આજે બે મુદ્દા પર ચર્ચા. નમસ્કાર, અમેરિકાએ કેનેડા અને મેક્સિકો પર 25% જેટલો ટેરિફ લગાવી દીધો છે. ચીન પર 10% ટેરિફ લાદી દીધો છે. ટ્રમ્પના એક નિર્ણયથી દુનિયાનું અર્થતંત્ર ડામાડોળ થઈ જવાનું એ નક્કી. હજી સુધી ટેરિફમાંથી ભારત બચી ગયું છે, પણ જો ટ્રમ્પ ભારત પર ટેરિફ લાદશે તો આપણે ત્યાં કમરતોડ મોંઘવારી વધશે. પહેલા ટેરિફના કારણે શરૂ થયેલી ટ્રેડવોરની વાત કરીએ…
ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી ને અમેરિકાનું શેરબજાર તૂટ્યું
સોમવારે વ્હાઈટ હાઉસના રૂઝવેલ્ટ રૂમમાં સંબોધન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કહી દીધું કે કેનેડા અને મેક્સિકો બંનેથી થતી આયાત પર 25 ટકા ટેરિફ મંગળવારથી જ અમલમાં આવી ગયો છે. તેમણે કહ્યું હતું કે ફેન્ટાનાઇલ જેવા ગેરકાયદે ડ્રગ્સ અને બંને દેશોમાંથી આવતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને રોકવા માટે આ પગલાં જરૂરી છે. ટ્રમ્પે કહ્યું, 4 માર્ચ, મંગળવારથી કેનેડા પર 25 ટકા અને મેક્સિકો પર 25 ટકા અને ચીન પર 10% ટેરિફ લાદવામાં આવશે અને એનો અમલ શરૂ થઈ જશે. તેમને ટેરિફનો સામનો કરવો પડશે, એમાં નહીં ચાલે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લગાવ્યા પછી અમેરિકાના શેરબજારમાં કડાકો બોલ્યો છે. અમેરિકાનો SP 500 ઇન્ડેક્સ 2% ઘટ્યો છે. ટ્રેડવોર વચ્ચે ભારતના શેરબજારમાંથી કરંટ ગાયબ
મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાગુ થઈ રહ્યો છે. ચીન પર પણ વધારાનો 10% એટલે કુલ 20% ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે અમે રેસિપ્રોકલ ટેરિફ લાદીશું. ભારત હોય કે ચીન, કોઈપણ દેશ હોય, તેઓ અમારી પાસેથી જે પણ ચાર્જ લેશે, અમે એ જ વસૂલ કરીશું. 2 એપ્રિલથી બાકીના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ થશે. ભારત સહિત અન્ય દેશો પર રેસિપ્રોકલ (જેવા સાથે તેવા) ટેરિફ લાદવાની ધમકીને કારણે ભારતીય સ્ટોક માર્કેટ સતત ડાઉન રહે છે. સતત દસ દિવસથી સ્ટોક માર્કેટમાં કરંટ જોવા મળતો નથી. મંગળવાર 4 માર્ચે નિફ્ટી સતત 10મા દિવસે ઘટીને 22,082 પર બંધ થયો. આજે નિફ્ટીમાં 36 પોઈન્ટનો ઘટાડો થયો, તો સેન્સેક્સ 96 પોઈન્ટ ઘટીને 72,990ના સ્તરે પહોંચી ગયો છે. ઓટો અને આઇટી શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ મહિનાની વાત કરીએ તો 30 સપ્ટેમ્બર, 2024ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 474 લાખ કરોડ રૂપિયા હતું, જે 28 ફેબ્રુઆરી 2025ના રોજ ઘટીને 384 લાખ કરોડ રૂપિયા થઈ ગયું, એટલે કે 5 મહિનામાં રોકાણકારોની સંપત્તિમાં 90 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. જો આમ જ ચાલતું રહેશે તો ભારતમાં મોંઘવારી, મંદી, બેરોજગારી વધશે. મિડલ ક્લાસ માટે જીવવું મુશ્કેલ બની જશે. ત્રણેય દેશોએ શું પ્રતિક્રિયા આપી?
