લખનૌની એક કોર્ટે બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર 200 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુનાવણીમાં સતત ગેરહાજરી બદલ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM) કોર્ટે દંડ ફટકાર્યો છે. તેમજ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ 14 એપ્રિલ 2025ના રોજ કોર્ટમાં હાજર થાય, જો તેઓ આ તારીખે પણ હાજર નહીં થાય તો કડક કાર્યવાહી થઈ શકે છે. ફરિયાદી નૃપેન્દ્ર પાંડેના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ 17 ડિસેમ્બર, 2022 ના રોજ મહારાષ્ટ્રના અકોલામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે સાવરકરને ‘અંગ્રેજોના નોકર’ અને ‘પેન્શન લેનાર’ કહ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે આ નિવેદન સમાજમાં દ્વેષ અને નફરત ફેલાવવાના ઈરાદાથી આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પત્રકાર પરિષદમાં પહેલાથી તૈયાર કરેલા પત્રિકાઓનું પત્રકારો વચ્ચે વિતરણ કરવામાં આવ્યું હતું. આ નિવેદન બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 153(એ) અને 505 હેઠળ કેસ નોંધવાની માંગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, વકીલ પ્રાંશુ અગ્રવાલે રાહુલ ગાંધી વતી કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ મેળવવા માટે અરજી કરી હતી. આમાં તેમણે દલીલ કરી હતી કે રાહુલ ગાંધી હાલમાં લોકસભામાં વિપક્ષના નેતા છે. આજે (5 માર્ચ) એક વિદેશી મહાનુભાવ સાથે તેમની પૂર્વનિર્ધારિત મુલાકાત હતી. તેઓ અન્ય સત્તાવાર કામમાં વ્યસ્ત હોવાથી કોર્ટમાં હાજર રહી શક્યા નહીં. તે કોર્ટના આદેશોનો આદર કરે છે અને જાણી જોઈને કોર્ટમાં હાજર રહેવાનું ટાળવાનો પ્રયાસ કરી રહ્યા નથી. કોર્ટે કડક ચેતવણી આપી , 14 એપ્રિલે હાજર રહેવું ફરજિયાત કોર્ટે રાહુલ ગાંધીની ગેરહાજરીને હળવાશથી ન લીધી અને તેમને 200 રૂપિયાનો દંડ ફટકાર્યો અને 14 એપ્રિલ, 2025ના રોજ ફરજિયાત હાજર રહેવાનો આદેશ આપ્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો રાહુલ ગાંધી આગામી સુનાવણીમાં પણ ગેરહાજર રહે છે તો બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરી શકાય છે. લખનૌ બાદ રાહુલના વકીલ બરેલી કોર્ટ પહોંચ્યા રાહુલ ગાંધીના વકીલો પ્રિયાંશુ અગ્રવાલ અને યાસીર અબ્બાસી લખનૌ કોર્ટથી નીકળીને બરેલી પહોંચ્યા હતા. લખનૌ હાઈકોર્ટના બંને વકીલોએ બરેલીમાં વકીલાતનામું રજુ કર્યું. રાહુલ ગાંધીનું આધાર કાર્ડ પણ રજૂ કરવામાં આવ્યું હતું. સરકારી વકીલ અચિંત દ્વિવેદીએ આ વાતની પુષ્ટિ કરી છે. કોર્ટે કેસની આગામી સુનાવણી 2 એપ્રિલના રોજ નક્કી કરી છે. રાહુલ ગાંધી આ દિવસે કોર્ટમાં હાજર થઈ શકે છે. આ મામલો લોકસભા ચૂંટણીનો છે જ્યારે રાહુલ ગાંધીએ આર્થિક સર્વેક્ષણ દરમિયાન સંપત્તિના વિતરણ પર ટિપ્પણી કરી હતી. અખિલ ભારતીય હિન્દુ મહાસંઘ મંડળના પ્રમુખ પંકજ પાઠકે કોર્ટમાં અરજી કરી હતી અને દાવો કર્યો હતો કે આ નિવેદનથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે. પંકજ પાઠકે તેમના વકીલ અનિલ દ્વિવેદી દ્વારા જૂન 2024માં એમપી-એમએલએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી. કોર્ટે 27 ઓગસ્ટના રોજ આ ફરિયાદ ફગાવી દીધી હતી. આ પછી, પાઠકે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી, જેને કોર્ટે સ્વીકારી હતી.