back to top
Homeગુજરાતઓનલાઈન ઝેરી પદાર્થ મગાવીને જીરા સોડામાં નાખ્યો:શિક્ષકે આપઘાત કરવા મગાવ્યો, મૂકબધિર પાડોશીને...

ઓનલાઈન ઝેરી પદાર્થ મગાવીને જીરા સોડામાં નાખ્યો:શિક્ષકે આપઘાત કરવા મગાવ્યો, મૂકબધિર પાડોશીને પીવડાવી પ્રયોગ કર્યો; નડિયાદ સોડાકાંડમાં ઘટસ્ફોટ

નડિયાદમાં 28 દિવસ પહેલા બનેલી ત્રણ વ્યક્તિઓના મોતની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે એક શિક્ષકે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આરોપી હરિકિશન મકવાણાએ આપઘાત કરવા એમેઝોન પરથી સોડિયમ નાઇટ્રાઇટ મંગાવ્યું હતું. તેણે આ ઝેરી પદાર્થનો પ્રયોગ પોતાના મૂકબધિર પાડોશી કનુભાઈ ચૌહાણ પર કર્યો હતો. આરોપીએ જીરા સોડાની બોટલમાં આ ઝેર ભેળવ્યું હતું. ગત 9 ફેબ્રુઆરીની સાંજે જવાહરનગર રેલવે ફાટક પાસે કનુભાઈએ આ બોટલ તેમના બે મિત્રો સાથે શેર કરી હતી. ત્રણેયની તબિયત લથડતાં ગણતરીના સમયમાં જ તેમનું મૃત્યુ થયું હતું. નડિયાદ ટાઉન પોલીસે 27 ફેબ્રુઆરીએ હત્યાનો ગુનો નોંધ્યો હતો. ગણતરીના દિવસોમાં જ પોલીસે આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપી શિક્ષક હરિકિશન મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે હત્યાનો કેસ નોંધી તપાસ હાથ ધરી હતી
28 દિવસ પહેલા 9 ફેબ્રુઆરીએ નડિયાદમાં જીરા સોડા પીધા બાદ ત્રણ વ્યક્તિઓની તબીયત લથડી હતી. ત્રણેયના ગણતરીના સમયમાં જ મોત નિપજ્યા હતા. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે જે તે સમયે અપમૃત્યુ અને એ બાદ ગત 27મી ફેબ્રુઆરીના રોજ હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ફરિયાદના ગણતરીના દિવસોમાં જ પોલીસે આ હત્યાકાંડ પરથી પડદો ઉચક્યો છે અને સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો છે.
જીરા સોડા પીવાથી 3ના મોતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો પાડોશી શિક્ષકે મૂકબધિરને ટાર્ગેટ કર્યો
મરણજનાર મૂકબધિર કનુભાઈ ચૌહાણના પાડોશી શિક્ષક હરિકિશન મકવાણા દ્વારા આ સમગ્ર કાંડ આચરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોપી સરકારી શિક્ષકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારા શિક્ષકે પોતાના આત્મહત્યા માટે એમેઝોન પ્લેટફોર્મ પરથી સોડિયમ નાઇટ્રાઇટ મંગાવ્યું હોવાનું અને જેના અખતરારૂપે જીરા સોડાની બોટલમાં ભેળવી પાડોશી મૃતક મૂકબધિરને ટાર્ગેટ કર્યો હતો. જોકે, આ મૂકબધિર કનુભાઈ આ બોટલ તેમના અન્ય બે મિત્રો સાથે સેર કરતા આ ત્રણેયના મોત નિપજ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 9મી ફેબ્રુઆરીએ સાંજે બનાવ બન્યો હતો
નડિયાદ શહેરમાં ગત 9 ફેબ્રુઆરીની મોડી સાંજે જવાહરનગર રેલવે ફાટક પાસે ત્રણ વ્યક્તિઓએ જીરા સોડા પીધા બાદ તબિયત લથડી હતી. યોગેશ ગંગારામ કુશવાહ (ઉ.વ.45, રહે.આઈકોન સોસાયટી, SRP કેમ્પની પાછળ, નડિયાદ), કનુભાઈ ધનાભાઇ ચૌહાણ (ઉ.વ.54, રહે.જલારામનગર સોસાયટી, નડિયાદ) અને રવિન્દ્રભાઈ જીણાભાઈ રાઠોડ (ઉ.વ.49, રહે.જવાહરનગર, નડિયાદ) નામના વ્યક્તિઓની તબિયત લથડી હતી. આ ત્રણેય વ્યક્તિઓના ગણતરીના સમયમાં મૃત્યુ નિપજ્યાં હતા. 3ના મોતમાં પહેલા લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ હતી
