તેલંગાણાના નાગરકુર્નૂલમાં 22 ફેબ્રુઆરીના રોજ શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલની છત તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં છેલ્લા 13 દિવસથી 8 મજુરો ટનલમાં ફસાયેલા છે. તેમની બચવાની આશા ઓછી છે, જો કે શોધખોળ કામગીરી હજુ પણ ચાલુ છે. આ દુર્ઘટના મામલે એક ચોંકાવનારી વાત સામે આવી છે. ખરેખર, 5 વર્ષ પહેલાં 2020માં, એમ્બર ટેક એજી નામની કંપનીએ એક સર્વે હાથ ધર્યો હતો. રિપોર્ટમાં, જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડને ટનલમાં કેટલાક ફોલ્ટ ઝોન અને નબળા ખડકોને કારણે જોખમ અંગે ચેતવણી આપવામાં આવી હતી. ઈન્ડિયન એક્સપ્રેસે અહેવાલને ટાંકીને કહ્યું કે લગભગ 14 કિમી લાંબી આ ટનલના 13.88 કિમીથી 13.91 કિમીના પટમાં ખડકો નબળા હતા. આ વિસ્તાર પણ પાણીથી ભરાઈ ગયું હતું. અહીં જમીન ધસી પડવાનો પણ ભય હતો. કંપનીને રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જો કે, રાજ્ય સરકારના સિંચાઈ વિભાગને આ વાતની જાણ હતી કે નહીં તે સ્પષ્ટ નથી. અન્ય અહેવાલોમાં પણ ટનલમાં ખામીઓ દર્શાવવામાં આવી હતી 2020માં થયેલા બીજા એક અભ્યાસમાં ટનલમાં ખામીઓ સામે આવી હતી. અભ્યાસમાં જણાવાયું છે કે યોગ્ય ભૂ-તકનીકી તપાસ વિના ટનલ ખોદવામાં આવી હતી. આ વિસ્તાર ટાઇગર રિઝર્વ ફોરેસ્ટમાં આવે છે, તેથી જમીન ખોદવા અને તપાસ કરવાની મંજુરી આપવામાં આવી ન હતી. જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડનો સંપર્ક કરવામાં આવતા તેમણે આ અહેવાલની પુષ્ટિ કરી. પરંતુ વિગતવાર માહિતી આપવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે અમે આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી શકતા નથી. એમ્બરગ ટેક એજીએ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે રિપોર્ટ અને તેનો ડેટા ગુપ્ત છે. આ વિસ્તારમાં દુર્ઘટના થઈ હતી બચાવ કાર્યકરોના જણાવ્યા અનુસાર, ટનલનો એ જ ભાગ ધરાશાયી થયો છે જેને રિપોર્ટમાં ખતરનાક ગણાવવામાં આવ્યો હતો. રાહત કામગીરી સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે ટનલની છત લગભગ ત્રણ મીટર સુધી તૂટી પડી છે. ટનલમાં વારંવાર પાણી ભરાવાના કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. હાલમાં, 13.5 કિમી પછી કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે, જ્યાં ટનલ બોરિંગ મશીન અટવાઈ ગયું છે અને મજુરો ગુમ છે. સિંચાઈ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને આવા કોઈ અહેવાલની જાણ નથી. ટનલમાં રોબોટ્સ મોકલવાની તૈયારીઓ એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે 4 માર્ચે, હૈદરાબાદની એક રોબોટિક્સ કંપનીની ટીમે તપાસ કરી હતી કે શું રોબોટ ટનલની અંદર ઊંડે સુધી જઈને કામ કરી શકે છે કારણ કે ત્યાં ભેજનું પ્રમાણ ખૂબ હતું. કંપની ટૂંક સમયમાં આ અંગે પોતાનો જવાબ આપશે. અધિકારીના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં, જ્યારે ટનલ પ્રોજેક્ટ પર કામ ફરી શરૂ થશે, ત્યારે પ્રારંભિક નિરીક્ષણ અને ખડકોની માળખાકીય સ્થિરતા તપાસવા માટે રોબોટ્સનો ઉપયોગ કરી શકાય છે. બીજી તરફ, કેરળ પોલીસે બચાવ કામગીરીમાં મદદ માટે કેડેવર ડોગ મોકલ્યા છે. તેઓ કાટમાળ નીચે દટાયેલા મૃતદેહો શોધવામાં એક્સપર્ટ હોય છે. આ ડોગ્સ સાથે તેમના ટ્રેનર્સ પણ છે, જે બચાવ કામગીરીમાં મદદ કરશે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) એ કેરળ સરકારને તેમને મોકલવા કહ્યું હતું.