ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં ન્યુરોસર્જન એસોસિએશનના વડપણ હેઠળ 28 ફેબ્રુઆરીથી 3 દિવસ સુધી ન્યુરોલોજીકલ સર્જન સોસાયટી ઓફ ઈન્ડિયાના ઉપક્રમે ત્રિ-દિવસીય ન્યુરોસર્જન કોન્ફોરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત ઉપરાંત રશિયા, કોરિયા, સિંગપોર, લંડન સહિત 20થી વધુ દેશોનાં ડોક્ટર્સ ઉપરાંત દેશભરમાંથી 300 જેટલા ન્યુરોસર્જન ભાગ લેવા આવી પહોંચ્યા છે. આજે પ્રથમ દિવસે ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિનિયર ડોક્ટર્સ દ્વારા જુનિયર ડોક્ટર્સને લેક્ચર તેમજ ડેડબોડી ઉપર લાઈવ ઓપરેશન અંગે શીખ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 6 કરોડની વસ્તી સામે માત્ર 120 જેટલા, જ્યારે દેશમાં 144 કરોડ વસ્તી સામે માત્ર 1100 જેટલા જ ન્યુરોસર્જન ફરજ બજાવી રહ્યા છે, જે ખુબ જ ઓછા કહી શકાય. આ આંકડો ચિંતાજનક પણ સાબિત થઇ રહ્યો છે. ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં કોન્ફરન્સઃ ડો. હેમાંગ વસાવડા
સૌરાષ્ટ્રના જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર હેમાંગ વસાવડાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત 13મી એન.એસ.એસ.આઈ. કોન્ફરન્સ રાજકોટ ખાતે યોજાઇ છે. રાજકોટ ન્યુરોસર્જન એસોસિયેશન દ્વારા આયોજિત 13મી અખિલ ભારતીય ન્યુરોલોજિકલ સર્જન સોસાયટીની કોન્ફરન્સ આજથી શરૂ કરી 3 દિવસ સુધી એટલે કે, આગામી 2 માર્ચ સુધી યોજાનાર છે. આ કોન્ફરન્સમાં દેશભરમાંથી 300 ન્યુરોસર્જન્સ, ન્યુરોનર્સિઝ તથા સહયોગી બ્રાન્ચના ડોકટરો ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત સ્પેન, લંડન ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર, જર્મની સહિતના દેશોમાંથી પણ ન્યુરોસર્જનો ચર્ચા વિમર્શમાં ભાગ લઈ રહ્યા છે. દર્દીને આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર મળે તે માટે કોન્ફરન્સ
તેમને વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ ફીલ્ડમાં રોજબરોજ નવા સંશોધનો થતા રહે છે. ઓપરેશનની નવી ટેક્નીક હોય, નવા ઉપકરણો હોય, દવાઓ હોય કે દર્દીની સારવારના નિયમો હોય. પ્રજાના લાભાર્થે આ બાબત દરેક ન્યુરોસર્જન સુધી પહોંચાડવી અનિવાર્ય હોય છે, જેથી દેશ અને દુનિયામાં એક સરખી ટેકનીકથી ઓપરેશન થાય કે સારવાર થાય. કોઈપણ શહેરમાં રહેલ દર્દીને આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર મળે આ માટે કોન્ફરન્સમાં આજે પહેલા દિવસે રાજકોટ એઇમ્સ ખાતે ન્યુરો સર્જરીના વિવિધ ઓપરેશનો જેવા કે, એન્ડોસ્કોપીથી બ્રેઈન ટયુમરની સર્જરી, સ્પાઈનની સર્જરી, વિવિધ માઈક્રોસ્પીક સર્જરી, ન્યુરોસર્જનોને ‘કેડેવર’ પર વિવિધ નિષ્ણાંતો દ્વારા શીખવવામાં આવી રહી છે. આ ટ્રેઈનિંગમાં લેક્ચર મારફત માર્ગદર્શન, આ બાદમાં અતિઆધુનિક મશીનરી ચલાવવાની ટ્રેઈનિંગ પણ આપવામાં આવી રહી છે. 20 દેશના નિષ્ણાંત સર્જન સારવાર પદ્ધતિની ચર્ચા કરશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં આયોજિત આ કોન્ફરન્સમાં ભારત ઉપરાંત જાપાન, જર્મની, સીંગાપોર સહિત 20 જેટલા દેશોના નિષ્ણાંતો પણ તેમના દેશની સારવાર પદ્ધતિની ચર્ચા કરશે. ન્યુરો સર્જરીના ફિલ્ડમાં (AI) આર્ટિફિશિઅલ ઈન્ટેલિજન્સના કારણે આવેલ બદલાવ બાબતની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. રોબોટીક સર્જરી બાબત પણ વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન નિષ્ણાંતો દ્વારા પુરૂ પાડવામાં આવશે. એટલું જ નહિ મુંબઈ આઈઆઈટી સાથે તેના સહયોગથી વધુ કોમ્પ્યુટરાઈઝડ ઉપકરણો બનાવવાની માહિતી આ કોન્ફરન્સમાં આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર અંગે માર્ગદર્શન અપાશે
યુવા ન્યુરો સર્જનને સંશોધન તરફ પ્રોત્સાહીત કરવાનો પ્રયાસ પણ આ કોન્ફરન્સમાં કરવામાં આવશે. આજના સેમિનાર બાદ આવતીકાલથી બે દિવસના કોન્ફોરન્સમાં ન્યુરોસર્જરીના નવીનત્તમ સંશોધનો અને નવી ટેકનીકનો સૌરાષ્ટ્રના દર્દીઓ સુધી લાભ પહોંચે એ બાબતનું માર્ગદર્શન પૂરું પાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં કોન્ફોરન્સનું આયોજન થતા રાજકોટ ન્યુરોસર્જરીમાં વિશ્વના નકશામાં સ્થાન પામ્યું છે. આ માધ્યમથી જુનિયર તબીબોને પણ આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર અંગે પણ માર્ગદર્શન મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત થઇ છે. ગુજરાતમાં લગભગ 120 ન્યુરોસર્જન કાર્યરત
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની વસ્તી 6 કરોડની છે અને દેશની વસ્તી 144 કરોડની છે. આ બધા વચ્ચે દેશમાં અકસ્માતોની સંખ્યા પણ વધુ જોવા મળી રહી છે, જેમાં બ્રેન ઇન્જરીના બનાવ પણ વધુ બનતા હોય છે. ત્યારે તેની સારવાર માટે ન્યુરોસર્જનની સંખ્યા ખુબ જ ઓછી હોવાનું સામે આવ્યું છે. આજે ગુજરાતમાં લગભગ 120 અને દેશમાં 1100 જેટલા ન્યુરોસર્જન કાર્યરત છે. આ આંકડો પણ ચિંતાજનક કહી શકાય. દેશમાં 1100 ન્યુરોસર્જનની હાજરી એ ચિંતાજનક પણ કહી શકાય.