‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂકડો’ સૂત્રને સાર્થક કરનાર વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. એને લઈને સમગ્ર રઘુવંશી સમાજમાં અને જલારામ બાપાના ભક્તોમાં રોષ ફેલાયો છે તેમજ જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાની જગ્યામાં આવી માફી માગે એવી ભાવિકોએ માગ કરી છે તેમજ રાજકોટના સાંસદ રૂપાલાએ કહ્યું હતું કે જલારામ બાપા વિશે બોલવાની સ્વામીની હેસિયત નથી. આ માગને લઈ સવારે અગિયાર વાગ્યે વીરપુર ગ્રામપંચાયત કચેરી ખાતે બેઠક યોજી હતી તેમજ જલારામ બાપાના મંદિર સુધી ભક્તોએ પદયાત્રા કરી હતી. ત્યાર બાદ આજે(4 માર્ચ, 2025) વીરપુર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે સાંજે આ વિવાદ થાળે પડી ગયો છે. અખિલ ગુજરાત લોહાણા સમાજના ઉપપ્રમુખ યોગેશ અનડકટે જણાવ્યું કે, વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના દેવ સ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થઈ છે. જેમાં દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની લેટરપેડ પર માફી માંગી છે. અનુકૂળતાએ જ્ઞાન પ્રકાશ સ્વામી મંદિર અને પરિવારની માફી માંગશે. સ્વામીએ પોતાના ફોલોઅર્સ વધારવા માટે આ બફાટ કર્યો હતો. વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા લેખિત અને વિડીયો મારફતે માફી મંગાવવામાં આવશે. આ વિવાદ અંગે જાણવા દિવ્ય ભાસ્કર ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું હતું, જ્યાં વેપારીઓ, ગ્રામજનો અને ભક્તો સાથે વાતચીત કરી હતી તેમજ સદાવ્રત તથા ગુણાતીતાનંદ સ્વામી અને જલારામ બાપાની મુલાકાતનાં જે પુસ્તકો છે એનો અભ્યાસ કર્યો છે અને એમાં એક વાત સામે આવી કે સ્વામી જ્ઞાનપ્રકાશે તથ્યોને તોડીમરોડીને રજૂ કર્યાં છે. સૌથી પહેલા જાણીએ જ્ઞાનપ્રકાશ સ્વામી શું બોલ્યા? એક વીડિયોમાં તેઓ કહે છે કે જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે. જલારામ બાપા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા, જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે સ્વામીને બોલાવવા માટે આવ્યા અને સ્વામી જ્યાં જગ્યામાં પધાર્યા. જલા ભગતે સ્વામી પાસે આશીર્વાદ માગ્યા કે સ્વામી મારી એકમાત્ર ઇચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે તેને પ્રસાદ મળે અને ભોજન મળે એવી મારી ઇચ્છા અને સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે પહેલા અમને તો જમાડો જલા ભગત, ખૂબ રાજી થયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. આપણી દાળ બાટી અને એમાં ફેર. હવે દાળ-બાટી ફેન્સી થઈ ગયા છે. ગુણાતીતાનંદ સ્વામીએ ખૂબ રાજી થઈ કહ્યું કે જલા ભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ માટે તમારો ભંડાર અખૂટ રહેશે જાઓ. સ્વામી ગુણાતીતાનંદ સ્વામીએ આજથી 200 વર્ષ પહેલાં આશીર્વાદ આપ્યા એ આશીર્વાદના ફળસ્વરૂપે આજ સુધી બહુ સારું કાર્ય થાય છે અને અન્નદાન મોટું અપાય છે. આ પહેલાં પણ જ્ઞાનપ્રકાશે માતાજી અંગે નિવેદન આપી વીડિયો ડિલિટ કર્યો
આ પહેલાં પણ સ્વામી જ્ઞાનપ્રકાશ એક કથા સમયે નિવેદનને લઈ વિવાદમાં આવ્યા હતા. સ્વામી જ્ઞાનપ્રકાશે પ્રવચન સમય દરમિયાન જૂનાગઢના રાજા રા’માંડલિકના ઈતિહાસનું વર્ણન કરી રહ્યા હતા, જેમાં તેમણે માતાજી વિશે ખોટું વર્ણન કરતાં કહ્યું હતું કે એ સમયે રાજા સમક્ષ રજૂઆત થઈ હતી કે નહેડામાં કોઈ અપ્સરા છે. આમ, લગભગ 3 મિનિટ સુધી કથાનું વર્ણન કરી છેલ્લે કહ્યું હતું કે નહેડાની અપ્સરા સ્ત્રી બીજું કોઈ નહીં, નાગબાઈ હતાં. જે-તે વખતે તેને માતાજી માનવામાં આવતાં હતાં. આમ, માતાજીનું નામ આવી ખોટી રીતે લેવામાં આવતાં સ્વામીના વર્ણન પર મોટા આક્ષેપ થયા હતા. માતાજીના ઈતિહાસને ખોટી રીતે રજૂ કરતાં રોષ વ્યાપ્યો હતો, જેથી એ સમયે પણ તો સ્વામીએ માફી માગી વીડિયો ડિલિટ કર્યો હતો. જોકે વિવાદ થયા બાદ તેમણે આ વાત માધવપ્રિય દાસજીના પુસ્તકમાંથી ટાંકી હોવાનો બચાવ કર્યો હતો. તો બીજી તરફ સ્વામિનારાયણ ભક્તોના ગ્રુપમાં એક PDF શેર કરવામાં આવી, જેમાં સંતશ્રી જલારામના જીવનચરિત્ર પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકના કેટલાક અંશો શેર કરવામાં આવ્યા છે, જોકે દિવ્ય ભાસ્કરે જ્ઞાન પ્રકાશનું નિવેદન, માધવપ્રિયદાસજીનું પુસ્તક સદગુરુ ગાથા તથા સંતશ્રી જલારામના જીવનચરિત્ર પરચાનો અમર ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. જલારામ બાપાના જીવન ચરિત્રમાં શું લખ્યું છે?
સૌભાગ્યચંદ રાજદેવ લિખિત જલારામ બાપાનું જીવન ચરિત્ર અને પરચાનો અમર ઇતિહાસમાં ગુણાતીતાનંદ સ્વામી વિશે લખ્યું છે કે વિક્રમ સંવત 1918માં ગુણાતીતાનંદ સ્વામી વડતાલ ગાદીના પ્રથમ આચાર્ય રઘુવીરજી મહારાજને વળાવવા રાજકોટના ભીચરી ગામ સુધી ગયા અને પાછા વળતા રાજકોટ, ગુંદાસરા, વીરપુર, જેતપુર અને વડાલ થઈ જૂનાગઢ આવ્યા હતા. આ વિચરણ દરમિયાન વીરપુર પાદરમાં વિસામો લેવા માટે રોકાયા. આ અંગે જલારામ બાપાને ખબર મળતાં તેઓ સ્વામી પાસે પહોંચ્યા અને પોતાની જગ્યામાં આરામ કરવા સ્વામીને પ્રાર્થના કરી તો સ્વામીએ કહ્યું કે અમારાથી સ્ત્રીઓ હોય ત્યાં અવાય નહીં, તેથી ભક્ત શ્રી જલારામે કહ્યું કે તેમને બીજે મોકલી, જગ્યા સાફ કરી આપને ખબર આપું છું, તો આપ જરૂર પધારશો. જલારામ બાપાનો આવો અતિઆગ્રહ જોઇને સ્વામી સંતમંડળ સહિત ત્યાં પધાર્યા અને તેમના આગ્રહથી રસોઈ કરી જમીને બહુ પ્રસન્ન થયા. ચાલતી વખતે તેઓ બોલ્યા, તમારો આવો વિનય અને ભક્તિ ભાવ જોઇને અમે રાજી થયા છીએ અને તમારી જગ્યાની સ્થિતિ તથા કીર્તિ દિનપ્રતિદિન વધતી જશે એવા અમારા આશીર્વાદ છે. આ પ્રસંગ પછી ગુણાતીતાનંદ સ્વામી સંતમંડળ સાથે એક-બે વખત તેમના આગ્રહથી વીરપુરની જગ્યામાં પધારેલા(મેવાસાવાળા કૃષ્ણજી મહારાજના હસ્ત લિખિત ડો.નટવરલાલ મનજીભાઈ ટાંકે મેળવેલી હકીકત,(9-9-1957)) માધવપ્રિયદાસજીએ સદગુરુ ગાથામાં શું લખ્યું છે?
જ્યારે માધવપ્રિય દાસજીએ સદગુરુ ગાથામાં આ કિસ્સાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે રઘુવીરજી મહારાજને વિદાય આપી સ્વામી રાજકોટથી જૂનાગઢ પધાર્યા અને રસ્તામાં વાવડી, ગુંદાસરા વગેરે ગામોમાં હરિભક્તોને સુખ દેતાં દેતાં સ્વામી ગોંડલમાં રાત રોકાયા. ગોંડલથી વહેલી સવારે નીકળી બપોર થતાં થતાં વીરપુર પહોંચ્યા અને પાદરમાં વિસામો લીધો. આ સમયે સ્વામીએ સંતોને જલારામ બાપાને સદાવ્રતમાં સીધુ-પાણી લેવા મોકલ્યા. ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા છે એ વાત સાંભળીને જલા ભગતને આનંદ થયો અને સંતોને ઘઉંનો લોટ અને ઘી ગોળ આપ્યા તથા સંતો સાથે સામગ્રીના ટોપલા લઈને સ્વામીનાં દર્શને આવ્યા. સ્વામીએ પણ જલા ભગત તરફ કૃપાદૃષ્ટિ કરી. જલા ભગતની ઇચ્છા હતી કે સંતો શીરો-પૂરીની રસોઈ કરીને જમે, પરંતુ સ્વામીએ કહ્યું, જલા ભગત, અમને શીરો-પૂરી નહીં ફાવે. અમે તો દાળ અને બાટી બનાવીશું. એક બાજુ સંતો ઠાકોરજીનો થાળ અને રસોઈની તૈયારી કરવા લાગ્યા અને બીજી બાજુ જલા ભગત સ્વામી સાથે સત્સંગ કરવા લાગ્યા. આ સત્સંગ દરમિયાન જલા ભગતે સ્વામીને વીરપુરના સદાવ્રતમાં પધરામણી કરવા વિનંતી કરી. સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, અમારે જેતપુર પહોંચવું છે એટલે ત્યાં તો નહીં આવી શકીએ, પણ તમે ભૂખ્યાને ભોજન જમાડો છો, એ જાણીને અમે રાજી થઈ છીએ’. શાસ્ત્રમાં અન્નદાનથી મોટું પુણ્ય થાય છે એમ કહ્યું છે. ‘અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમારા આ સદાવ્રતનો કોઠારો ભગવાન અભરે ભરેલા રાખે’. આમ, જલા ભગતને આશીર્વાદ આપી સ્વામી જેતપુર પધાર્યા અને ત્યાંથી સાંકળી થઈને વડાલ પધાર્યા. વીરપુરના સરપંચ રમેશભાઈ સરવૈયાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર માફી માગી તે સારી વાત છે, પણ ભક્ત સંત શિરોમણિ જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી સદાવ્રત ચાલે છે. 205 વર્ષ પહેલાં મહાસુદ બીજના જલારામ બાપાએ ભોજલરામ બાપાના આશીર્વાદથી અન્નક્ષેત્ર શરૂ થયું હતું. વીરપુરના વેપારી આગેવાન રમેશભાઈ ગઢિયાએ કહ્યું કે 1947માં પ્રકાશિત થયેલું ભક્ત શ્રી જલારામ પુસ્તક સૌભાગ્ય ચંદ મંગળજી રાજદેવે લખ્યું હતું, જેમાં લખેલું છે, પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણાથી જલારામ બાપાએ સદાવ્રત શરૂ કર્યું હતું. જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપા, તેમના ઇષ્ટદેવ ભગવાન શ્રીરામ હતા. આજે પણ મંદિરમાં રામ, લક્ષ્મણ જાનકી અને હનુમાનજી બિરાજમાન છે. ‘સ્વામિનારાયણ સંપ્રદાય અને અનુયાયીઓએ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ’
આ વિવાદને લઈ રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે આ દુઃખદ ઘટના છે. જલારામ બાપા પ્રત્યે દેશ અને દેશ બહાર શ્રદ્ધા ધરાવતો ખૂબ મોટો વર્ગ છે. જલારામ બાપા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે. વિશ્વમાં કદાચ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય જે અત્યારના સમયે અત્યંત દુર્લભ કહેવાય, જ્યાં માણસોને પૈસા ન ધરવા માટે પૈસા રાખીને રાખ્યા છે.
જે સ્વામીએ આ નિવેદન આપ્યું છે હું તેનું નામ પણ જાણતો નથી. આવા સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાય અન્ય સંતો અને અનુયાયીઓ દ્વારા જ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આવા નિવેદનથી સંપ્રદાયે બચવું જોઈએ, આ ખૂબ જ દુઃખદ વાત છે. જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. મુંબઈથી દર્શન માટે આવેલાં સોનલબેન માણેકે જણાવ્યું કે સ્વામીજીએ જલારામબાપા પર જે સ્ટેટમેન્ટ આપ્યું છે એનાથી અમારી લાગણી દુભાઈ છે. સૌભાગ્યચંદ રાજદેવ દ્વારા લખવામાં આવેલા પુસ્તકમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ભોજલરામ બાપાને જલારામબાપા દ્વારા ગુરુ ધારવામાં આવ્યા હતા. સદાવ્રત બાંધવા બાબતે પણ ભોજલરામ સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. ભોજલરામ બાપા દ્વારા જલારામ બાપાને સદાવ્રતના આશીર્વાદ આપવામાં આવ્યા હતા. કોઈપણ જગ્યાએ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા સદાવ્રતના આશીર્વાદ આપવામાં આવ્યા હોય એવો કોઈ ઉલ્લેખ નથી. મારા પિતાની વાતને જાણીજોઈને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી: કોકિલાબેન
જ્યારે ભક્ત શ્રી જલારામ પુસ્તક સૌભાગ્ય ચંદ મંગળજી રાજદેવનાં પુત્રી કોકિલાબેને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે મારા પિતા દ્વારા લખવામાં આવેલા પુસ્તકમાં પૂજ્ય જલારામ બાપા જૂનાગઢ ગયા હોય અને ગુણાતીતાનંદ સ્વામીને મળ્યા હોય એવો કોઈ ઉલ્લેખ નથી. માત્ર ગુણાતીતાનંદ સ્વામી સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વીરપુર આવ્યા હોય એવો ઉલ્લેખ છે
વીરપુર ખાતે જલારામ બાપા દ્વારા તેમને રોટલો અને ઓટલો આપવામાં આવ્યો હોય એવો ઉલ્લેખ છે. મારા પિતાની વાતને જાણીજોઈને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહી છે.
મારા પિતા દ્વારા જે વાત પુસ્તકમાં લખવામાં જ નથી આવી એ વાત તેમના પુસ્તકમાં છે તેઓ દાવો કેટલાંક તત્ત્વો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભોજલરામ બાપાની પ્રેરણાથી સદાવ્રત ચાલે છે: ગાદીપતિના ભાઈ
ગાદીપતિના ભાઈ ભરત જયસુખરામ ચાંદ્રાણીએ કહ્યું હતું કે ભોજલરામ બાપા જલારામ બાપાના ગુરુ હતા, ભોજલરામબાપાની પ્રેરણાથી સદાવ્રત અન્નક્ષેત્ર શરૂ છે. વીરપુરમાં 205 વર્ષ પહેલાં સદાવ્રત અન્નક્ષેત્રની શરૂઆત થઈ હતી. બાપાને માનનારા ભક્તો જાણે છે અને આ જ સત્ય છે. આજ બાપાનું સત્ય છે, આથી વિશેષ બીજી વાતો સત્યથી દૂર રહેવું. જલારામ બાપા રામનું રટણ કરતા, ભૂખ્યાને ભોજન આપતા હતા. આવીકાલે બજારો ખૂલી જશે: વેપારી
બે દિવસ ગામ બંધ રાખવાનો નિર્ણય કર્યા બાદ મંદિરના ગાદીપતિ રઘુરામ બાપાએ ઉદાર નિર્ણય કર્યો છે. રઘુરામ બાપાના નાનાભાઈ ભરતભાઇ ચંદ્રાણીએ વીરપુર વેપારી એસો.ના પ્રમુખ ભરત ગઢિયાને કહ્યું હતું કે આવતીકાલે દુકાનો ખોલી દેશો. જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવી માફી માગવા તત્પર છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તકોમાં જે લખાણ છે એ જલારામ બાપાના ઓરિજિનલ પુસ્તકોમાં ક્યાંય ઉલ્લેખ પણ નથી. વેપારીઓ કહે છે કે જો સંત પોતે નહીં આવે તો 24 કલાક પછી શું કરવું એનો નિર્ણય લેવા ફરી બેઠક કરવામાં આવશે. વીરપુર ઉપરાંત જૂનાગઢ સહિત અનેક શહેરોમાં લોહાણા સમાજ દ્વારા જોરદાર વિરોધપ્રદર્શનો શરૂ થઇ ગયાં છે. જલારામ બાપા વિશે સ્વામિનારાયણના સંત દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદનને લઇને સમાજના અગ્રણીઓએ માફી માગવાની માગ કરી છે. આવા સંતને વ્યાસપીઠ પર બેસવાનો અધિકાર નથી: ગિરીશ કોટેચા
સૌરાષ્ટ્ર કચ્છ રઘુવંશી સેનાના અગ્રણી અને લોહાણા સમાજના આગેવાન ગિરીશભાઈ કોટેચાએ આ ટિપ્પણીને તથ્યહીન ગણાવી છે. કોટેચાએ જણાવ્યું હતું કે જલારામ બાપાની ભગવાને પણ પરીક્ષા લીધી હતી અને તેમણે પોતાની પત્નીને પણ દાનમાં આપી હતી. સાક્ષાત્ ભગવાને તેમને દર્શન આપ્યાં હતાં. તેમણે ઉમેર્યું કે આવા સંતને વ્યાસપીઠ પર બેસવાનો અધિકાર નથી.