ટપોટપ ત્રણ વ્યક્તિઓના મોત બાદ લઠ્ઠાકાંડની શક્યતા તેજ બની હતી. કારણ કે મૃતકોના પરિવારજનોએ ખુદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,આ ત્રણેય વ્યક્તિઓ દારૂની ટેવ ધરાવે છે. બીજી તરફ પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી હતી. સૌપ્રથમ આ ત્રણેય મૃતકોના પીએમ કરવામાં આવ્યા હતા. તેમજ મૃતકોના બ્લડ સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં આ બ્લડ સેમ્પલમાં મિથાઈલ આલ્કોહોલની હાજરી બિલકુલ જણાઈ આવી નહોતી, આથી પોલીસ લઠ્ઠાકાંડની વાતને નકારી હતી. બીજી બાજુ પીએમ રિપોર્ટમાં પણ પ્રોબેબલ કોઝ ઓફ ડેથ એટલે કે ‘કાર્ડિયા રેસ્પીરેટરી એરે’ હોવાનું જણાઈ આવ્યું હતું. જીરા સોડા પીતા જોનારના નિવેદનો લેવાયા હતા
પોલીસે મોતનું ચોક્કસ કારણ મેળવવા મૃતકોના વિસેરા રિપોર્ટ તૈયાર કરી FSLમાં મોકલી આપ્યો હતો. જેમાં જે જીરા સોડા પીધી હતી, તે બોટલ ઉપરાંત સીલ બંધ કંપનીની અન્ય બોટલો અને મરણ જનાર વ્યક્તિઓના તે સમયે પહેરેલા કપડાં તેમજ ઉલટીના નમૂના ભેગા કરી તપાસ અર્થે મોકલી આપ્યા હતા. આ ઉપરાંત મૃતકોને જીરા ‌સોડા પીતા સમય નજરે જોનાર સાક્ષીઓના નિવેદનો લીધા હતા. FSL રિપોર્ટમાં સોડિયમની હાજરી મળી આવી
જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ અલગ ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં બનાવ સ્થળની જગ્યાએ આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી સાચી હકીકત મેળવવા પોલીસે પ્રયાસ હાથ ધર્યો હતો. દરમિયાન 25 ફેબ્રુઆરીના રોજ FSL દ્વારા વિસેરાનો રિપોર્ટ પોલીસને આપવામાં આવ્યો હતો. જેમાં આ મરણ જનાર ત્રણેય વ્યક્તિઓના વિસેરામાં તેમજ જીરા સોડા પીધેલી હતી, તે ખાલી બોટલમાં તેમજ બનાવ વાળી જગ્યાએથી લીધેલા ઉલ્ટીવાળા કોટન ગેજમાંથી તથા મરણ જનારના કબજે લીધેલા કપડાં વગેરે મુદ્દામાલના નમૂનામાં સોડિયમ આયન નામના ધન મુલક અને નાઇટ્રાઇટ આયન નામના ઋણ મૂલની હાજરી મળી આવી હતી. પોલીસે શંકાને આધારે તપાસ કરી હતી
FSL રિપોર્ટ બાદ પોલીસે 27 ફેબ્રુઆરીના રોજ અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે પ્રબળ શંકા દર્શાવી હતી કે, મરણ જનાર ત્રણેય વ્યક્તિઓ પૈકી કોઇ એક વ્યક્તિએ અથવા ત્રણેય મરણ જનાર વ્યક્તિઓ સિવાય અન્ય કોઇ ઇસમે મરણ જનાર ત્રણેય વ્યક્તિઓને આ ઝેરી દ્રવ્ય પિવડાવ્યુ હોવાની શક્યતા અને અખતરારૂપ કારણના કારણે ટાર્ગેટ કરીને પીવડાવ્યું હોવાનો અંદાજ હતો. કારણ કે, કનુભાઈ ધનાભાઇ ચૌહાણ (ઉ.વ.54, રહે.જલારામનગર સોસાયટી, નડિયાદ) પોતે મૂકબધિર હતા, આથી એક્સપરીમેન્ટ માટે આમ કર્યું હોવાનું અંદાજ હતો. મૂકબધિરના પાડોશીની ઉલટ તપાસ કરતાં ઘટસ્ફોટ
