ખંભાળિયામાં દ્વારકા ગેઈટ નજીક શ્રીનાથજીની હવેલી પાસે ફટાકડા ફોડવાના મુદ્દે હિંદુ-મુસ્લિમ સમુદાય વચ્ચે વિવાદ સર્જાયો છે. બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં સામસામે કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઘટના મુજબ, શ્રીનાથજીની હવેલીમાં રહેતા વિપુલભાઈ ઠાકર (42)ની હવેલીમાં 20 ફેબ્રુઆરીએ પાટોત્સવ દર્શન યોજાયા હતા. રવિવારે રાત્રે સવા દસ વાગ્યે વિપુલભાઈના ભત્રીજો કેવીન બચેલા ફટાકડા ફોડી રહ્યો હતો. આ સમયે હવેલીની પાછળ રહેતા મકસુદ, મોઈન અને તોસીફ હાથમાં ધોકા સાથે આવ્યા હતા. તેમણે રમઝાન મહિનો ચાલતો હોવાથી ફટાકડા બંધ કરવા કહ્યું અને બીભત્સ ગાળો આપી. ત્યારબાદ ફુલકાંદ નામના વ્યક્તિએ કેવીન અને વિપુલભાઈ પર હુમલો કર્યો, જેમાં વિપુલભાઈને ફ્રેક્ચર થયું. સામાપક્ષે મોઈન મકસુદ ભંડેરી (26)એ ફરિયાદ નોંધાવી છે કે તેઓ રાત્રે 9 વાગ્યે અજાન પઢવા ગયા હતા. 10:15 વાગ્યે પરત ફરતા વિપુલભાઈ, કેવીન અને જસ્મીનભાઈએ તેમને અપશબ્દો કહ્યા અને મારી નાખવાની ધમકી આપી. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.