કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા માનહાનિના કેસનો ઉકેલ આવ્યો છે. જાવેદ અખ્તરે વર્ષ 2020માં એક્ટ્રેસ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ પાંચ વર્ષથી ચાલી રહ્યો હતો. કંગના રનૌતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. કંગનાએ પોસ્ટમાં લખ્યું- આજે, જાવેદજી અને મેં માનહાનિનો કેસ ઉકેલી લીધો છે. જાવેદજી ખૂબ જ સારા વ્યક્તિ છે અને ડિરેક્ટર તરીકેની મારી આગામી ફિલ્મમાં ગીતો લખવા માટે પણ સંમતિ આપી છે. શું છે આખો મામલો?
આ આખો મામલો ફિલ્મ ‘ક્રિશ 3’ના શૂટિંગ દરમિયાન શરૂ થયો હતો. આ ફિલ્મ પછી હૃતિક રોશન અને કંગના રનૌત નજીક આવ્યા. જોકે તે સમયે બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે વાત કરી ન હતી. 2016માં એક ઇન્ટરવ્યૂમાં, કંગનાએ હૃતિક રોશનને તેના પૂર્વ પ્રેમી તરીકે ઓળખાવ્યો હતો. ત્યારબાદ મીડિયાને આ બાબતની જાણ થઈ. જાવેદ અખ્તરની આ મામલે એન્ટ્રી થઈ. કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હૃતિક સાથેના વિવાદ પછી જાવેદે તેને પોતાના ઘરે બોલાવી અને કહ્યું કે તમારે હૃતિકની માફી માંગવી જોઈએ. જો તમે માફી નહીં માગો, તમારી પાસે બચવાનો કોઈ રસ્તો નથી. કંગનાએ પિંકવિલાને આપેલા એક જૂના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જાવેદ અખ્તરે મને કહ્યું હતું કે રાકેશ રોશન અને તેમનો પરિવાર ખૂબ જ શક્તિશાળી છે. જો તમે તેમની પાસે માફી નહીં માગો તો તમારી પાસે બચવાનો કોઈ રસ્તો નથી. તેઓ તમને જેલમાં ધકેલી દેશે અને તમારી પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. આ કહેતી વખતે તે ખૂબ જોરથી બૂમો પાડી રહ્યા હતા અને હું ડરથી ધ્રૂજી રહી હતી. તે દરમિયાન કંગનાએ કરણ જોહર, જાવેદ અખ્તર અને મહેશ ભટ્ટ જેવી ઘણી મોટી હસ્તીઓને બોલિવૂડની સુસાઈડ ગેંગ ગણાવી હતી.. શું છે માનહાનિ કેસ?