ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના બદ્રીનાથ ધામ નજીક આવેલા માના ગામ પાસે એક ગ્લેશિયર તૂટવાના સમાચાર છે. જેમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન BROના કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા 57 મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં 10 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના 47 મજૂરોની શોધકોળ ચાલી રહી છે. IG રાજીવ સ્વરૂપે જણાવ્યુ કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ત્રણ દિવસથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. શુક્રવારે વહેલી સવારે ઉધમપુર જિલ્લાના મૌંગરી નજીક પહાડ પરથી પથ્થર પડતાં માતા અને પુત્રનું મોત થયું હતું. કઠુઆ જિલ્લાના રાજબાગ વિસ્તારમાં ઉઝ નદીમાંથી 11 લોકોને અને નીકી તવી વિસ્તારમાંથી 1 વ્યક્તિને બચાવી લેવામાં આવી હતી. હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે સહિત ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ જેવા પ્રવાસન સ્થળો સહિત ઘાટીના પહાડી વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા થઈ હતી. ખરાબ હવામાનને કારણે ટ્રેન અને ફ્લાઈટને પણ અસર થઈ છે. ઉત્તરાખંડના ગંગોત્રીમાં 4 ફૂટ જેટલી હિમવર્ષા થઈ છે. હિમાચલ પ્રદેશમાં 3 દિવસથી હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. લાહૌલ સ્પીતિ, ચંબા અને કિન્નૌર જિલ્લાના પાંગી-ભરમૌરમાં હિમવર્ષા બાદ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. 28 ફેબ્રુઆરીએ તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. કુલ્લુના અખાડા બજારમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. પૂરના કારણે અનેક વાહનો કાટમાળ નીચે દટાયા હતા.
વધુ અપડેટ કરી રહ્યા છીએ…