પાટણ શહેર અને જિલ્લામાં મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીના કારણે વાયરલ ઈન્ફેક્શનનો ફેલાવો વધ્યો છે. સરકારી હોસ્પિટલમાં દરરોજ 500થી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. હવામાન વિભાગે તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. બપોર સુધી સૂર્યનો તાપ વધુ રહે છે. સાંજ પડતા જ ઠંડી શરૂ થઈ જાય છે. આ કારણે શહેરમાં શરદી-ખાંસી અને તાવના કેસો વધ્યા છે. પાટણની જનરલ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં કુલ 16,181 દર્દીઓએ સારવાર લીધી છે. આમાં 11,728 નવા દર્દીઓ અને 4,453 જૂના દર્દીઓનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં શરદી-ખાંસી, તાવ અને ઝાડા-ઉલટીના 1,206 કેસો નોંધાયા છે. મિશ્ર ઋતુની અસરને કારણે સિવિલ હોસ્પિટલના ઈનડોર વિભાગમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. ડૉક્ટરોના મતે આ સમયે લોકોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.