નિશાંત દવે
સામાન્ય રીતે પારિવારિક મિલકતની કિંમત કરોડો રૂપિયામાં હોય તો તેનો કંકાસ હોય તે સ્વાભાવિક છે. વડોદરામાં નિઝામપુરા-છાણી જકાતનાકા વિસ્તારની 20 કરોડનું બજાર મૂલ્ય ધરાવતી 10 હજાર ચોરસ મીટર એટલે કે 1 લાખ ચોરસ ફૂટ જમીન સહિતની મિલકતનો મામલો સિટી સરવે કચેરી સુધી પહોંચ્યો હતો. જેમાં 2009માં મૃત્યુ પામેલા શખ્સની રજિસ્ટર્ડ એડીની એકનોલેજમેન્ટમાં 6 વર્ષ બાદ સહી કરાઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. નવાઇની વાત એવી છે કે, સિટી સરવે સહિતની સરકારી કચેરીની ગંભીર બેદરકારી હોવા છતાં તેની સામે આંખ આડા કાન કરાયા છે.
શહેરના ઉત્તર સીમાડે આવેલા નિઝામપુરા- છાણી રોડ પર રેવન્યૂ સરવે નં.99 અને 100ની જમીન કે જેનો ટીપી સ્કીમ નં.12માં સમાવેશ થયો હતો. જેને કારણે 6304 ચો. મીટર અને 4432 ચો. મીટરનો ફાઇનલ પ્લોટ મળ્યો હતો. આ પ્લોટની સંયુક્ત માલિકી અરવિંદ મૂળજીભાઇ પટેલ, કનુ મૂળજીભાઈ પટેલ, હરીશ મૂળજીભાઇ પટેલ અને રતિલાલ મૂળજીભાઇ પટેલની છે.
જે પૈકી રતિલાલ પટેલનું 14 ઓગસ્ટ, 2009ના રોજ મૃત્યુ થયું હતું. રતિલાલ પટેલના વારસામાં 5 દીકરી છે અને તમામ પરિણીત તેમજ વિદેશમાં વસવાટ કરે છે. પિતાના મૃત્યુ બાદ પારિવારિક મિલકતમાં તેમના વારસદાર તરીકે 5 દીકરીનો હક્ક થતો હતો. જોકે રતિલાલના ભાઇએ કુલમુખત્યાર તરીકે પક્ષકાર ઊભો કર્યો અને પ્રતિવાદી એટલે કે જેમની વિરુદ્ધ છે તેમાં 2009માં મૃત્યુ પામેલા ભાઇ રતિલાલ પટેલનો ઉલ્લેખ થયો હતો.છાણી જકાતનાકા પાસેના સુસ્મિત બંગલોઝના નામે કુલમુખત્યાર હરીશ પટેલના કુ.મુ. અરવિંદ મૂળજીભાઇ પટેલનું સરનામું હતું. જેમની વિરુદ્ધ સિટી સરવે નં.2ની કચેરીમાં દાદ માગી હતી તેવા મૃતક રતિલાલ પટેલનો ઉલ્લેખ કરી તેમનું પણ સરનામું સુસ્મિત બંગલોઝ બતાવાયું હતું. 2015માં સિટી સરવે સુપ્રિ. નં.2ની કચેરીમાં દાખલ કરાયેલા તકરારી કેસમાં અરજદાર હરીશ પટેલના કુલમુખત્યાર અરવિંદ પટેલનો ઉલ્લેખ હતો અને સામાવાળા તરીકે હરીશભાઇ અને મૃતક રતિલાલ પટેલનો ઉલ્લેખ હતો. ચોંકાવનારી બીના એવી છે કે, જેનું 2009માં મૃત્યુ થઇ ચૂકયું છે તેને સામાવાળા તરીકે બતાવાયા હતા અને મૃતકની વિદેશમાં રહેતી દીકરીઓને અંધારામાં રાખી હતી. એટલું જ નહીં તમામનાં સરનામાં એક જ ઘરે બતાવાયાં હતાં અને કલમ 135 ડી મુજબ નોટિસ પણ મૃતક રતિલાલ પટેલના નામે નીકળી હતી.
આ નોટિસ રજિસ્ટર્ડ એડી પોસ્ટથી મોકલાઈ હતી અને 2009માં મૃત્યુ પામેલા રતિલાલ પટેલના નામથી તેની એકનોલોજમેન્ટમાં તા.23-7-2015ના રોજ સહી પણ થઇ હતી. મૃતકના નામની સહી થઇ ગઇ હોવા છતાં સિટી સરવે વિભાગના અધિકારીએ તેની ગંભીરતા ન લેતાં વિવાદ સર્જાયો છે. એટલું જ નહીં, આ મામલાની મોડેથી જાણ થતાં મૃતકની દીકરીઓએ કલેક્ટર કચેરીમાં દાદ માગી હતી, પરંતુ સમય ચૂકી ગયા હોવાનું કારણ આપી દેવાયું હતું.