કેનેડા, મેક્સિકો અને ચીન. આ ત્રણેય દેશો પર અમેરિકાએ ટેરિફ લગાવ્યા પછી તેમણે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. કેનેડા : વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્રમ્પના નિર્ણયની નિંદા કરી છે. એને “અન્યાયી” ગણાવ્યો અને વચન આપ્યું કે કેનેડા યુએસ ટેરિફનો જવાબ આપશે. ટ્રુડોએ અમેરિકા પરના ટેરિફનું પેકેજ રજૂ કર્યું. કેનેડાએ પહેલીવાર બદલો લેવાની ભાવનાથી ટેરિફની યોજના જાહેર કરી છે. પહેલા તબક્કામાં અમેરિકી નિકાસકારો પાસેથી લગભગ 30 અબજ કેનેડિયન ડોલર (20.6 અબજ યુએસ ડોલર)ની કિંમતના માલ પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. બ્લૂમબર્ગે ટ્રુડોને ટાંકીને જણાવ્યું હતું. જો અમેરિકા પોતાનો ટેરિફ નિર્ણય પાછો નહીં ખેંચે તો આ ટેરિફ ન્યૂયોર્ક સમય મુજબ સોમવારે રાત્રે 12.01 વાગ્યાથી (મંગળવારથી જ) લાગુ થશે. કેનેડા બીજા રાઉન્ડમાં અમેરિકન માલ પર 25 ટકા ટેરિફ લાદશે. આ ટેરિફ ત્રણ અઠવાડિયાં માટે કેનેડા આવતા 125 બિલિયન ડોલરના અમેરિકન માલ પર લાદવામાં આવશે. ટેરિફનો ત્રીજો રાઉન્ડ ઓટોમોબાઇલ્સ, સ્ટીલ અને એલ્યુમિનિયમ સહિતનાં સેક્ટર પર લાગુ કરાશે. મેક્સિકો : મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે ટ્રમ્પના ટેરિફનો સંયમપૂર્વક જવાબ આપ્યો છે. તેમણે સંકેત આપ્યો છે કે તેમનો દેશ કોઈપણ પ્રતિક્રિયા આપતાં પહેલાં ટ્રમ્પ મેક્સિકો સાથે કેવું વર્તન કરી રહ્યા છે એ જોવામાં આવશે. શેનબૌમે ખાતરી આપી હતી કે જો ટેરિફ લાદવામાં આવે તો મેક્સિકો પાસે બેકઅપ પ્લાન છે. અમારી પાસે પ્લાન B, C, D છે. મેક્સિકોએ હજી અમેરિકાથી થતી આયાત પર ટેરિફ લગાવવા અંગે કોઈ જાહેરાત કરી નથી. ચીન : ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા આવતા ચીની માલ પર 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે. ચીન પર પહેલાંથી જ 10 ટકા ટેરિફ છે અને બીજો 10% ટેરિફ મળીને અમેરિકાનો ચીન પરનો કુલ ટેરિફ વધીને 20 ટકા થઈ ગયો છે. અમેરિકાના ટેરિફના જવાબમાં ચીને પણ અમેરિકન માલ પર 10 અને 15 ટકાનો એમ બે પ્રકારે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકાના ટેરિફ અંગે ચીને કહ્યું, ‘અમેરિકાના એકતરફી ટેરિફ પગલાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરે છે. ચીન અને અમેરિકા વચ્ચેના આર્થિક અને બિઝનેસ ડીલના પાયાને નબળો પાડે છે. ચીન પોતાનાં હિતોનું રક્ષણ કરશે. ફેબ્રુઆરીમાં ચીન પર લાદવામાં આવેલો 10% ટેરિફ વધારીને 20% કરવામાં આવ્યો છે. ચીન 10 માર્ચથી અમેરિકા પર અમુક સામાનમાં 10% અને અમુકમાં 15% ટેરિફ લાદશે. ડુક્કરનું માંસ, બીફ, સીફૂડ, ફળો, શાકભાજી અને ડેરી ઉત્પાદનો પર 10% અને સોયા, ઘઉં, મકાઈ, કપાસ જેવાં યુએસ કૃષિ ઉત્પાદનો પર 15% ટેરિફ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકા-કેનેડા વચ્ચેનો બિઝનેસ અમેરિકા-ચીન વચ્ચેનો બિઝનેસ અમેરિકા-મેક્સિકો વચ્ચેનો બિઝનેસ ટ્રમ્પના ટેરિફથી અમેરિકન પરિવારોનો ખર્ચ વધશે
પીટરસન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ અને યેલ યુનિવર્સિટીની બજેટ લેબના અહેવાલ મુજબ, યુએસ ટેરિફ તેના નાગરિકો પર નકારાત્મક અસર કરશે. અમેરિકન પરિવારોએ વાર્ષિક વધારાના 1000 ડોલર, એટલે કે લગભગ 90 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે. ફોર્ડ અને વોલમાર્ટ જેવી કંપનીઓએ પહેલેથી જ ચેતવણી આપી છે કે ટેરિફની તેમના બિઝનેસ પર નકારાત્મક અસર પડશે. ટેરિફથી અમેરિકામાં મોંઘવારી વધશે અને બિઝનેસને પણ અસર થશે. હવે વાત યુક્રેનને સહાય રોકી, એની…. ઝેલેન્સ્કીએ સોમવારે એક નિવેદન આપ્યું ને મંગળવારથી સહાય બંધ
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અમેરિકા જેવી મહાસત્તા સામે નહોર ભરાવીને પોતે જ ભેરવાઈ ગયા છે. 3 માર્ચ, સોમવારે ઝેલેન્સ્કીએ એવું નિવેદન આપ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત બહુ દૂર છે. ઝેલેન્સ્કીના આ નિવેદનથી નારાજ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો. ટ્રમ્પે લખ્યું કે ઝેલેન્સ્કીએ આપેલું આ સૌથી ખરાબ નિવેદન છે. અમેરિકા આને વધારે સહન નહીં કરી શકે. હું પણ એ જ કહી રહ્યો હતો કે આ માણસ ત્યાં સુધી શાંતિ નથી ઈચ્છતો, જ્યાં સુધી તેને અમેરિકાનું સમર્થન મળી રહ્યું છે. યુરોપે ઝેલેન્સ્કી સાથેની મિટિંગમાં સ્પષ્ટ કહ્યું હતું કે તે અમેરિકા વગર કામ નહીં કરી શકે. યુક્રેનની 8.7 હજાર કરોડ રૂપિયાની સહાય તાત્કાલિક રોકી
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ટ્રમ્પના સહાય રોકવાના નિર્ણયથી એક અબજ ડોલર (8.7 હજાર કરોડ રૂપિયા)ની શસ્ત્રો અને દારૂગોળાની સહાય પર અસર પડી શકે છે, જે ટૂંક સમયમાં યુક્રેન પહોંચાડવાનાં હતાં. ટ્રમ્પના આદેશ પછી હવે આ મદદ પણ તાત્કાલિક રોકી દેવાઈ છે. અમેરિકાએ યુક્રેનની સહાય રોકી પછી રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ CNNને જણાવ્યું હતું કે ઝેલેન્સ્કીના ખરાબ વર્તનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે જો ઝેલેન્સ્કી યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો કરશે તો સહાય ફરીથી ચાલુ કરીશું. યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાના નિર્ણયની શું અસર પડશે?
અમેરિકા અત્યારસુધી યુક્રેનનું મુખ્ય સમર્થક રહ્યું છે. છેલ્લાં 3 વર્ષમાં અમેરિકાએ રશિયા સામેના સંઘર્ષમાં યુક્રેનને શસ્ત્રો, દારૂગોળો અને આર્થિક સહાય પૂરી પાડી છે. આ સહાય બંધ કરવાથી યુક્રેનની ડિફેન્સ કેપેસિટી પર અસર પડશે. યુક્રેનને પોતાની જ જમીન પર નિયંત્રણ જાળવી રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રશિયા હવે આસાનીથી યુક્રેન પર હાવી થઈ શકશે. યુક્રેનનું સૈન્ય અમેરિકાએ આપેલાં શસ્ત્રો, ખાસ કરીને તોપખાના, ડ્રોન અને મિસાઇલ સિસ્ટમ પર ખૂબ નિર્ભર રહ્યું છે. એના બંધ થવાથી યુક્રેન માટે રશિયન હુમલાઓનો જવાબ આપવો મુશ્કેલ બનશે. આનાથી રશિયા યુક્રેનના કેટલાક વધુ વિસ્તારો પર કબજો કરી શકે છે. યુક્રેન પર સહાય બંધ કરવાની અસર 2થી 4 મહિનામાં દેખાશે
સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે અમેરિકાના સહાય બંધ કરવાના નિર્ણયની યુક્રેન પર ભારે અસર પડશે. ટ્રમ્પના આ નિર્ણયે એક રીતે યુક્રેનને ‘અપંગ’ બનાવી દીધું છે. યુએસ સહાય બંધ થવાનો અર્થ એ છે કે યુક્રેનની તાકાત હવે અડધી થઈ ગઈ છે. એની અસર બેથી ચાર મહિનામાં દેખાશે. હાલમાં યુક્રેન યુરોપિયન દેશો તરફથી મળી રહેલી મદદથી થોડા સમય માટે લડી શકશે. પછી યુક્રેન માટે રશિયાનું યુદ્ધ વધારે અઘરું થઈ જવાનું છે. છેલ્લે,
ભારતે આ સમસ્યાનો સામનો ન કરવો પડે અને અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ સારી રીતે ચાલે એ માટે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને અમેરિકા મોકલવામાં આવ્યા છે. ત્યાં તે કોમર્સ સેક્રેટરી હોવર્ડ લટનિક સાથે મુલાકાત કરશે. ભારત માટે અત્યારે અગ્નિપરીક્ષાનો સમય છે. આ પરીક્ષામાં પીયૂષ ગોયલ પાસ થાય છે કે નહીં એ જોવાનું રહ્યું. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ (રિસર્ચઃ યશપાલ બક્ષી)