ટિકેન્દ્ર રાવલ
2036ના ઓલિમ્પિક ગેમ્સ યોજવા માટે ભારતે તૈયારી શરૂ કરી છે ત્યારે અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થાય તે માટે સાણંદ તાલુકાના ગોધાવી ગામ નજીક ઓલિમ્પિક વિલેજ બનાવવાનો સરકારે નિર્ણય લીધો છે. આ માટે 500 એકર જમીનની જરૂર છે અને અત્યાર સુધી 300 એકર જમીનનું સંપાદન થઇ ગયું છે. પરંતુ બાકી રહેતી 200 એકર જમીન ગોધાવીના 190થી વધુ ખેડૂતોની છે અને તેનું સંપાદન થઇ રહ્યું નથી. આ માટે સરકારના બદલે મોટા માથા જમીન સંપાદન કરી રહ્યા છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જમીનનો બજાર ભાવ વાર દીઠ 60 હજાર છે અને અમારી પાસેથી વાર દીઠ 25 હજારમાં જમીન લેવી છે. અમારી 200 એકર જમીનની કિંમત બજાર ભાવ મુજબ 6000 કરોડ થાય છે પરંતુ તેની સામે માત્ર 2500 કરોડમાં જમીન ખરીદી ખેડૂતોને પાયમાલ કરવા માગે છે. ખેડૂતોએ કહ્યુ હતું કે, આ મામલે અમે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું અને જરૂર પડશે તો સામૂહિક આત્મવિલોપન કરવા પણ અમે તૈયાર છે. સરકારના વિભાગના બદલે બે ખાનગી ફાઉન્ડેશન અને એક મોટા બિલ્ડરના સહિતના લોકો ગોધાવી તથા આસપાસના સ્થાનિક ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરી રહ્યાં છે. TP ફાઇનલ થાય એ પહેલાં કોઈપણ વાંધા સૂચનો કરી શકે
ગોધાવી ગામની 457 ટી.પી. ઓથોરિટી દ્વારા કાચી દરખાસ્ત (ડ્રાફ્ટ) બની છે. જેને વાંધો હોય તેને ધ્યાનમાં રાખીને બોર્ડ સમક્ષ મૂકવામાં આવે છે. એટલે હજુ ફાઇનલ ટીપી બાકી છે. -રાજેશ રાવલ, ઔડા અધિકારી 26 ખેડૂતોની ગોધાવી ફાર્મર કમિટીની રચના કરાઈ
{ જમીન માટે લડત આપી રહેલા ગામના 200થી વધુ ખેડૂતોએ 26 ખેડૂતોની ગોધાવી ફાર્મર કમિટી બનાવી છે. આ મામલે ખેડૂત સમિતિના સભ્યોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી પટેલ, ઔડા, કલેક્ટર સહિતને રજુઆત કરાઈ છે. 300 એકર જમીન સંપાદિત થઇ
{ ગોધાવીમાં 500 એકરમાં ઓલિમ્પિક વિલેજ માટેની સરકારે તૈયારી તો કરી પણ જમીન સંપાદન કરવા સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ઔડા અને ખાનગી કંપનીઓ અને બિલ્ડરોએ 500માંથી 300 એકર જેટલી જમીન સંપાદન કરી દીધી છે. રજૂઆત છતાં કોઇ પરિણામ નહીઃ ખેડૂતો
{ ગોધાવીના ખેડૂત ધમભા અને નિરુભા વાઘેલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ખેડૂતોને ડરાવી-ધમકાવી જમીન પાણીના ભાવે લેવા માટે ધમપછાડા થઇ રહ્યા છે. ગોધાવી ગામના 150થી વધુ ખેડૂતો આક્રમકતાથી લડી રહ્યા છે. પરિણામ ના આવે તો સુપ્રીમકોર્ટ સુધી લડીશું. ગોધાવી સાથે ખરાબ વ્યવહાર… { નરૂભા વાઘેલાએ જણાવ્યું હતું કે, ગોધાવીને નામશેષ કરવા માટેનું કાવતરું ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. 15 વર્ષથી ગોધાવીના ખેડૂતોની જમીન કોઈને કોઈ બહાને 8થી 9 વખત સરકાર હસ્તગત કરી રહી છે. તેની સામે વળતર સમયસર અને પૂરતું અપાતું નથી. 2007માં રેલ્વે પ્રોજેકટ માટે ખેતીની 500 એકર જમીન બે વખત સરકારે લીધી હતી. નર્મદા કેનાલ માટે 50 એકર અને ઓએનજીસી, હાઇટેન્શન લાઇન માટે ઓછા વળતરે જમીન લઇ લેવામાં આવી હતી. ન્યૂ એજ ફાઉન્ડેશન,વિજયી ભારત ફાઉન્ડેશન અને ગતીલ પ્રોપર્ટી એ સૌથી વધુ જમીન ખરીદી લીધી
ઓલિમ્પિક વિલેજ ના નામે માત્ર 2 વર્ષ માં ગોધાવીની 200 એકર જેટલી જમીનના સોદા થઈ ગયા હતા જેમાં સૌથી વધુ જમીન ન્યૂ એજ ફાઉન્ડેશન, વિજયી ભારત ફાઉન્ડેશન અને ગતીલ પ્રોપર્ટીઝ એ ખરીદી છે
આ બે ફાઉન્ડેશન અને કંપનીની વિગતો…
1 વિજયી ભારત ફાઉન્ડેશનનું સરનામું મણિપુર સંસ્કારધામ ખાતેનું છે,જેમાં 4 ડીરેક્ટર છે,જલજ અશ્વિન દાની,દુર્ગેશ અગ્રવાલ, દીલીપ કુમાર પુરષોતમદાસ ઠાકર છે.
2 ન્યૂ એજ ફાઉન્ડેશનમાં ડિરેક્ટર તરીકે ગૌરી ત્રિવેદી,કેદાર ગોવિંદ તામ્બે,સંજય શર્મા,બ્રેડલી લોયડ ડેવ,કાન્યુકી યામાંમોટો છે
3 ગતીલ પ્રોપર્ટી પ્રા,લી.નું સરનામુ ગણેશ કોર્પોરેટ હાઉસ,હેબતપુર થલતેજ છે, જેમાં દીપકકુમાર ગોવિંદભાઇ પટેલ,તરંગ મધુકર દેસાઈ,અંજન પરેશકુમાર ત્રિવેદી,રાજેન્દ્ર કાંતિલાલ શાહ,શેખર ગોવિંદભાઇ પટેલ અને ગિરીશ નીલકંઠ કુલકર્ણી છે.