ચીખલી તાલુકાના ગોડથલ વિસ્તારમાં મધ્યાહન ભોજન યોજનાનો દુરુપયોગ સામે આવ્યો છે. પ્રાથમિક શાળાની બાળાઓ પાસે મધ્યાહન ભોજન નાળામાં ફેંકાવવામાં આવતું હોવાનો વીડિયો વાઈરલ થયો છે. ગોડથલ ગામના પટેલ ફળિયા પાસે સોમવારે બપોરે દોઢ વાગ્યે બે વિદ્યાર્થિનીઓ મોટા વાસણમાં વધેલા દાળભાત નાળામાં ફેંકવાની તૈયારીમાં હતી. એક જાગૃત નાગરિકે આ દૃશ્ય કેમેરામાં કેદ કર્યું. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે શાળાના આચાર્યના કહેવાથી તેઓ આ કામ કરી રહી છે. શાળાના આચાર્ય મહેશ પરમારે આ ઘટનાની કબૂલાત કરી છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થવાથી ભોજન વધ્યું હતું. મધ્યાહન ભોજન વ્યવસ્થાપક રજા પર હોવાથી વિદ્યાર્થિનીઓને ભોજન ફેંકવા મોકલી હતી. આ ઘટના અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. વાહનોની અવરજવર વાળા મુખ્ય માર્ગ પર બાળકોને મોકલવાથી અકસ્માતનું જોખમ રહેલું છે. રાજ્ય સરકાર કરોડો રૂપિયાના ખર્ચે ચલાવતી આ યોજનાનો આવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે. શિક્ષણ સમિતિ દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.