રાજકોટની સિટિબસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં બીઆરટીએસ રૂટ પર ચાલુબસે ડ્રાઇવરે માવો ચોળી અનેક મુસાફરોનાં જીવ જોખમમાં મુક્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. સિટિબસો દ્વારા અવારનવાર અકસ્માત સર્જાતા હોવાની ઘટના બાદ ડ્રાઇવરની અતિ ગંભીર બેદરકારીનો આ વીડિયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. જોકે વિડીયો વાયરલ થયા બાદ ડ્રાઇવરને તાત્કાલિક સસ્પેન્ડ કરાયો હોવાનું મનપાનાં સત્તાધીશોએ જણાવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં સીટીબસના ડ્રાઇવરોએ હદ વટાવી હોય તેમ મુસાફરો ભરેલી ચાલુ સીટી બસમાં માવો ઘસતા હોવાનો એક વિડીયો ભારે વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સીટીબસનો ડ્રાઈવર જ્યારે બસ ઉભી હોય ત્યારે માવો કાઢે છે. અને બાદમાં બસને રસ્તા પર હંકારે છે પરંતુ તેમ છતા માવો ઘસવાનું ચાલુ જ રાખે છે. એટલુ જ નહીં પરંતુ ચાલુ બસ કે જેમાં નિર્દોષ મુસાફરો બેઠા છે તેમાં ડ્રાઇવર માવો ઘસવાનું સ્ટેન્ડ સ્ટિયરીંગ પર રાખી ફાકી ચોળતો નજરે પડી રહ્યો છે. સમગ્ર મામલે રાજકોટ મનપામાં સિટિબસનો હવાલો સંભાળતાં સિટી એન્જીનીયર પરેશ અઢીયાએ જણાવ્યું હતું કે, આજે જ આ વીડિયો મારા ધ્યાનમાં આવ્યો છે. આ ખરેખર ખૂબ ગંભીર બાબત છે. કોઈપણ કર્મચારી મુસાફરોના જીવ જોખમમાં મૂકીને આવા કૃત્યો કરે તે ચલાવી શકાય નહીં. આ ડ્રાઇવર E25 નંબરની BRTS બસ લઈને માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જઈ રહ્યો હતો ત્યારે અયોધ્યા ચોક નજીક તેણે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને મોરી ઈન્દ્રજીતસિંહ અજીતસિંહ નામના આ ડ્રાઇવરને નવો આદેશ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેમજ અન્ય ડ્રાઈવરોને પણ આવી કોઈ હરકત નહીં કરવાની તાકીદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બજરંગવાડી નજીક સિટિબસનાં ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હોવાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં પુરપાટ ઝડપે જતી સિટિબસે ટુ વહીલર ચાલક મહિલાને હડફેટે લેતા તેણીને ગંભીર ઇજા થઇ હતી. ત્યારે હવે બીઆરટીએસ રૂટમાં સિટિબસ ચલાવતા ડ્રાઇવરે અનેક મુસાફરોના જીવ જોખમમાં મૂકી માવો ઘસ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. ત્યારે ડ્રાઈવરોની આવી બેદરકારીથી બસની અંદર મુસાફરી કરતા લોકો ઉપરાંત અન્ય વાહન ચાલકો પણ સુરક્ષિત નથી તેવું લાગી રહ્યું છે. અને ડ્રાઈવરોની ભરતી મામલે કોઇ ચોક્કસ પોલીસી અને કડક નિયમો નક્કી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.