સૌરાષ્ટ્રના અગ્રણી ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાની અભૂતપૂર્વ આવકે નવો રેકોર્ડ સર્જ્યો છે. માત્ર એક જ દિવસમાં 80 હજાર ભારી મરચાની આવક નોંધાઈ છે. આ કારણે યાર્ડની બહાર 7થી 8 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જેને લઇ ડિરેક્ટરે ખેડૂતોને કહ્યું કે, અમારે પાસે મરચું રાખવાની જગ્યા નથી. આજના મરચાનો હિસાબ કરતા જ બે મહિના થઇ જશે, બે મહિના મરચું તડકામાં ખુલ્લામાં પડ્યું રહેશે તો બગડી જશે માટે તમે પાછા જાવ. 20 કિલોના ભાવ રૂપિયા 1000થી 2500
સૌરાષ્ટ્રમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં ગઈકાલે મરચાની આવક શરૂ કરી હતી, જેમાં એક જ દિવસમાં 70થી 80 હજાર ભારી મરચાની આવક જોવા મળી હતી. જેને કારણે યાર્ડ બહાર 7થી 8 કિલોમીટર મરચા ભરેલા વાહનની કતારો જોવા મળી હતી. ગોંડલ યાર્ડમાં બે દિવસ પહેલાં 2 લાખ ગુણી ધાણાની આવક થઈ હતી. જેને લઇને હાલ માર્કેટયાર્ડ પાસે મરચું ઉતારવાની જગ્યા નથી. હજુ ગોંડલ માર્કેટિંગયાર્ડની બહાર 200 જેટલા વાહન લાઈનમાં ઊભા છે. યાર્ડના સત્તાધીશોએ મરચા પાછા લઈ જવા ખેડૂતોને વિનંતી કરી છે. મરચાના હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 1000થી લઈને 2500 સુધીના જોવા મળ્યા હતા. માર્કેટ યાર્ડમાં મરચાની અઢળક આવક થતાં હાલ મરચાની આવક બંધ કરવામાં આવી છે. એક જ દિવસમાં મરચાની રેકોર્ડ 80 હજાર ભારીની આવક
ગોંડલ માર્કેટયાર્ડના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 70,000 બોરી અમારે ત્યાં આવી ગઈ છે. બે દિવસ પહેલાં બે લાખ બોરી ધાણાની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં હાલમાં જગ્યા ન હોવાના ખૂબ પ્રશ્નો છે. કારણ કે, આપણી પાસે 300 વીઘા જેવી જમીન છે, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી અહીંયા માલ બહુ જ આવે છે. ખેડૂતોને અમારા યાર્ડ ઉપર ખૂબ સારો ભરોસો છે. એવરેજ બધા કરતાં પાંચ-પચીસ રૂપિયા ઉંચો ભાવ મળતો હોય છે. ‘આપ અત્યારે આપના ઘરમાં જ મરચા રાખો’
તેમણે વધુમાં જાણાવ્યું કે, અમે એપીએમસીનો પારદર્શક વહીવટ ચલાવીએ છીએ. પારદર્શક વહીવટના કારણે ખેડૂતો અહીંયા માલ મોકલે છે, પરંતુ આજે અમારી સમસ્યા એ છે કે, હજુ 200થી 300 મરચા ભરેલા વાહનો બહાર રોડ પર ઉભા છે. હાલ અમારી પાસે જગ્યા નથી. મરચું એવી જણસી છે કે, તેમને હાલ ખુલ્લામાં મહિનો બે મહિના રાખો તો મરચું બગડી જાય. જેથી ખેડૂત મિત્રોને વિનંતી છે કે, આપ અત્યારે આપના ઘરમાં જ મરચા રાખો. ‘મરચું તડકામાં ખુલ્લામાં રહેવાના કારણે કલર જવાનો ચાન્સ રહેશે’
ગોંડલ માર્કેટયાર્ડના ડિરેક્ટરે કહ્યું કે, યાર્ડની બહાર બસો ખેડૂત ઊભા છે એમને પણ નમ્ર વિનંતી છે કે, 80,000 બોરી વેચાતા સામાન્ય રીતે અમે હિસાબ કરીએ છીએ તો હોળીની રજાઓ અને માર્ચ એન્ડિંગની રજાઓ બાદ કરતા લગભગ બે મહિના થશે. બે મહિના સુધી આપનું મરચું તડકામાં ખુલ્લામાં પડ્યું રહેશે. જેના કારણે મરચાના કલર જવાનો ચાન્સ રહેશે, બગડવાના ચાન્સ છે. એટલા માટે અત્યારે જે ખેડૂતો મરચા ભરીને બહાર ઉભા છે એ તમામ ખેડૂતોને વિનંતી છે કે, અત્યારે અમે હાલ એ મરચા લઈ શકવા સમર્થ નથી. ડિરેક્ટર પ્રફુલ ટોળીયાની ખેડૂતોને વિનંતી
ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયાએ ખેડૂત મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરી કે, અત્યારે તમે મરચું લઈને આવતા નહીં. કારણ કે, અત્યારે તમારો માલ પણ બગડશે અને વેચાશે પણ નહીં. કારણ કે, ખૂબ મરચાની આવક થઈ ગઈ છે. આ તકે તમામ ખેડૂતો પોતાનું મરચું પોતાના ઘરમાં રાખે અને અન્ય જગ્યાએ વેચવાનો પ્રયત્ન કરે, હાથે વેચી નાખી અથવા તો ચટણી બનાવીને ઘરમાં રાખે, ચટણી પણ વેચી શકાય. ‘દોઢથી બે મહિના સુધી વેચાય એટલા મરચા ઉપલબ્ધ’
ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયાએ જણાવ્યું હતું કે, એવા પણ ખેડૂતો છે કે, જે ચટણી બનાવીને ગામમાં નાના નાના બબ્બે કિલોના પેકિંગ વેચે. યાર્ડના સત્તાધીશ અને ડિરેક્ટર તરીકે હું અપીલ કરું છું કે, વધુ મરચું લઈ આવતા નહીં. દોઢથી બે મહિના સુધી મરચું વેચાય એટલા મરચા અહીંયા ઉપલબ્ધ થઈ ગયા છે. એટલા માટે કોઈ ખેડૂતો મરચા લઈને આવતા નહીં અને બહાર જે મિત્રો ઊભા છે એમને પણ વિનંતી કે અન્ય યાર્ડમાં અથવા તો કોઈ વેપારીઓને સીધા વેચી નાખો.