અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનારી ઘટના સામે આવી છે. જ્યાં નરાધમ શિક્ષકે ધોરણ ચારમાં અભ્યાસ કરતી નવ વર્ષની બે બાળકીઓને હવસનો શિકાર બનાવી છે. વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીએ ઘરે વાત કરતાં દીકરીના પિતાએ શાળામાં છુપાઇને અડપલા કરતા શિક્ષકને રંગેહાથ ઝડપીને પોલીસને સોંપ્યો છે. આ ઘટનામાં દીકરીના પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે, નરાધમ શિક્ષક બાળકીઓને ઉધરસની દવાના બહાને દારૂ પિવડાવતો હતો. દીકરીએ ઘરે વાત કરતા પિતાએ રેકી કરી
અમરેલી તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ અમરેલીના ભારતનગરની શાળામાં ફરજ બજાવતો શિક્ષક મહેન્દ્ર કાબઠીયા ધોરણ ચારમાં ભણતી નવ વર્ષની બે બાળકીઓ પર છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ ગુજારતો હતો. આ ઘટના અંગે એક દીકરીએ પોતાના ઘરે વાત કરી હતી. જેથી દીકરીના પિતાએ શાળામાં સંતાઇને રેકી કરી હતી. અડપલા કરતા શિક્ષકને રંગેહાથ ઝડપ્યો
આ દરમિયાન પિતાએ શિક્ષક મહેન્દ્ર કાબઠીયાને શાળાની ઓફિસમાં પોતાની દીકરી સાથે અડપલા કરતા રંગેહાથ ઝડપી લીધો હતો અને તુરંત ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અમરેલી રુલર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. આ ઘટનાને લઇને શાળામાં અભ્યાસ કરતી અન્ય દીકરીઓના વાલીઓ પણ રોષે ભરાયા છે. જેમણે નરાધમને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે. નરાધમ દવાના બહાને દારૂ પિવડાવતો
આ ઘટના અંગે ભોગ બનનાર દીકરીના પિતાએ જણાવ્યું હતું કે, મહેન્દ્ર કાબઠીયા મારી દીકરી સાથે ખરાબ કામ કરતો હોવાની વાત દીકરીએ ઘરે કરી હતી. જેથી બીજા દિવસે હું શાળાએ ગયો હતો અને સંતાઇ ગયો હતો. આ બાદ શાળાની ઓફિસમાં મારી દીકરી સાથે અડપલા કરતા શિક્ષકને મેં રંગેહાથ ઝડપ્યો હતો અને બાદમાં પોલીસને જાણ કરી હતી. આ નરાધમ ઉધરસની દવાના બહાને દીકરીઓને દારૂ પિવડાવી આવું કૃત્ય કરતો હતો. આરોપીને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માંગ છે. પોલીસે આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી
આ અંગે ઇન્ચાર્જ એસ.પી. ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિક્ષક મહેન્દ્ર કાબઠીયા ધોરણ ચારમાં અભ્યાસ કરતી બે બાળકી સાથે ઘણા સમયથી શારીરિક અડપલા અને દુષ્કર્મ આચરતો હતો. જે બાબતે ભોગબનારે ઘરે વાત કરતાં એના પિતાએ સંતાઇને રેકી કરીને શાળાની ઓફિસમાં દીકરી સાથે અડપલા કરતા શિક્ષકને ઝડપી લીધો હતો. જે બાદ પોલીસને જાણ કરતાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને આગળની તપાસ ચાલુ છે.