આથી આ દિશામાં તપાસ શરુ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં ઘટનાના 28 દિવસ બાદ આ હત્યા કાંડના બનાવનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ બનાવમાં મૃતક મૂકબધિર કનુભાઈ ચૌહાણના પાડોશી શિક્ષક હરિકિશન મકવાણાની ઉલટ તપાસ હાથ ધરી હતી. જેમાં તે ભાંગી પડ્યો હતો અને પોતે મૂકબધિર કનુભાઈ ચૌહાણને અખતરારૂપ જીરા સોડાની બોટલમાં ભેળવી આ પદાર્થ આપ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસની પુછપરછમાં હરિકિશનભાઈ સતત તણાવમાં હોય અને અગાઉ થયેલા કોર્ટ કેસની મુદતોને લીધે જીવનથી થાકી ગયેલા હોય પોતે આત્મહત્યા કરવાના આશયથી માત્ર અખતરારૂપે એટલે કે કેવુ રિએક્શન આવે છે, તે જાણવા મૂકબધિર કનુભાઈ ચૌહાણને ટાર્ગેટ કર્યા હતા. શિક્ષકનો કોર્ટ કેસના તણાવમાં આપઘાતનો ઈરાદો હતો
જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, હત્યારા આરોપી હરિકિશન મકવાણા છેલ્લા 20 વર્ષથી શિક્ષકની નોકરી કરે છે. થોડા વર્ષો અગાઉ જ તેઓની બદલી ખેડા જિલ્લામાં થયેલી હતી અને હાલ સણાલી પ્રાથમિક શાળામાં નોકરી કરે છે. પત્ની પણ નોકરી કરે છે. હરિકિશન વિરુદ્ધમાં અગાઉ પાટણમાં કોઈ ગુનો દાખલ થયેલો હતો, જે ગુનો હાલ કોર્ટમાં જે જેને લઇને હરિકિશન પોતે સતત તણાવમાં રહેતા હતા અને આત્મહત્યાના વિચારો આવતા હતા. તો વળી આત્મહત્યા બાદ વિમા કંપનીના નિયમ મુજબ નાણાં મળે નહીં, જેથી પરિવાર આર્થિક સંકડામણ આવે, તે વિચારીને હરિકિશને ગત 21 જાન્યુઆરી 2025ના રોજ ઓનલાઇન એમેઝોન પ્લેટફોર્મ પરથી આ સોડિયમ નાઇટ્રાઇટ 500 ગ્રામ મંગાવ્યું હતું. જોકે, જેની જાણ આ હરિકિશનના પત્નીને થતાં તેમણે આમ ન કરવા પોતાના પતિને સમજાવ્યું હતું અને આ પદાર્થનો નિકાલ કરી દીધો હતો. જોકે, આ પહેલા છાની રીતે હરિકીશને સોડિયમ નાઇટ્રાઇટ પદાર્થ થોડો અલગ કાઢી દીધો હતો. શિક્ષકે સોડિયમ નાઇટ્રાઇટનો એક્સપરિમેન્ટ કર્યો
બાદમાં તે એવા કોઈ વ્યક્તિની તલાશમાં હતો કે આ પદાર્થ કોઈ વસ્તુમાં પીવાથી કેવું રિએક્શન થાય અને ખરેખર વ્યક્તિ મૃત્યુ પામે છે કે જીવે છે. આથી હરિકિશને પોતાના પડોશમાં રહેતા વ્યક્તિ કનુભાઈ ચૌહાણ કે જે વર્ષોથી મૂકબધિર છે, તેમના પર આ પદાર્થનો અખતરો કરવા ટાર્ગેટ કર્યો હતો અને 9 ફેબ્રુઆરીના રોજ સાંજે આ પદાર્થ હરિકિશને જીરા સોડામાં ભેળવી કનુભાઈને આપ્યો હતો. પરંતુ આ કનુભાઈએ પોતે પણ આ જીરા સોડા પીધી અને પોતાના અન્ય બે‌ મિત્રો યોગેશ કુશવાહ અને રવિન્દ્રભાઈ રાઠોડ સાથે પણ સેર કરી હતી. આમ આ ઘટનામાં ત્રણ લોકોના જીવ ગયા છે. સરખેજના ભૂવાકાંડમાં સોડિયમ નાઇટ્રાઇટની અસરથી વાકેફ હતો
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, આરોપી અગાઉ અમદાવાદના સરખેજમાં ભૂવા કાંડમાં સોડિયમ નાઈટ્રાઈટ અસરથી શું થાય છે તેની જાણકારી હતી. વધુમાં જે તે સમયે આ ઘટના બની ત્યારે આ શિક્ષક હરિકિશન મકવાણા ત્યાં હાજર હતો અને કનુભાઈને હોસ્પિટલમાં પણ લઈને દોડ્યો હતો. તે બાદ સતત તે જાણતો હતો કે, મૃતકના પીએમમાં શું આવી રહ્યું છે. પીએમ રિપોર્ટમાં પણ પ્રોબેબલ કોઝ ઓફ ડેથ એટલે કે ‘કાર્ડિયા રેસ્પીરેટરી એરે’ હોવાનુ સામે આવ્યું હતું. પોલીસે આ ગુનામાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ તેમજ ઈ-કોર્મસ પ્લેટફોર્મ પર જ્યાં આવા પદાર્થો મળે છે, જેના માધ્યમોથી આ સમગ્ર કેસને ઉકેલી દીધો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments