય હતો. સરકારે વર્ષ 2020 તમામ શાળાઓમાં પરીક્ષા મોકૂફ કરી હતી અને વિદ્યાથીઓને ગ્રેસ આપી ઉત્તીર્ણ કરવાની જાહેરાત કરી હતી. જોકે વર્ષ 2020માં જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં 91,886 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને ખર્ચ રૂા.7,21,703 થયો હોવાનું બતાવવામાં આવ્યું છે. કોરોનાકાળમાં જ્યારે તમામ શાળાઓમાં પરીક્ષા મોકૂફ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા પંચાયતની શાળાઓમાં પરીક્ષા લેવામાં આવી હતી. સમગ્ર મામલે ટીમ બનાવીને તપાસ કરાવાશે, રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે
સમગ્ર મામલે અમે ટીમ બનાવીને તપાસ કરાવીશું. તપાસ પછી જ ખબર પડશે. તપાસનો જે કોઈ રિપોર્ટ આવશે તેના આધારે આગળ કાર્યવાહી કરવામાં આવશે. > મમતા હીરપરા, જિલ્લા વિકાસ અધિકારી