મૃતક રતિલાલના વારસામાં સ્મિતા સંજયભાઇ પટેલ, ઇન્દિરા અશ્વીનભાઇ પટેલ, સુશીલા કિરીટભાઇ પટેલ, ગીતા રોહિતભાઇ પટેલ અને દેવિકા ભરતભાઇ પટેલ એમ 5 પુત્રી છે. રતિલાલના વારસદાર તરીકે પાંચેયનાં નામ નોંધાયાં હતાં. પણ રતિલાલના મૃત્યુના 6 વર્ષ બાદ તેમના ભાઇઓએ ભત્રીજીઓના હક્કને બાજુ પર મૂકી તેમની વચ્ચે જ મિલકતની વહેંચણી થાય તે રીતે કારસો ઘડતાં વિવાદ સર્જાયો છે.
મૃતકના નામે કોણ સહી કરી ગયું? પરિવારજનો કહે છે ખબર નથી! 1 લાખ ચો. ફૂટ જમીનમાં આવેલા બંગલા સહિતની સંયુક્ત મિલકતના ભાગલા મૃતકના વારસદાર દીકરીઓ સુધી પહોંચે નહીં તે માટે રતિલાલના નામજોગ રજિસ્ટર એડીમાં ઉલ્લેખ કરાયો હતો. જેની પહોંચમાં પણ મૃતકના નામે સહી થઈ હતી. રૂા. 10 અને રૂા.20 ના સ્ટેમ્પ પેપર પર વહેંચણ લેખ કરાયો
મિલકતના વેચાણ કે વહેંચણનો લેખ હોય તો સ્ટેમ્પ પર લખાણ કરવુંં પડે છે. જેના આધારે સરકારમાં સ્ટેમ્પ ડ્યૂટી-રજિસ્ટ્રેશન ફી ચૂકવવાની હોય છે. જોકે નિઝામપુરા-છાણી રોડની મિલકત માટે 24-1-2000ના રોજ રૂા.20ના સ્ટેમ્પ પેપર રતિલાલ પટેલના નામે સમજૂતી કરાર કરાયો હતો અને તેને સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટની કચેરીમાં રજૂ કરાયો હતો. જેને 18-11-2014ના રોજ એટેસ્ટેડ કરાયો હતો. તેવી જ રીતે,રૂા.10ના સ્ટેમ્પ પેપર પર વહેંચણ કરાર કરાવ્યો હતો અને તેને પણ 18 નવેમ્બર,2014ના રોજ એટેસ્ટેડ કરાવ્યો હતો. રતિભાઈની હયાતીમાં જ બધુ થયું, દસ્તાવેજો છે ઘરમાં 5 નોકર છે. રતિભાઇની સહી હતી તે ખબર નથી. રતિભાઇ ગુજરી ગયા તે પહેલાંની સહી છે. અમારી પાસે ડોક્યૂમેન્ટ છે. રતિભાઇની હયાતીમાં બધું થયું છે, તેમનું અરવિંદભાઇ સંભાળતા હતા.તેમની જોડે વાત થઇ હશે કે પૈસા આપી દે ને જમીન લઇ લે. આ જોઇન્ટ પ્રોપર્ટી હતી. રતિભાઇની દીકરીઓ વડોદરા આવતી ન હતી અને તેમનો હક્ક નથી. > કનુભાઇ પટેલ, રતિલાલ પટેલના ભાઇ વારસોની નોંધ હોવા છતાં સિટી સરવે તરફથી નોટિસ ન અપાઈ રતિલાલના મૃત્યુ પછી વારસદાર દીકરીઓના નામ સિટી સર્વેમાં નોંધ પડી હોવા છતાં નોટિસની બજવણી સિવાય મૃતક રતિલાલનાં ખોટાં સરનામાં દર્શાવી અને 135 ડીની નોટિસ બજવણી કરવાની હોય, તેની રજિસ્ટર એડીની પહોંચમાં રતિલાલભાઈની બોગસ સહી કરી ગુનાહિત કૃત્ય કરાયું છે. અધિકારીઓએ આ હકીકત ધ્યાને લીધા વગર હુકમ કર્યો, > જે.બી.વાજા, એડવોકેટ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વર્ષ 2010માં વણનોંધાયેલા દસ્તાવેજને પુરાવા તરીકે નહીં ગણવા તેવો પરિપત્ર જારી કર્યો હતો. આ પરિપત્ર મુજબ જ્યારે સરકારી કચેરીઓ સમક્ષ વણનોંધાયેલા બાનાખત પુરાવા, નોંધણી, રેકર્ડ કે કોઇ અન્ય જોગવાઇ પૂર્તતા માટે રજૂ થાય તો રજિસ્ટ્રેશન અધિનિયમ 1908ની કલમ 49ની જોગવાઇ મુજબ કોઇપણ સંજોગોમાં પુરાવા તરીકે સ્વીકારવાના નથી. રાજ્ય સરકારના તમામ સક્ષમ અધિકારીઓએ તેનું પાલન કરવાનું છે.