વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં લંડનમાં છે. તેમણે અહીં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પણ જ્યારે તેઓ આ કાર્યક્રમ પછી તરત જ પોતાની કાર તરફ આગળ વધ્યા, ત્યાં પહેલેથી જ વિરોધ કરી રહેલા ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ તેમને જોઈને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. બ્રિટન અને આયર્લેન્ડની છ દિવસની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે વિશ્વમાં ભારતના ઉદય અને ભૂમિકા પર એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કાશ્મીર, પારસ્પરિક ટેરિફ અને ટ્રમ્પની નીતિઓ જેવા મુદ્દાઓ પર ખુલીને વાત કરી. પણ આ કાર્યક્રમ પછી તે બિલ્ડિંગમાંથી બહાર આવતાની સાથે જ ત્યાં ખાલિસ્તાની ધ્વજ લઈને ત્યાં હાજર સમર્થકો પહેલાથી જ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જયશંકર પોતાની કાર તરફ આગળ વધ્યા કે તરત જ એક ખાલિસ્તાની પ્રદર્શનકારી દોડીને તેમની કારનો રસ્તો રોકી દીધો. આના પર ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓએ તે વ્યક્તિને ત્યાંથી દૂર ખસેડ્યો. દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લેન્ડની છ દિવસની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન, તેઓ સૌપ્રથમ લંડન પહોંચ્યા, જ્યાં તેઓ બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર અને વિદેશ પ્રધાન ડેવિડ લેમીને મળ્યા.