હાલમાં યુવકો વેબસિરિઝ અને ફિલ્મોના પ્રભાવ હેઠળ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઝડપાઇ રહ્યા છે. એવો જ એક કિસ્સો સુરતના ઉધનામાં સામે આવ્યો છે. જેમાં એક યુવકે મિર્ઝાપુર વેબસિરિઝ જોઈ મુન્નાભાઈ બનાવાની લ્હાયમાં બિલ્ડરને ફોન કરી ‘હું હત્યાનો આરોપી છું’ કહી બે લાખની ખંડણી માગી હતી. આ મામલે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. બિલ્ડરને મારી નાખવાની ધમકી આપી
ગત 2 ફેબ્રુઆરીના રોજ ઉધના રોડ નં. 4, પ્લોટ નં.1/11 ખાતે બાંધકામ ચાલી રહ્યું હતું. આ સમયે અચાનક બિલ્ડરને અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. જેમાં સામેની વ્યક્તિએ રોફ જાડવા માટે બિલ્ડરને ફોન પર કહ્યું હતું કે, લેબર કોન્ટ્રાક્ટરને બે લાખ રૂપિયા આપ, નહીં તો કામ બંધ કર…નહીતર સબકો ભુંદ દુગા. બાદમાં બિલ્ડરે ફોન નહીં ઉઠાવવાનું બંધ કરી દેતા આરોપીએ વોટ્સએપ પર વોઇસ મેસેજ મોકલીને વધુ ગંભીર ધમકી આપી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, જો બાંધકામ ચાલુ રાખવું હોય તો બે લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો ફાયરિંગ કરી જાનથી મારી નાખીશ. ખંડણીની માગ સાથે આવતી આ ધમકીઓ બાદ બિલ્ડરે તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો
ફરિયાદ બાદ ઉધના પોલીસની સર્વેલન્સ ટીમ એક્શન મોડમાં આવી હતી. ખંડણી માગનારની વિગતો શોધતા પોલીસને ખબર પડી કે, આરોપી સમીરખાન શહીલખાન પઠાણ (ઉં.વ. 20) રહે. લીંબાયત, સુરત અને મૂળ મહારાષ્ટ્રનો વતની છે. પોલીસે ઝડપથી તપાસ શરૂ કરી અને આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો. આજરોજ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે, મિર્ઝાપુર જેવી ક્રાઇમ વેબસિરીઝ જોઈને જ તે ગુનાખોરીના રસ્તે ઊતર્યો હતો. ઘટનાસ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રકશન કરાવ્યું
ઉધના પોલીસે સમીર પઠાણને પકડ્યા બાદ તેને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ આરોપી માત્ર ધાક જમાવવા માટે હત્યાનો આરોપી હોવાનું કહેતો હતો. હકીકતમાં તે માત્ર એક પેઈડ મજૂર છે, જે મિર્ઝાપુર જેવી વેબસિરીઝ જોઈને પોતાને માથાભારે ઈસમ બતાવવા માંગતો હતો. હાલમાં ઉધના પોલીસ સમીર પઠાણ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. એક યુવક ફિલ્મી સ્ટાઇલ મુન્નાભાઈ બનવા નીકળ્યો, પણ હકીકત એ છે કે અસલી જીવનમાં ક્રાઈમ કરનારની જેલમાં જ જગ્યા થાય.