સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘર પર જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. મૃતકે લખી હોવાની મનાતી એક સુસાઈડ નોટ પોલીસે કબજે કરી છે. જેમાં લખ્યું છે કે, ‘જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ હવે ગમતું નથી. મારા મોત માટે કોઈ જવાબદાર નથી.’ સુરત પોલીસે મૃતકને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. સાથે આત્મહત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે. સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા હતા
ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેનારા મહિલા પોલીસકર્મીનું નામ શેતલ ચૌધરી છે. જેઓ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા હતા. અઠવાલાઈન્સ સ્થિત બસેરા હાઉસમાં પોતાના નિવાસસ્થાને એકલા હતા ત્યારે જ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાનું સામે આવ્યું છે. સુસાઈડ નોટ મળી આવી
મૃતક શેતલ ચૌધરીના ઘર પરથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી છે જેમાં લખ્યું છે કે, ‘જીવન જીવવાના ઘણા પ્રયાસો કર્યા પણ હવે ગમતું નથી. મારા મોત માટે કોઈ જવાબદાર નથી’ પોલીસે હાલ સુસાઈડ નોટ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. આઠ વર્ષથી પોલીસમાં ફરજ બજાવતા હતા
મૃતક શેતલ ચૌધરી છેલ્લા આઠ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. હાલ તેઓ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા હતા. તેમના બહેન કાજલ ચૌધરીએ કહ્યું હતું કે, હું લાઈબ્રેરીમાં વાંચવા માટે ગઈ હતી. રાત્રે ઘરે પરત ફરી તો મને આ સમાચાર મળ્યા. શેતલ પોતાના કામ પ્રત્યે ખૂબ ગંભીર હતી. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાને લઈને શેતલના પરિવારજનો અનેક પ્રશ્નો વચ્ચે અટવાઈ ગયા છે. શેતલ ની બહેન કાજલે જણાવ્યું કે શેતલ કોઇક સાથે વારંવાર ફોન પર વાત કરતી હતી, પણ કોની સાથે અને શું વાતચીત થતી હતી એ જાણી શકાયું નથી, કારણ કે તેનો ફોન પાસવર્ડ પ્રોટેક્ટેડ છે. પરિવાર અને પોલીસ બંને હવે આ પાસેથી કોઈ સંકેત મળી શકે છે કે નહીં એ શોધી રહ્યા છે. મૃતકને ગાર્ડ ઓનર આપવામાં આવ્યું
શેતલના આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ વિભાગ દ્વારા શેતલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પરિવારજનો અને સહકર્મીઓ આંખોમાં આંસુ સાથે અંતિમ વિદાય માટે હાજર રહ્યા હતા. હાલમાં, શેતલના મૃતદેહને પરિવારજનો બનાસકાંઠા લઈ ગયા છે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પોલીસ શેતલના મોબાઇલની તપાસ માટે એફએસએલમાં મોકલશે. શેતલે સુસાઇડ નોટ પોતાની એક ડાયરીની અંદર મૂકી હતી, જે તપાસ દરમિયાન પોલીસને મળી હતી.