વડતાલ મંદિર હેઠળના 500થી વધુ મંદિરોના સંદર્ભમાં કોટેચાએ રાકેશપ્રસાદને વિનંતી કરી કે આવાં નિવેદનોથી મંદિરોની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જલારામ બાપા માત્ર લોહાણા સમાજના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના લોકોની આસ્થાના કેન્દ્ર છે. વીરપુરમાં આવતા ભક્તોમાં માત્ર 10-20 ટકા લોહાણા સમાજના લોકો છે, જ્યારે 80 ટકા અન્ય જ્ઞાતિના લોકો છે. આ બાબત જ સાબિત કરે છે કે જલારામ બાપા સર્વધર્મ અને સર્વજ્ઞાતિના લોકોના આરાધ્ય છે. આ વસ્તુ અધૂરા જ્ઞાનથી કહેવામાં આવે છે: મગનભાઈ રૂપારેલ
રઘુવંશી લોહાણા મહાજન સમાજના વડોદરાના પ્રમુખ મગનભાઈ રૂપારેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જલારામ બાપા રામભક્ત હતા. આ સાથે તેઓ સર્વધર્મને માનતા હતા. તેઓ સનાતની હતા, પણ સ્વામી આ કયા કારણથી બોલ્યા, આ પ્રકારના વિવાદ અગાઉ પણ થઈ ચૂક્યા છે. આ વસ્તુ અધૂરા જ્ઞાનથી કહેવામાં આવી છે અને મંચ ઉપરથી જાણકારી વગર આ પ્રકારની વાત ન કરવી જોઈએ. જલારામ બાપાએ સદાવ્રત શરૂ કરવાની ઇચ્છા તેમના ગુરુ ભોજલરામ બાપા સમક્ષ રજૂ કરી હતી. એ સમયે ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી જલારામ બાપાએ તેમની પત્ની સાથે મળીને સદાવ્રત શરૂ કર્યું હતું. એ સ્વામિનારાયણ ધર્મના સંત છે, આપણે તેમની ટીકા કરતા નથી, પરંતુ તેમને જલારામ બાપા વિશે આવું બોલવું ન જોઈએ. કોઈની લાગણી દુભાય એવું ન કરવુ જોઈએ. આવું નિવેદન આપતાં પહેલાં તેમને વિચાર કરવો જોઈએ અને પૂરતો અભ્યાસ કરવો જોઈએ. અમે ખરેખર આનો વિરોધ કરીએ છીએ કે આવું ન થવું જોઈએ. તેમણે માફી માગી છે, પણ આવું ન થવું જોઈએ. અમુક સ્વામીઓ આ પ્રકારે નિવેદન આપીને ધર્મને નુકસાન પહોંચાડે છે. વીરપુરમાં મિટિંગ મળશે તો અમે અમારો સપોર્ટ જાહેર કરીશું. જે સંતે નિવેદન આપ્યું તેને તેમને જલારામ બાપા વિશે કશી જ ખબર નથી: હિતેશ ઠક્કર
ઇન્ટરનેશનલ લોહાણા સમાજના પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે આપવામાં આવેલા નિવેદનને અમે સખત રીતે વખોડીએ છીએ. રઘુવંશી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. જે સંત દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ ક્યારેય જલારામ બાપાના મંદિરે ગયા નથી અને તેમને જલારામ બાપા વિશે કશી જ ખબર નથી. જલારામ બાપા દ્વારા શરૂ કરવામાં આવેલા અન્નક્ષેત્ર તેમના ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી શરૂ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાક આવા સંતો ઘૂસી ગયા છે, જેના કારણે સમગ્ર સંપ્રદાય બદનામ થાય છે. ઇતિહાસને મરોડીતોડીને તેઓ કહે છે અને તેમના કહેવાથી લોકો માની જાય એવું સંત પોતાના પ્રચાર માટે કરતા હોય એવું લાગી રહ્યું છે. માત્ર નિવેદન આપવાથી માફી મળી શકે નહીં: રાજુભાઈ પોબારુ
