વડાપ્રધાન મોદી 7મીએ લિંબાયત નીલગીરી ખાતે કાર્યક્રમ યોજી સરકીટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. 8મીએ નવસારીમાં કાર્યક્રમ છે. વડાપ્રધાનના આ બે દિવસીય પ્રવાસને પગલે તંત્ર દોડતું થઈ ગયું છે. આ કાર્યક્રમ પાછળ કુલ 31 કરોડનો ખર્ચ કરાશે, જેમાં ફૂડ પેકેટ, નાસ્તા-પાણી પાછળ દોઢ કરોડનો ખર્ચ થશે. નીલગીરી ગ્રાઉન્ડ ખાતે કેન્દ્ર-રાજ્ય કક્ષાના પદાધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ, જનમેદની એકત્ર થનાર હોય કાર્યક્રમની પૂર્વ તૈયારી, દેખરેખ તથા સંકલનની કામગીરી પાલિકાએ હાથ ધરી હતી. આ માટે પાલિકાના સિટી ઇજનેરે તમામ ઝોન-વિભાગના અધિકારીઓને કચેરી હુકમ જારી કર્યા છે, જેમાં ઊડીને આંખે વળગે તેવા આદેશમાં લિંબાયતના કાર્યક્રમને પગલે તમામ આસિ. કમિશનરો તેમના ઝોનના રૂટમાં આવતા તમામ ઘરવિહોણા પરિવારોને શિફટ કરવાની જવાબદારી સોંપાઈ છે. પાલિકાના તમામ ઝોનના કાર્યપાલક ઇજનેરોને પોતાના રૂટના સર્વિસ રોડ, મેઈન કેરેજ-વેના ફૂટપાથ-ડિવાઈડર, રોડ સેપરેટર, BRTSની ગ્રીલ સહિતની મરામત તથા કલર કામ કરવા સહિતની કામગીરી સોંપવામાં આવી છે, જ્યારે કેબલ સ્ટેડ બ્રિજની લાઈટિંગ કાર્યરત રહે તેનું ખાસ ધ્યાન રાખવા પણ સૂચના આપવામાં આવી છે. બ્રિજ પર લાઇટ-પેચ વર્ક, રિપેરિંગ તેમજ રિસરફેસિંગને પ્રાથમિકતા { બ્રિજ સેલના કાર્યપાલક ઇજનેરે વડાપ્રધાનના આગમનથી એરપોર્ટથી રવાના થાય ત્યાં સુધીના રૂટ પર આવતાં તમામ બ્રિજ પર પેચ વર્ક, પોટ હોલ રિપેરિંગ તેમજ રિસરફેસિંગની કામગીરી ઉપરાંત ગાર્ડન વિભાગ સાથે સંકલનમાં સુશોભનની કામગીરી કરવાની રહેશે. કેબલ બ્રિજ પર લગાડવામાં આવેલી લાઈટો કાર્યરત રહે તે પણ સુનિશ્ચિત કરવાનું રહેશે. વરાછા, ઉધના, કનકપૂર, રાંદેર, કતારગામ ઝોનને કામગીરી સોંપાઈ વડાપ્રધાનના રૂટ પર આવતા સર્વિસ રોડ, મેઈન કેરેજ-વે વગેરે પર કરવા પેચ વર્ક, પોટ હોલ રિપેરિંગ તેમજ જરૂર જણાય ત્યાં રિસરફેસિંગ તેમજ રોડ પરની યુટિલિટીઓની ચેમ્બર્સ રોડ લેવલે કરવા સહિતની કામગીરી, ફૂટપાથનાં કબિંગને સેટ-રિસેટ, રોડ ડિવાઈડર, રોડ સેપરેટર તથા BRTS ગ્રીલ સહિતની મરામત તથા કલર કામ, જરૂરી સાઈનેજીસ, બ્લિંકર્સ, કેટ આઈ, ટ્રાફિક પેરામીટર્સને સંલગ્ન કામગીરી, જરૂરી પ્લાન્ટેશન, મોટાં વૃક્ષોનાં ટ્રિમિંગ, ડિવાઈડરની સાફ સફાઈ, નવા ફૂલ-છોડ રોપવા, તમામ ટ્રાફિક આઈલેન્ડ, મિલકતો તેમજ ખાનગી મિલકતોની દીવાલો-કંમ્પાઉન્ડ વોલ ઉપર ડેકોરેટિવ પેઈન્ટિંગ કરવા, રૂટ ઉપરનાં સી એન્ડ ડી વેસ્ટ, ડેબ્રિસ ઉંચકવા, સ્ટ્રીટ લાઈટ પોલ પર લાગેલ ગેરકાયદે બેનરો, સ્ટિકર, હોર્ડિંગ્સ વગેરે દૂર કરવા, સ્ટ્રીટ લાઈટ મરામત કરવા, લટકતા વાયરો દૂર કરવા, તમામ પ્રકારની સાફ સફાઈ, સ્ક્રેપિંગ, બ્રશિંગ, પાવડર છંટકાવ, આરોગ્યલક્ષી કામગીરી. તમામ આસિ. કમિશ્નરોને તેમના ઝોનના ફાળવવામાં આવેલા રૂટમાં આવતા તમામ ઘર વિહોણા પરિવારોને શિફ્ટિંગ કરવા, બાંધકામ સાઇટોને ગ્રીન નેટ લગાડાવવી જેવા કામો તાકીદે પૂર્ણ કરવા માટે આદેશ અપાયા છે.