જૂનાગઢ મહાનગર પાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ હવે આજે (5 માર્ચ) પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી ચાલી રહી છે. ગઈકાલે ગાંધીનગર કમલમ ખાતે સીઆર પાટિલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયાતના પ્રમુખોની બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢના નવા મેયર , ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાઓના નવા પ્રમુખોની વરણીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. નવા નિમાયેલા નગરપાલિકા પ્રમુખોનું લિસ્ટ અમે સતત અપડેટ કરી રહ્યા છીએ…. જુનાગઢના નવા મેયર બન્યાં ધર્મેશ પોશીયા
જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશીયાની નિમણૂક થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની પસંદગી કરવામાં આવી છે. થાન નગરપાલિકામાં નવાજુનીના એંધાણ
સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ત્રણ વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે હાલ ચોટીલા ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ 14થી 15 જેટલાં સભ્યોને અજ્ઞાત સ્થળે લઇ ગયા છે. હાલ તેઓ રસ્તામાં હોવાના સમાચાર મળ્યા છે, અને એ લોકો સીધા ત્રણ વાગ્યે જ થાન ખાતે હાજર થશે. ત્યારે થાન નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં આ વખતે નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. મહિલા દિવસના પૂર્વે બોટાદ ભાજપે મહિલાઓને આપી ભેટ
બોટાદ નગરપાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ તમામ સમિતિના ચેરમેન મહિલાઓને બનાવવાનો નિર્ણય કરાયો છે. પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન જોટાણીયા, ઉપપ્રમુખ તરીકે નિરુબેન ત્રાસડીયા અને કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેનની ભાજપે નિમણૂક કરી છે. મહિલા દિવસના પૂર્વે બોટાદ ભાજપે મહિલાઓને એક રીતે ભેટ આપી છે. બોટાદ નગરપાલિકાની 44 બેઠકોમાંથી 41 બેઠકો ભાજપ અને 3 બેઠકો કોંગ્રેસે જીતી હતી. ગઢડા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મેરની નિમણૂક કરવામાં આવી છે. ગઢડા નગરપાલિકાના પ્રમુખની પસંદગીનું કોકડું ગૂંચવાયેલું હતું તે મોડી રાત્રે ઉકેલાયું હતું. ગઢડા નગરપાલિકા 28 બેઠકોમાંથી 18 બેઠકો પર ભાજપ અને 10 બેઠકો કોંગ્રેસે જીતી છે. મહિસાગર જિલ્લાની ત્રણેય નગરપાલિકાના પ્રમુખ જાહેર
નગરપાલિકાઓની ચૂંટણીમાં મહીસાગર જિલ્લાની લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. આજે ત્રણેય નગરપાલિકાઓના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ તરીકે ડૉ.કીર્તિ પટેલ, બાલાસિનોર નગરપાલિકાના પ્રમુખ તરીકે ગાયત્રીબેન ત્રિવેદી અને સંતરામપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે નિશાબેન મોદીની વરણી કરવામાં આવી છે. મનીષ પટેલ બન્યાં બીલીમોરા નગરપાલિકાના પ્રમુખ
પાલિકાના પ્રમુખ તરીકે સૌથી મજબૂત દાવેદાર એસટી ઉમેદવાર અને વોર્ડ નં. 6 ના ચૂંટાયેલા સભ્ય મનીષ પટેલનું નામ મોખરે છે. તેઓ ભાજપ પક્ષમાં સૌથી વધુ 1728 મતો મેળવી વિજેતા બન્યા છે.અને સ્વચ્છ છબી ધરાવે છે. યુવાન અને ITI સુધીનો અભ્યાસ કર્યો છે. અન્ય સભ્યોનું પીઠબળ પણ છે. બે ટર્મથી સભ્ય છે. સૌથી પહેલા જાણી લઈએ કે, કેવી રીતે થાય છે નગરપાલિકાના પ્રમુખપદની વરણી?
પહેલું સ્ટેપ: નગર પાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નગરપાલિકાના કાઉન્સિલરો પૈકી રિઝવ બેઠકના કાઉન્સિલરો પ્રમુખપદ માટે જિલ્લા પક્ષના પ્રમુખ સમક્ષ દાવેદારી રજૂ કરવાની રહે છે. પક્ષના જિલ્લા પ્રમુખ દ્વારા શહેર કક્ષાએ દાવેદરોના નામની ચૂંટાયેલા સભ્યો અને પક્ષના જિલ્લાના આગ્રણીઓ તેમજ પક્ષના ચૂંટાયેલા સભ્યોના સેન્સ લે છે. બીજું સ્ટેપ: સેન્સ લઈને પ્રમુખ અને ઉપપ્રમુખનાં નામો પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવે છે. પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રદેશ કક્ષાના આગ્રણીઓ સાથે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનાં નામો ઉપર ચર્ચા કરવામાં આવે છે. આવેલાં નામો પૈકી એક નામ નક્કી કરી મેન્ડેટ તૈયાર કરવામાં આવે છે. ત્રીજું સ્ટેપ: નગરપાલિકાના વહીવટદાર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે સ્પેશિયલ સામાન્ય સભા બોલાવશે. આ સામાન્ય સભામાં નગરપાલિકાના તમામ કાઉન્સિલરોને બોલાવવામાં આવે છે. નગરપાલિકાના વહીવટદારની આગેવાનીમાં નગરપાલિકાના કાઉન્સિલરો પૈકી પ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે. બંને પક્ષના આગેવાનો પોતાના પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે ઉમેદવારોનાં નામ સાથે મેન્ડેટ નગરપાલિકાના વહીવટદારને બંધ કવરમાં આપવામાં આવે છે. બંને પક્ષના ઉમેદવારોનાં નામ ઉપર ખાસ સામાન્ય સભામાં કાઉન્સિલરો દ્વારા હાથ ઊંચો કરી મતદાન કરવામાં આવે છે. કાઉન્સિલરો પૈકી જેને સૌથી વધુ મતો મળે તે પક્ષના ઉમેદવારને આગામી 2.5 વર્ષ માટે નગરપાલિકાના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે.