ગુજરાતમાં બનતી ગુનાઓની ઘટનાઓ પર અંકુશ લગાવવા હવે પોલીસ પણ હાઇટેક બની છે. દાહોદ પોલીસે અગાઉ અનેક વખત ડ્રોનની મદદથી આરોપીઓને ઝડપ્યા છે. તો આજે વધુ બે હિસ્ટ્રીશીટર આરોપીઓને પોલીસે ડ્રોનથી મદદથી ઝડપી પાડ્યા છે. જે આરોપીઓ છત્તીસગઢના મુંગેલીથી ડમ્પર ચોરીને ફરાર થયા હતા. 26 ફેબ્રુઆરીએ છત્તીસગઢથી ભાગ્યા હતા
ઘટનાની વિગતે વાત કરીએ તો ગત 26 ફેબ્રુઆરીના રોજ છત્તીસગઢના મુંગેલીના બરેલા ગામની ગજેન્દ્ર ટાયરની દુકાન સામે ડ્રાઈવર દીપક નિષાદે ડમ્પર પાર્ક કર્યું હતું અને દુકાનમાં ચાવી મૂકીને તે ઘરે ગયા હતા. જે બાદ અજાણ્યા શખ્સો આ 45 લાખની કિંમતનું ડમ્પર ચોરીને ફરાર થઇ જતાં દીપક નિષાદે ફરિયાદ નોંધાવી હતી. દાહોદ પોલીસે શંકાસ્પદ સ્કોર્પિયો પીછો કર્યો
આ તરફ આ દાહોદ એલ.સી.બી પોલીસને માહિતી મળી હતી કે આ આરોપીઓ દાહોદ તરફ આવી રહ્યા છે. જેથી પોલીસ વોચમાં હતી. આ દરમિયાન પોલીસને અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કતવારા ગામ નજીક નંબર વગરની શંકાસ્પદ સ્કોર્પિયો દેખાઈ હતી, જેથી પોલીસે પીછો કર્યો હતો. આ દરમિયાન જાલત ગામ નજીક ચાલક સ્કોર્પિયો કાર મૂકીને મકાઈના ખેતરમાં સંતાઈ ગયો અને ચોરીના ડમ્પરના ચાલકો પણ વાહન મૂકીને ભાગી છૂટ્યા હતા. મકાઇનાં ખેતરમાંથી પોલીસે બંનેને ઝડપી લીધા
આરોપીઓ મકાઈનાં ખેતરમાં સંતાઈ જતાં પોલીસે ડ્રોન કેમેરાથી ખેતરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને મકાઈનાં ખેતરમાંથી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા અને 45 લાખનું ડમ્પર અને સ્કોર્પિયો કબજે કર્યાં છે. પકડાયેલા આરોપીઓમાં એક હરિયાણા અને બીજો મથુરાનો રહેવાસી છે. બંને પોલીસ રેકોર્ડમાં હિસ્ટ્રીશીટર છે. અન્ય બે આરોપીઓ હજી ફરાર છે. દાહોદ પોલીસને આ કામગીરી કરવા બદલ રાજ્યના પોલીસ વડાએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે. એકાદ મહિના અગાઉ પણ દાહોદ પોલીસે ડ્રોન કેમરાની મદદથી ગાજાના છોડ અને ગુજરાત-રાજસ્થાનનાં મંદિરોમાં ચોરી કરનારી ગેંગને ઝડપી હતી. ચોર-પોલીસની દોડ ડ્રોન કેમેરામાં કેદ એકાદ મહિના અગાઉ દાહોદ એલસીબીએ ગુજરાતનાં મંદિર તેમજ રાજસ્થાનનાં જૈન મંદિરોમાં થતી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી રાજેશ ઉર્ફે રાજી લાલા ભાભોરને ડ્રોનની મદદથી એક કિલોમીટર જેટલો દોડાવી દોડાવીને ઝડપી પાડ્યા હતા. પોલીસને બાતમી મળતાં પોલીસે આરોપીઓના રહેણાક વિસ્તારમાં અલગ અલગ ટીમો ગોઠવી દીધી હતી અને આરોપીને ઝડપી પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પોલીસ આવી હોવાની જાણ થતાં આરોપી તેના ઘર નજીકથી પસાર થતાં ખેતરોમાં ભાગ્યો હતો. પોલીસે ડ્રોન મારફત ખેતરોમાં તપાસ હાથ ધરી હતી. એ દરમિયાન ઉપરોક્ત આરોપીનો ખેતરોમાં એક કિમી જેટલો પીછો કરી તેને પકડી પાડ્યો હતો. એ બાદ તેને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો… પ્રેમ પટેલે ગાંજો વાવ્યો ને પૌત્ર પડીકામાં વેચતો બીજા બનાવમાં પણ એકાદ મહિના અગાઉ દાહોદ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ડ્રોન કેમેરાની મદદથી નાડાતોડ ગામમાંથી 79 લાખથી વધુની કિંમતનો ગાંજો પકડી પાડ્યો હતો. બાતમીના આધારે દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામ નજીક માદક પદાર્થની તીવ્ર દુર્ગંધની તપાસ કરવામાં આવી હતી, જેમાં આરોપી દાદા પ્રેમ પટેલે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. જ્યારે પૌત્ર શૈલેષ સૂકા ગાંજાનું પેકિંગ કરીને વેચાણ કરતો હતો. બંનેની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…