રાજકોટ લોહાણા મહાજન મંડળનાં પ્રમુખ રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા પૂજ્ય જલારામ બાપા વિશે આપવામાં આવેલા નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. આ મુદ્દે આજે વીરપુર ખાતે બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. તાજેતરમાં જ જલારામ બાપાની 225મી જન્મજયંતી ઊજવવામાં આવી છે. વર્ષોથી પૂ. જલારામ મંદિરે ભક્તોને જમાડવાની સેવા કરવામાં આવી રહી છે, જેમાં છેલ્લાં 25 વર્ષથી તો કોઈ પ્રકારની ભેટ, સોગાદ કે રોકડ પણ સ્વીકારવામાં આવતી નથી. આવા ભક્ત શિરોમણિ જલારામ બાપાનું આ અપમાન ખરેખર અકલ્પનીય છે. આ કોઈ ભૂલ ન કહેવાય અને માત્ર નિવેદન આપવાથી માફી મળી શકે નહીં. સ્વામીએ વીરપુર જઈને જલારામ બાપાને વંદન કરીને આ માટેની માફી માગવી જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વારંવાર આવા બફાટ કરે છે, જે જરા પણ યોગ્ય નથી. ત્યારે તેમણે સંયમ રાખીને અને વિવાદાસ્પદ નિવેદનોથી દૂર રહેવું જોઈએ. અમે સખત રીતે વખોડીએ છીએ. રઘુવંશી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. જે સંત દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તે ક્યારેય જલારામ બાપાના મંદિરે ગયા નથી અને તેમને જલારામ બાપા વિશે કશી જ ખબર નથી. જલારામ બાપા દ્વારા શરૂ કરવામાં આવેલા અન્નક્ષેત્ર તેમના ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી શરૂ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાક આવા સંતો ઘૂસી ગયા છે, જેના કારણે સમગ્ર સંપ્રદાય બદનામ થાય છે. ઇતિહાસને મરોડીતોડીને તેઓ કહે છે અને તેમના કહેવાથી લોકો માની જાય એવું સંત પોતાના પ્રચાર માટે કરતા હોય એવું લાગી રહ્યું છે. સ્વામી પુરાવા રજૂ નહીં કરે તો બાપાના ભક્તોમાં રોષ વધી શકે: વ્રજેશ ઉનડકટ
સુરત લુહાણા સમાજના ઉપપ્રમુખ વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે અમે સ્વામીના નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ. જલારામ બાપાના એક જ માત્ર ગુરુ ભોજલરામ બાપા હતા. એ ભોજલરામ બાપાની પ્રેરણાથી અને તેમના આશીર્વાદથી 205 વર્ષ પહેલાં વીરપુરમાં સદાવ્રતની શરૂઆત થઈ હતી. સ્વામીએ પુરાવા રજૂ કરવા જોઈએ, નહીં તો અત્યારે જે રીતે લોહાણા સમાજમાં અને જલારામ બાપાના તમામ ભક્તોમાં રોષ વધી શકે છે. આ રીતે એલફેલ આ કોઈપણ રીતે ચલાવી ના શકાય, તેમણે માફી માગી પૂરતી નથી, તેમણે પુરાવા રજૂ કરવા પડશે. વીરપુર જઈ જાહેર માફી માગવી જોઈએ: ધર્મેન્દ્રભાઈ મશરૂ
શ્રી રાજુલા લોહાણા મહાજનના ટ્રસ્ટી ધર્મેન્દ્ર ભાઈ મશરૂએ કહ્યું હતું કે પરમ પૂજ્ય જલારામ બાપા રામ ભગવાનના ઉપાસક હતા અને રામ જ બાપાના ઇષ્ટદેવ હતા. જલારામ બાપાના ગુરુદેવ સદગુરુ ભોજલરામ બાપા હતા, તેઓ અમરેલી પાસેના ગામ ફતેપુર ગામના હતા. સદગુરુ ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી આજથી 205 વર્ષ પહેલાં સદાવ્રત શરૂઆત કરી હતી. આ વાત બાપાને માનનારા લાખો ભક્તો વર્ષોથી જાણે છે, જગજાહેર છે અને આ જ સત્ય છે. આ જે ક્લિપ્સ છે એ સદંતર ખોટી છે અને આ વાતને રાજુલા રઘુવંશી લોહાણા સમાજ સદંતર રીતે આ વાતને વખોડે છે અને સ્વામીએ આના માટે વીરપુર જઈ જાહેર માફી માગવી જોઈએ એવી તમામની લાગણી અને માગણી છે.