લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. આજે કડુ ગામ નજીક બે અલગ-અલગ અકસ્માત સર્જાયા છે. પ્રથમ અકસ્માતમાં ઓળક ગામના એક વ્યક્તિની કાર અનિયંત્રિત થઈને રોડની બાજુની ઊંડા ખાડામાં પડી ગઈ હતી. આ વ્યક્તિ લખતરથી મીઠાઈ ખરીદવા જઈ રહ્યા હતા. કાર ચાલકને નસીબજોગે માત્ર સામાન્ય ઈજાઓ થઈ છે. બીજો અકસ્માત કડુ નજીક આવેલા પેટ્રોલપંપ પાસે થયો. લખતરથી વિરમગામ તરફ જતા એક બાઈક ચાલકે વળાંકમાં કાબૂ ગુમાવ્યો હતો. બાઈક ડિવાઈડર સાથે અથડાતા ચાલક નીચે પટકાયો અને તેને ગંભીર ઈજાઓ થઈ હતી. રાહદારીઓએ 107 પર જાણ કરતા લખતરની 108 એમ્બ્યુલન્સ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે લખતર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અગાઉ પણ અનેક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે અને કેટલાક મૃત્યુ પણ પામ્યા છે.