અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખાલપર-હઠીલાના સીમ વિસ્તારમાં રાનીપશુઓના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. આજે ગુરુવારે (6 માર્ચે)અહીં સાવજે બચકાં ભરેલો એક મૃતદેહ મળ્યો છે, જે નદીમભાઇ નઝીરભાઈ કુરેશી નામના વ્યક્તિનો હોવાનું પ્રાથમિક અનુમાન છે. મંગળવારે (4 માર્ચે) જાફરાબાદ અને ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામ નજીક વાડી વિસ્તારમાં ખેડૂત મંગાભાઈ બારૈયા મોડી સાંજે કામ કરી રહ્યા હતા, આ દરમિયાન અચાનક સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો અને તેમને ફાડી ખાધા હતા.
આ પણ વાંચો, મારણ કરી સિંહણ મૃત ખેડૂતની છાતી પર બેસી રહી વનવિભાગે ઘટનાની પુષ્ટિ કરી
ધારી ગીર પૂર્વ ડીસીએફ વિકાસ યાદવનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના બની છે, અમારી ટીમ ઘટના સ્થળે છે, તપાસ કરી રહી છે. કેવી રીતે ઘટના બની છે, તેની માહિતી આવે પછી વધારે કહું છું. સીમ વિસ્તારમાં બાઈક પડ્યું હતું
મૃતકના બાઈક અને ચપ્પલ સીમ વિસ્તારમાંથી મળી આવ્યા છે. બાઈક પાસે સિંહના પગના નિશાન પણ જોવા મળ્યા છે, જેનાથી આ ઘટના સિંહના હુમલાની હોવાનું સ્પષ્ટ થાય છે. વનવિભાગ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો, સિંહણ શિકાર પરથી કેમ ના હટી? માનવભક્ષી જનાવરને શું સજા થાય? વ્યક્તિ ખેતરમાં કેવી રીતે પહોંચ્યો તેની તપાસ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સિંહે આ વ્યક્તિ પર હુમલો કર્યો હતો, પરંતુ આ વ્યક્તિ ખેતર સીમ વિસ્તારમાં કેવી રીતે પહોંચી તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. સિંહોના વધતા હુમલાઓ અને માનવ મૃત્યુના બનાવોથી વનવિભાગમાં દોડધામ મચી છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. વનવિભાગ દ્વારા સાવજના આ વિસ્તારમાં વધતા જતા સંખ્યાબંધ હુમલાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. મંગળવારે ખેડૂતને સિંહણે ફાડી ખાધા
ઘટના અંગે મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામ નજીક વાડી વિસ્તારમાં ખેડૂત મંગાભાઈ બોઘાભાઈ બારૈયા મંગળવારે મોડી સાંજે કામ કરી રહ્યા હતા, આ દરમિયાન અચાનક સિંહણ આવી હતી અને જીવલેણ હુમલો કર્યો હતો. સિંહણે ખેડૂતનું પેટ ચીરી નાંખ્યું
ખેડૂત મંગાભાઈ બારૈયા પર અચાનક સિંહણે હુમલો કરતાં એમણે સિંહણને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, સિંહણ એટલી આક્રમક હતી કે ગણતરીની મિનિટોમાં સિંહણે મંગાભાઇનું પેટ ચીરી નાખ્યું હતું. આ ઘટનાની જાણ આજુબાજુના વાડીના ખેડૂતોને થતાં તેમણે તરત ગ્રામજનો અને વનવિભાગને આ અંગે જાણ કરી હતી. જેસીબી-ટ્રેક્ટરની મદદથી મૃતદેહ પરથી સિંહણને દુર કરાઇ
ઘટનાની જાણ થતાં જ વનવિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, સિંહણ એટલી ગુસ્સામાં હતી કે ખેડૂતની છાતી પર બેસી ગઇ હતી અને મૃતદેહ પરથી હટતી નહોતી. જેથી વનવિભાગની ટીમે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લઇ સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દુર કરી હતી. આ બાદ શેત્રુંજી ડિવિઝનના DCF જયંત પટેલ અને ACF વિરલસિંહ ચાવડાની આગેવાનીમાં વનવિભાગની ટીમે મેગા ઓપરેશન હાથ ધરી ટ્રાન્ક્વીલાઈઝર આપીને સિંહણને પાંજરે પૂરીને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી હતી. અંધારામાં બહાર નીકળો તો ટોર્ચ-લાકડી જોડે રાખો: DCF
આ અંગે DCF જયંત પટેલે જણાવ્યું કે, ગ્રામજનોએ ઘટનાની જાણ કરતાં જ અમારી ટીમ અહીં પહોંચી હતી. આ વિસ્તારમાં અગાઉથી સિંહણની અવરજવર હોવાની જાણ ગ્રામજનોએ વનવિભાગને કરી હતી. હાલ સિંહણને પકડી લેવામાં આવી છે. અમે આ વિસ્તારમાં અવરનેસ કાર્યક્રમ પણ કરીએ છીએ. લોકોને મારી અપીલ છે કે શક્ય હોય ત્યાં સુધી અંધારામાં બહાર જવાનું ટાળો અને જવું પડે તો સાથે ટોર્ચ અને લાકડી લઇને નીકળો અને જો સિંહ-સિંહણ કે દીપડા જેવાં વન્ય પ્રાણીઓ જોવા મળે તો વનવિભાગને જાણ કરો. સિંહે 7 વર્ષના માસૂમનું શરીર ચૂંથી નાખ્યું પંદરેક દિવસ અગાઉ પણ અમરેલીમાં સિંહએ સાત વર્ષના માસૂમનો શિકાર કર્યો હતો. સિંહનો હુમલો એટલો ભયાનક હતો કે માસૂમનું મોઢું અને હાથ-પગના ટુકડા ભેગા કરતાં વનવિભાગ થાક્યું હતું. અમરેલીના પાણિયા ગામમાં સવારે મૂળ મધ્યપ્રદેશના જાબુઆના અને પાણિયામાં રહેતા 7 વર્ષીય રાહુલ બારિયા નામનો માસૂમ અન્ય લોકો સાથે નદીકિનારે જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક સિંહ ત્યાં આવી ગયો હતો અને આ માસૂમ તેમજ અન્ય લોકો કંઈ સમજે તે પહેલાં સિંહ આ બાળકને પકડીને બાવળની ઝાડીઓ તરફ ઢસડી ગયો હતો. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…