ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોકમાં શિવરાત્રીની રાતે એક મુસ્લિમ શખ્સે નશાની હાલતમાં બબાલ મચાવી દીધી હતી અને ત્યાંથી પસાર થઇ રહેલી રીક્ષામાં મુસાફરો સાથે ગાળાગાળી અને મારામારી કરી હતી અને હું ઉપલેટાનો ડોન છું તેવી લવારી શરૂ કરી હતી, એટલું જ નહીં , ફોન કરીને અન્ય સાથીઓને પણ બોલાવી લીધા હતા. ઘટનાના વીડિયો વહેતાં થતાં હિન્દુ સંસ્થાઓએ આરોપીને સામે કાર્યવાહી કરવામાં આવે તેની માગણી કરતાં મામલો વધુ ગરમાયો હતો અને વિહિપ, બજરંગદળ સહિતની સંસ્થાઓના આગેવાનો અને હજારો લોકો બાવલા ચોકમાં એકઠાં થઇ ગયા હતા અને આજે શહેર બંધ રહેશે તેવી ચીમકી આપી હતી. જો કે અડધો દિવસ શહેર બંધ રહ્યા બાદ બપોર બાદ ખુલ્યું હતું અને પોલીસે આરોપી અબુ ઉર્ફે ડાડુ અજીત જામની લાતી પ્લોટમાંથી ધરપકડ કરી જીપીએક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે. વાત અહીંથી વણસી | બાવલા ચોકમાંથી શિવરાત્રીની રાતે છકડો રીક્ષામાં બેસી એક પરિવાર નીકળ્યો ત્યારે રોંગસાઇડમાંથી ધસી આવેલો બાઇક સવાર રીક્ષા સાથે અથડાયો હતો અને બેફામ ગાળાગાળી કરી હતી અને ત્યારે પણ લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા. પોલીસે રજૂ કર્યો એ આરોપી બીજો !? | જે વીડિયો વહેતા થયા તેમાં એક લાંબા વાળ વાળો યુવક હોવાનું દેખાતું હતું અને પોલીસે જે આરોપીની ધરપકડ કરી તે અન્ય કોઇ હોવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે. જે અસલી આરોપી છે તેની સામે કાર્યવાહી નથી થઇ, કે ફરિયાદ પણ ન નોંધાઇ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. બાવલા ચોકમાં થયેલી મારામારીના આરોપીને અમે ઝડપી લીધો છે અને તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. હવે શહેરમાં સંપૂર્ણ શાંતિ અને સ્થિતિ કાબુમાં છે. > સિમરન ભારદ્વાજ, એએસપી, ધોરાજી શહેરની શાંતિ ડહોળાય તેવું વાતાવરણ બનતાં આસપાસના ગામની પોલીસ દોડી આવી, અને બીજા દિવસે એક આરોપીની ધરપકડ કરાઇ.