અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન રાજ્યનું સૌથી મોટું અને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી ખૂબ જ ઝડપી ચાલી રહી છે. કાલુપુર રેલવે સ્ટેશન દેશનું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે જેને લઈને માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન શહેરની ઓળખ ધરાવતા એવા હેરિટેજ લુક સાથેનું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે. શહેરીજનો અને અન્ય લોકોના સૂચનો આવ્યા હતા જેમાં અમદાવાદ હેરિટેજ શહેરની ઓળખ ધરાવે છે જેથી આ રેલવે સ્ટેશનના લૂકને હેરિટેજ બનાવવા માટે ડિઝાઇન બદલવામાં આવી છે. 20થી 25 દિવસમાં જ દરેક માળ બનીને તૈયાર થઈ જશે
કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ અંગેની માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, કાલુપુર રેલવે સ્ટેશનનું કામ ખૂબ જ ઝડપી ચાલી રહ્યું છે. આ રેલવે સ્ટેશન ચાર વર્ષમાં બનીને તૈયાર કરવાનો સમય છે, પરંતુ સાડા ત્રણ વર્ષમાં જ આ રેલવે સ્ટેશન બની જાય તેવી ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન બનાવવા માટે હાલમાં કામગીરી ચાલે છે જેમાં કવોલેટીમાં કોઈ સમાધાન નહીં થાય જેથી ઝડપી કામગીરી કરવાની સાથે ક્વોલિટીમાં પણ ધ્યાન રાખવામાં આવશે. વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવા મોર્ડન અને સ્ટ્રકચરલ ડિઝાઇનની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનમાં બેઝમેન્ટની કામગીરી ચાલી રહી છે જેમાં એક બાદ એક માળ બની રહ્યા છે. ત્યારે એક મહિનામાં એક માળ બનીને તૈયાર થઈ જાય છે, પરંતુ જેમ જેમ કામ ચાલશે આગળ તેમ તેમ માત્ર 20થી 25 દિવસમાં જ દરેક માળ બનીને તૈયાર થઈ જશે. એલિવેટેડ રોડના કારણે બે ગણા સારા રોડ લોકોને મળશે
રેલવે સ્ટેશન શહેરની ઓળખ સમાન બનવાનું છે ત્યારે રોડ રસ્તા પણ એલીવેટેડ કોરિડોરના જેવા બનાવવામાં આવનાર છે. જ્યારે કાલુપુર રેલવે સ્ટેશન બનીને તૈયાર થઈ જશે ત્યારે તેના એલિવેટેડ રોડના કારણે બે ગણા સારા રોડ લોકોને મળી જશે. કાલુપુર રેલવે સ્ટેશનમાં આવવા જવા માટેનું ટ્રાન્સપોર્ટેશન ખૂબ સરળ થઈ જશે. કાલુપુર રેલવે સ્ટેશનમાં જ બુલેટ ટ્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે લોકોને અવર-જવરમાં ખૂબ જ સરળતા રહેશે. ટ્રેનની સાથે મેટ્રો ટ્રેન અને અન્ય ટ્રાન્સપોર્ટ સેવા પણ આ રેલવે સ્ટેશનમાં મળી રહેશે જેના કારણે મુસાફરોને શહેરમાં કોઈપણ સ્થળે ટ્રાન્સપોર્ટેશન મારફતે જવું હશે તો સરળતાથી પહોંચી શકશે. રેલવે સ્ટેશનને હેરિટેજ લુક ધરાવતી ડિઝાઇન તૈયાર કરાઈ
કાલુપુર રેલવે સ્ટેશનના ડિઝાઇન અને દેખાવને લઈને માહિતી આપતા જણાવ્યું હતું , અમદાવાદ શહેર હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. ત્યારે શહેરીજનોના પણ અનેક સૂચનો આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું હતું , જે રેલવે સ્ટેશન બનાવવામાં આવે તે ત્યાંની ઓળખ ધરાવતું હોય તેવું સ્ટેશન બનાવવામાં આવે જેથી અમદાવાદના રેલવે સ્ટેશનમાં ગુજરાતની સંસ્કૃતિની ઓળખ દેખાય તેવા પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ રીવ્યુ કરવામાં આવ્યો હતો. ઊંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ રેલવે સ્ટેશનની આર્કિટેક ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનના ગેટને તોરણ પ્રકારનું અને હેરિટેજ લુક ધરાવતું હોય તેવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. 10 નંબરથી લઈને 1 નંબર તરફ કામગીરી થશે
રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ માટેના સમયને લઈને તેઓએ જણાવ્યું હતું કે, અનેક પ્રોજેક્ટોમાં સાતથી આઠ વર્ષ થતા હોય છે, પરંતુ કાલુપુર રેલવે સ્ટેશનને ચાર જ વર્ષમાં બનાવીને તૈયાર કરવામાં આવનાર છે. ખૂબ જ ઝડપી કામગીરી રેલવે સ્ટેશનની ચાલી રહી છે. ચાર વર્ષ પહેલા પણ આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવા પ્રયાસ છે, પરંતુ ઝડપી કામગીરી કરવામાં ક્યાંય ક્વોલિટીમાં સમાધાન કરવા માંગતા નથી જેથી બને તેટલી ઝડપી અમે આ કામગીરી પૂર્ણ કરવા માંગીએ છીએ. ઓછામાં ઓછી ટ્રેનને રદ કરવી પડે તેવા પ્રકારે આયોજન કરી અને હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે. કાલુપુર રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મની ડિઝાઇનમાં પણ થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મને પહેલા 1 નંબર પ્લેટફોર્મથી લઈ અને 10 નંબર સુધી કામગીરી કરવાની હતી, પરંતુ હવે 10 નંબરથી લઈને 1 નંબર તરફ કામગીરી થશે. રેલવે પ્લેટફોર્મ ઉપર આરામથી લોકો બેસી શકે બાળકો રમી શકે તેવો વેઇટિંગ એરીયા અને છત બનાવવામાં આવશે. બુલેટ ટ્રેનની કામગીરી બુલેટ ગતિએ
બુલેટ ટ્રેનની કામગીરીને લઈને પણ તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનની 360 કિલોમીટરની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ઠાકરે દ્વારા પરવાનગી આપવામાં આવી નહોતી. જેના કારણે થઈને દોઢ વર્ષ સુધી કામગીરી થઈ શકી નહોતી. જે દોઢ વર્ષનો સમય બગડ્યો હતો જેથી હવે ઝડપથી કામગીરી હાલ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનની કામગીરી ખૂબ સારી ચાલી રહી છે. સમુદ્રની નીચે જે રેલવે ટનલ પર કામગીરી કરવાની છે તેની બે કિલોમીટરની કામગીરી લગભગ પૂરી થઈ ગઈ છે. ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી લગભગ 97 ટકા પૂર્ણ થઈ ગઈ
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં રેલવે વિભાગને આપવામાં આવેલા બજેટને લઈને તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે 500 કરોડથી લઈ 700 કરોડ સુધીનું બજેટ ગુજરાતને ફાળવવામાં આવતું હતું, પરંતુ ચાલુ વર્ષે 17000 કરોડથી વધુનું બજેટ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું છે. ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી લગભગ 97 ટકા પૂર્ણ થઈ ગઈ છે. આગામી એક મહિનામાં 100 ટકા કામગીરી પૂર્ણ થઇ જશે. નવા રેલવે સ્ટેશન, બુલેટ ટ્રેન, નવી ટ્રેનોથી લઈને વગેરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતનું કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. એન્જિન બનાવવાની ફેક્ટરીનું PM ઉદ્ઘાટન કરશે
ગુજરાતના દાહોદમાં રેલવેના એન્જિન બનાવવા માટેની ફેક્ટરીનો બે વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી એક મહિનામાં આ ફેક્ટરી બનીને તૈયાર થઈ જશે. ખૂબ જ અત્યાધુનિક રેલવેનું એન્જિન બનાવવામાં આવ્યું છે. કોમ્પ્યુટરમાં ડેટા કલેક્શન સેન્ટર હોય તેવું એન્જિન બનાવવામાં આવ્યું છે. ફેક્ટરી બનીને લગભગ તૈયાર થઈ ગઈ છે આગામી એક મહિનામાં વડાપ્રધાનનો સમય લઇ અને આ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે. હાઈ સ્પીડ ટ્રેન ચાલે છે ત્યાં 100 મીટરનો એક બ્રિજ પણ બનાવવામાં આવે છે જેમાં એક માત્ર સિંગલ સ્પાન જ રાખવામાં આવ્યા છે. જે બ્રિજ પણ બનીને તૈયાર થઈ ગયો છે.