વડનગર અને ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી બાદ હવે પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી માટે તૈયારીઓ શરૂ થઈ છે. વડનગર પાલિકામાં ભાજપને 28માંથી 26 બેઠકો મળી છે. અહીં પ્રમુખપદ માટે સામાન્ય સ્ત્રી અનામત બેઠક છે. આ પદ માટે નીતિકાબેન શાહ, હેતલબેન પટેલ અને કલ્પનાબેન પટેલના નામની ચર્ચા છે. વડનગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજે પાલિકા ખાતે ચૂંટણી યોજાશે. જિલ્લા પુરવઠા અધિકારીની હાજરીમાં બપોરે 3 વાગ્યે બેઠક મળશે. બીજી તરફ, ખેરાલુ પાલિકામાં ભાજપને 24માંથી 13 બેઠકો મળી છે. અહીં પ્રમુખપદ માટે સામાન્ય સ્ત્રી જનરલ બેઠક છે. આ પદ માટે નંદાબેન ભરતકુમાર બારોટ, આશાબેન રોહિતભાઈ પ્રજાપતિ, મોહિનીબેન વિશાલકુમાર પંડ્યા અને એકતાબેન રિકવેશકુમાર દેસાઈના નામની ચર્ચા છે. બંને પાલિકામાં પ્રમુખ તરીકે નિર્વિવાદ ચહેરાની પસંદગી કરવામાં આવશે. ઉપપ્રમુખ પદે યુવા ચહેરાને તક મળે તેવી શક્યતા છે. મહેસાણા ખાતે ગુરુવારે સવારે નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી.