ભારતીય હવામાન વિભાગ અનુસાર આજે (28 ફેબ્રુઆરી) ઓફિશિયલી શિયાળાનો છેલ્લો દિવસ છે. પરંતુ ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી જ શિયાળાનું નામોનિશાન જતું રહ્યું હોય તેમ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તેમાં પણ છેલ્લા 15 દિવસથી તો ફેબ્રુઆરી મહિનામાં જ અગનગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી ગુજરાતવાસીઓ સહન કરી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, 1 માર્ચથી ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થાય છે, પરંતુ આ વર્ષે એક મહિના પહેલા જ ઉનાળો રાજ્યમાં પ્રવેશી ચૂક્યો છે. વર્ષ 2025માં ફેબ્રુઆરી મહિનાની ગરમીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 2015થી લઈને આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતનું મહત્તમ તાપમાન સૌથી વધુ નોંધાયું છે. 2015 બાદ 2025ના ફેબ્રુઆરીની ગરમીએ રેકોર્ડ તોડ્યો
સમગ્ર શિયાળા દરમિયાન ગુજરાતવાસીઓએ ફક્ત થોડાક જ દિવસો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો છે. તેવામાં શિયાળાના વિદાય સમયે છેલ્લા 15 દિવસ તો કાળજાળ ગરમીનો અનુભવ કર્યા બાદ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, તેવી પણ આગાહી વ્યક્ત કરી છે. એટલે કે, તાપમાનના એકાએક ઉતાર-ચઢાવથી ઠંડી અને ગરમીની અસર રહેશે. વર્ષ 2015થી 2025 સુધી એટલે કે, છેલ્લા 10 વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી નજીક રહેતું હોય છે. પરંતુ આ વર્ષે તો છેલ્લા પખવાડિયામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી પણ વધુ નોંધાયું છે. આ વર્ષની ગરમીએ ગુજરાતવાસીઓને ત્રાહિમામ પોકારતા કર્યા છે. આ શિયાળે કોલ્ડવેવના દિવસોમાં ઘટાડો થયો
શિયાળાની શરૂઆતમાં જ ભારતીય હવામાન વિભાગ દ્વારા વિવિધ આગાહી કરવામાં આવી હતી. જે મુજબ ગુજરાતમાં કોલ્ડવેવના દિવસોમાં પણ આ ઋતુ દરમિયાન ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સામાન્ય રીતે ગુજરાતમાં કોલ્ડવેવના પાંચથી છ દિવસો રહેતા હોય છે. પરંતુ આ વખતે ફક્ત બેથી ત્રણ દિવસ જ કોલ્ડવેવની સ્થિતિ સર્જાઇ હતી. તેમાં પણ ફક્ત ડિસેમ્બર મહિનામાં જ આ સ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યારે જાન્યુઆરી મહિનાથી જ ધીરે ધીરે તાપમાનમાં ઉતાર-ચઢાવની સ્થિતિ સર્જાવા લાગી હતી અને ફેબ્રુઆરી મહિનાથી તો કાળજાળ ગરમી શરૂ થતા ગુજરાતવાસીઓએ શિયાળાની પુરતી મજા માણી નહોતી. મહત્વનું છે કે, આ શિયાળાની ઋતુમાં વાતાવરણ ન્યુટ્રલ રહ્યું હતું. એટલે કે, અલનીનોની અસર વર્તાઈ ન હતી, તેથી તાપમાન મુખ્યત્વે સામાન્યથી નજીક રહ્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન 2017ના શિયાળા બાદ 2025માં હાઈ
ગુજરાતના ચાર મહાનગરોમાં છેલ્લા દસ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાના મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં વર્ષ 2017ના ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન 37°ને પાર પહોંચ્યું છે. તદુપરાંત વડોદરા શહેરમાં પણ વર્ષ 2017નો ફેબ્રુઆરી મહિનો અત્યાર સુધીમાં સૌથી ગરમ હતો. જેમાં ફેબ્રુઆરી મહિનાનું મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું. પરંતુ આ વર્ષે વડોદરા શહેરમાં પણ મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. રાજકોટના વાતાવરણમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યું
