વિવેકસિંહ રાજપૂત
અમદાવાદ આરટીઓમાં 2022થી 2024 સુધીમાં 2.60 લાખ લોકોએ કારના લાઈસન્સ ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યો હતો. આમાંથી 43,736 લોકો નાપાસ થયા હતા. નાપાસ થનારામાં 26,241 મહિલા અને 17,495 પુરુષનો સમાવેશ થાય છે. અર્થાત્ ડ્રાઈવિંગ ટેસ્ટમાં 60 ટકા મહિલા અને 40 ટકા પુરુષો નાપાસ થતા હોય છે. કેટલાક લોકો તો એવા છે જે પાંચથી છ વખત ટેસ્ટ આપ્યા પછી પણ પાસ થતા નથી. બોક્સ પાર્કિંગ નાપાસ થનારાઓ માટે સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત રિવર્સ પાર્કિંગ તેમજ ઢાળ પર 10 સેકન્ડ કાર ઊભી રાખી આગળ જવા દેવાનો નિયમ પણ લોકોને સૌથી વધુ કપરો લાગે છે. આ ત્રણ વર્ષમાં ડ્રાઈવિંગ ટેસ્ટમાં નાપાસ થનારાની સરેરાશ ટકાવારી 17 છે. ટુ-વ્હીલરના ડ્રાઈવિંગ ટેસ્ટમાં 80થી 90 ટકા લોકો પ્રથમ પ્રયાસમાં જ પાસ થઈ જાય છે. પરંતુ કારના ડ્રાઈવિંગ ટેસ્ટમાં પહેલી વખતમાં અંદાજે 40 ટકા લોકો જ પાસ થતા હોય છે. ટેસ્ટ ટ્રેકના આ આંકડા સુભાષબ્રિજ આરટીઓના છે. નાપાસ થવાના આ મુખ્ય કારણો… મોટાભાગનાની કાર સાઈડ પર મૂકેલા પોલને અડી જાય છે નિયત સમયમર્યાદામાં બોક્સ અને રિવર્સ પાર્કિંગ કરી શકાતું નથી.
મોટાભાગના લોકોથી સાઈડમાં રહેલા પોલ સાથે કાર અથડાઈ જાય છે
સમયમર્યાદામાં બોક્સ અને રિવર્સ પાર્કિંગ કરી શકાતું ન હોવાથી સમસ્યા સર્જાય છે. ઢાળ પર ટેસ્ટ આપતી વખતે મોટા ભાગના લોકોની કાર પાછી પડે છે. લોકો ચારેય ટાસ્ક પૂરો કર્યા વગર બહાર નીકળી જતા હોય છે. એન્ટ્રી પછી તરત ઢાળ આવતો હોવાથી કાર બંધ પડી જાય છે જેથી નિર્ધારિત સમયમાં ટાસ્ક પૂરો થતો નથી. ડ્રાઈવિંગ ટેસ્ટ વખતે ઈન્સ્ટ્રક્ટરની સૂચના છતાં લોકો ભૂલો કરે છે. 4 ટ્રાયલ આપ્યા, સાઈડના પોલને અડી જાય છે
છેલ્લા 4 વખતથી ડ્રાઈવિંગ ટેસ્ટમાં નાપાસ થતી નરોડાની યુવતીએ કહ્યું, ટેસ્ટ ટ્રેકની સાઈડમાં લગાવેલા પોલ સાથે કાર અથડાઈ જતી હોવાથી ફેલ થવું છું. આ ઉપરાંત નિયત સમયમર્યાદામાં ટાસ્ક પૂરા કરી શકાતા ન હોવાથી વારેવારે આવવું પડે છે. બોક્સ પાર્કિંગ મુશ્કેલ, છ ટ્રાયલ આપવા પડ્યા
વસ્ત્રાલનો યુવક 6 ટ્રાયલ આપવા છતાં પાસ થયો નથી. શરૂઆતના 3-4 ટ્રાયલમાં તો વિવિધ ભૂલ થયાનું સ્વીકાર્યું પણ છેલ્લા 2 ટ્રાયલમાં નાપાસનું કારણ સમજાતું નથી. બહાર ઊભેલા એજન્ટ કહે છે, પૈસા આપો તો તરત પાસ કરાવી દઈશ. લોકો પ્રેક્ટિસ કર્યા વગર ટેસ્ટ આપવા આવે છે… લોકો પ્રેક્ટિસ કર્યા વગર ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા આવી જતા હોય છે. હવે યૂટ્યૂબ પર પણ વીડિયો છે, તેના પરથી જોઈને પ્રેક્ટિસ કરીને આવે તો મુશ્કેલી પડે નહીં.ટેસ્ટની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. – જે.જે. પટેલ, આરટીઓ, અમદાવાદ