વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સાંજે જામનગર આવી પહોંચશે. તેઓ જામનગરમાં રાત્રિરોકાણ કરશે. એ બાદ રવિવારે સવારે 7 વાગ્યે રિલાયન્સ રિફાઈનરી સ્થિત અનંત અંબાણીના પ્રાણીસંગ્રહાલય અને રેસ્ક્યૂ સેન્ટર ‘વનતારા’ની મુલાકાત લેશે. વનતારામાં લગભગ 4 કલાક રોકાણ કરશે. એ બાદ સાસણ ગીર ખાતે નેશનલ વાઈલ્ડલાઈફ કોન્ફરન્સનું આયોજન થયું છે, જેમાં ભાગ લેશે તેમજ સાસણમાં જ રાત્રિરોકાણ કરશે. સોમવારે સોમનાથ મહાદેવનાં દર્શન કરશે. રાષ્ટ્રપતિએ સફેદ રણમાં સૂર્યાસ્તનો નજારો નિહાળ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કચ્છની બે દિવસીય મુલાકાતે આવી પહોંચ્યાં હતા. તેઓ 28 ફેબ્રુઆરીએ શુક્રવારે બપોરે 1:05 વાગ્યે ભુજ એરપોર્ટ પર આવી પહોંચ્યાં હતાં. એરપોર્ટથી સીધાં સર્કિટ હાઉસ પહોંચ્યાં હતાં. જે બાદ રાષ્ટ્રપતિએ સ્મૃતિવનની મુલાકાત લીધી હતી. જ્યાથી તેઓ વિશ્વપ્રસિદ્ધ સફેદ રણની મુલાકાત માટે ધોરડો આવી પહોંચ્યા છે. ધોરડો ખાતે કચ્છી હસ્તકળાના કસબીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમજ રોગાન આર્ટ, મડ વર્ક, ભરતકામ અને વણાટ કામને પ્રત્યક્ષ નિહાળી પ્રભાવિત થયાં હતા. માર્ચમાં તાપમાન 42 ડિગ્રીએ પહોંચશે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. દર વર્ષની સરખામણીએ વર્ષ 2025ના ઉનાળામાં ગરમી ભૂક્કા બોલાવે તો નવાઈ નહીં કારણ કે, આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેશે એટલે કે આકરી ગરમીનો અનુભવ થશે. ગૃહ રાજ્યમંત્રીએ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી 26 ફેબ્રુઆરીના રોજ સવારના 7 વાગ્યે લાગેલી આગ 27 ફેબ્રુઆરીના બપોરના 3 વાગ્યે માંડ કાબૂમાં આવી હતી. આમ, 32 કલાકમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 822 દુકાનમાંથી 700 જેટલી દુકાનો તો ખાક થઈ ગઈ હતી, જેને કારણે 850 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ત્યારે આજે સવારે મોટાભાગના વેપારીઓ માર્કેટ પર પહોંચ્યા હતા અને પોતાની દુકાનોમાં કેટલું નુકસાન થયું છે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આગમાં ભસ્મીભૂત થયેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી હતી. આ સાથે મેયર, પોલીસ કમિશનર તેમજ ધારાસભ્યો પણ શિવશક્તિ માર્કેટ પહોંચ્યા હતા. માર્કેટની પરિસ્થિતિનો અધિકારીઓ સાથે વાતચીત કરીને ચિતાર મેળવ્યો હતો. હર્ષ સંઘવીએ માર્કેટની પરિસ્થિતિ જોયા પછી વેપારીઓ સાથે વાત કરી અધિકારીઓને તાત્કાલિક સર્વે કરવા સૂચના આપી. 1 કરોડનું સોનું અને UKના 8 હજાર પાઉન્ડ ચોરાયાં કેન્દ્રશાસિત પ્રદેશમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં મોટી દમણના ટંડેલ પરિવારના ઘરમાં ત્રાટકેલા ચોરોએ આશરે ₹1 કરોડનું સોનું અને 8,000 યુ.કે. પાઉન્ડની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ઈંગ્લેન્ડ રહેતો પરિવાર વતન મોટી દમણમાં આવ્યો હતો અને તેના ઘરે ચોરી થઈ હતી. ચોરોએ માત્ર ઘરમાં જ નહીં, પરંતુ ઘરની સામે આવેલા એક મંદિરમાં મૂકેલી દાનપેટી તોડી રોકડ રકમની પણ ચોરી કરી છે. આ ઘટનાએ દમણમાં ભયનો માહોલ સર્જી દીધો છે. લીંબડીના રણોલમાં ભીષણ આગ લાગી, 3 લોકો જીવતા ભૂંજાયા લીંબડી તાલુકાના રણોલ ગામે મસ્જિદ પાસે રહેણાંક વિસ્તારમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ચપેટમાં બેથી ત્રણ મકાનો આવી ગયા હતા. તેમજ એક વાહનમાં પણ આગ લાગતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. મકાનમાં હાજર એક મહિલા અને બે પુરુષોના મોત નીપજ્યા છે, જયારે અન્ય એક વ્યક્તિ દાઝી ગયો હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે. જ્વલનશીલ પદાર્થથી આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે, આગ લાગવાનું સાચુ કારણ તો તપાસ બાદ બહાર આવશે. કેશોદમાં કુસ્તી ટ્રેનરે સુસાઈડ નોટ લખી ફાંસો ખાંધો કેશોદના બાલાગામમાં કુસ્તી ટ્રેનરે સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાંધો છે. ‘હું દુનિયાથી કંટાળી ગયો છું મારે શાંતિ જોઈએ છે’ તેમ લખીને યુવકે આત્મહત્યા કરી લીધી છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાનો નોટમાં ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.