છોટા ઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસે સરહદી વિસ્તારમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે ઢોરકુવા પાસેથી ચોરીની મોટરસાયકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઝોઝ પોલીસ સ્ટેશનના PI અરુણ પરમાર અને તેમની ટીમ મિઠીબોર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ઢોરકૂવાથી રીંછવેલ જવાના રસ્તા પર એક બાઈક પર કંતાનના કોથળામાં વિદેશી દારૂ લઈ જવાતો જોવા મળ્યો. પોલીસે વાહન રોકીને તપાસ કરતા બાઈક ચોરીની હોવાનું બહાર આવ્યું. આરોપીની ઓળખ પ્રકાશભાઈ મોગરિયાભાઈ તોમર તરીકે થઈ છે. તે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના કોઠાર મહુડા ગામનો રહેવાસી છે. તેની પાસેથી 168 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂની કિંમત રૂ. 29,310 છે. પોલીસે દારૂ, રોકડ અને મોટરસાયકલ સહિત કુલ રૂ. 64,810નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી અહીં પર પ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો વારંવાર થાય છે. પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી શરૂ કરી છે.