રાજકોટ શહેરમાં આ શિયાળાની ઋતુમાં લઘુત્તમ તાપમાન પણ સૌથી ઓછું નોંધાયું હતું, જ્યારે શિયાળામાં જ મહત્તમ તાપમાન પણ સૌથી વધુ નોંધાયું છે. છેલ્લા એક સપ્તાહથી રાજકોટ શહેરનો મહત્તમ તાપમાનનો પારો સતત ઉચકાતો રહ્યો છે. છેલ્લા દસ વર્ષના ફેબ્રુઆરી માસમાં વર્ષ 2019માં રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, પરંતુ વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનામાં તમામ રેકોર્ડ તોડીને રાજકોટનું મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું છે. તદુપરાંત સુરત શહેર કે, જે દરિયાકાંઠે આવેલું છે, ત્યાં ભેજનું પ્રમાણ પણ વધુ રહેતું હોય છે. તેવામાં છેલ્લા દસ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં વર્ષ 2017માં 36 ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્તમ તાપમાન પહોંચ્યું હતું. જ્યારે આ વર્ષે મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ફેબ્રુઆરીના બીજા પખવાડિયાથી જ કાળઝાળ ગરમીનો અનુભવ
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું છે, જેથી ગરમીનું પ્રમાણ સતત વધતું રહ્યું છે. મહત્વનું છે કે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે ગુજરાતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી નજીક અથવા તો વધુ રહેવાની શક્યતાઓ છે. આગાહી મુજબ જ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધતું ગયું છે. ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં તો ગુજરાતવાસીઓએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ફેબ્રુઆરીમાં બફારાનું યલો એલર્ટ
ફેબ્રુઆરી મહિનાના છેલ્લા 15 દિવસોમાં રાજ્યના ચાર મહાનગરોમાં એકાએક ફક્ત 24થી 36 કલાકમાં જ મહત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન પણ ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધી જતા અસહ્ય ગરમીનું પ્રમાણ વર્તાયું હતું. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનાના છેલ્લા સપ્તાહમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં બફારા માટે પણ યલો એલર્ટ જાહેર કર્યું હતું. મહત્વનું છે કે, દરિયાકાંઠાના વિસ્તારમાં વાતાવરણ સમતોલ રહેતું હોય છે. ત્યાં ઠંડી અને ગરમીના પ્રમાણમાં મોટા ફેરફાર આવતા નથી. કારણ કે, દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધુ રહેતું હોય છે. ત્યારે મેદાની પ્રદેશથી એટલે કે, ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવતા પવનો અને દરિયાના ભેજને કારણે દરિયાની સપાટીથી 50 કિલોમીટર જમીન તરફ જતા ભેજનું પ્રમાણ અસહ્ય રહે છે. તેથી હવામાન વિભાગ દ્વારા બફારા માટે યલો એલર્ટ જાહેર કર્યું હતુ. આ વર્ષના શિયાળાની અસર અન્ય વર્ષોની સરખામણીએ વર્તાય નહિ
નોંધનીય છે કે, ગુજરાતમાં શિયાળા દરમિયાન કેટલાક વિસ્તારમાં અત્યંત ઠંડી રહેતી હોય છે, કેટલાક વિસ્તારમાં તો ઝીરો ડિગ્રી અથવા તો તેનાથી પણ ઓછું લઘુત્તમ તાપમાન નોંધાતું હોય છે. ત્યારે આ સિઝનમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું રહ્યું છે. શિયાળાના ચાર મહિના દરમિયાન મોટાભાગના દિવસોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી વધુ રહ્યું છે. ખાસ કરીને કચ્છના નલિયામાં કે જ્યાં 0 અથવા તો માઇનસમાં તાપમાન પહોંચતું હોય છે, ત્યાં પણ આ વર્ષે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ફક્ત 3.2 ડિગ્રી સેલ્સિયસ જ નોંધાયું હતું. આ ઉપરાંત 1 નવેમ્બર 2024થી શરૂ થયેલા શિયાળાએ ખૂબ જ ઓછા દિવસ ગુજરાતમાં તેની અસર બતાવી છે.