વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચ 2025ના શુક્રવારના રોજ સુરત આવી રહ્યા છે. જેને લઈને સરકારી તંત્ર સાબદું થઈ ગયું છે. બીજી તરફ પોલીસ, પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ, રૂટની ચકાસણીમાં વ્યસ્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલા હેલીપેડ ખાતે આવશે. ત્યાંથી અંદાજે ત્રણ કિમી સુધીનો રોડ શો કરી લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ પહોંચવાના છે. તેમજ શુક્રવારની સાંજે અને શનિવારે સવારે મળીને 28 કિમીના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે પર્વત પાટિયા વિસ્તારમાં દોઢ કરોડના ખર્ચે ત્રણ જેટલા હેલીપેડ બનાવવામાં આવ્યા છે. PM મોદી જે હેલિકોપ્ટરમાં હેલીપેડ સુધી પહોંચશે તે હેલિકોપ્ટર સાથે રિહર્સલ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટર હેલીપેડ પર આવતાની સાથે જ આસપાસથી લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન મોદી 3 કિલોમીટરનો રોડ-શો કરશે
PM મોદી શુક્રવારે સાંજે 14 કિમી ગાડીમાં ફરશે અને શનિવારે સવારે 14 કિમીનો રૂટ ગાડીમાં કાપી એરપોર્ટથી નવસારી રવાના થશે. રૂટ ચકાસણી સાથે જ મળતી માહિતી મુજબ વડાપ્રધાન શુક્રવારે સવારે સુરત એરપોર્ટ આવ્યા બાદ હેલિકોપ્ટર મારફતે સેલવાસા જશે. સાંજે સેલવાસાથી હેલિકોપ્ટર મારફતે સુરતમાં પર્વત પાટિયા સ્થિત હેલીપેડ પહોંચશે. ત્યાંથી નીલગીરી ગ્રાઉન્ડ સુધીનો 3 કિમીનો રોડ-શો કરશે. PM મોદીના રોડ-શોને લઈને રસ્તાઓથી માંડીને ડિવાઈડર, લાઈટોથી માંડી તમામ સ્તરે બ્યૂટિફિકેશનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. તે પૂર્વે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સુરત શહેરના મેયર સહિતના પદાધિકારીઓએ PM મોદીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. PM મોદી નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે
શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરાશે. જોકે, તેમાં પહેલા રાજ્યના પુરવઠા મંત્રી, બાદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ
જાહેર કાર્યક્રમ પૂરો થયા બાદ PM મોદી 11 કિમીનું અંતર કાપી અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ 14 કિમીનું અંતર કાપી સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી નવસારી કાર્યક્રમ માટે રવાના થશે. સિટી અને BRTS બસના 22 રૂટ રદ કરાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ગોડાદરાથી નીલગીરી સર્કલ અને ત્યાર બાદ સર્કિટ હાઉસ તરફના રૂટ પરની સિટી બસ અને બીઆરટીએસ બસો રદ કરવામાં આવી છે. 7 માર્ચના દિવસે 22 જેટલા રૂટ બંધ રાખવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે. દોઢ કરોડના ખર્ચે હેલીપેડ બનાવાયું
વડાપ્રધાન મોદીનું હેલિકોપ્ટર પર્વત પાટિયા વિસ્તારમાં બનાવવામાં આવેલા હેલીપેડ ખાતે લેન્ડિંગ થશે. પર્વત પાટિયા વિસ્તારમાં દોઢ કરોડના ખર્ચે આ હેલીપેડ બનાવવામાં આવ્યું છે. અહીં અલગ અલગ ત્રણ હેલિકોપ્ટર ઉતરી શકે તેવો હેલીપેડ બનાવવામાં આવ્યું છે. પીએમ મોદી જે હેલિકોપ્ટરમાં આવશે તેની સાથે રિહર્સલ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટર હેલીપેડ ખાતે પહોંચતા જ આસપાસથી લોકો ઉભા રહી ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો હેલિકોપ્ટર જોવા માટે ઉમટી પડ્યા હતા. શહેરી વિસ્તાર ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર
આગામી 7 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે. અન્ય મહાનુભાવો પણ સુરત આવનાર છે. જે સંજોગોમાં વડાપ્રધાન અને મહાનુભાવોની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચે તે હેતુથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જાહેરનામું બહાર પાડીને સુરતના શહેરી વિસ્તારને ‘નો ડ્રોન ફલાય ઝોન’ જાહેર કર્યો છે. આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા કે કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંસાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ રહેશે. આ હુકમ તા. 7 માર્ત 2025ના 12:00 AMથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.