ગાંધીનગરના લીંબડીયા નર્મદા કેનાલ પાસે નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. એક એસયુવી કારે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા બે યુવકોના મોત નિપજ્યા છે. મૃતક યુવકોની ઓળખ ઉમેશ મીણા અને કિશોરભાઈ નાનજીભાઈ ધાંધલ્યા તરીકે થઈ છે. બંને યુવકો ઠક્કર ખમણ હાઉસમાં નોકરી કરતા હતા. તેઓ હિંમતનગર ખાતે નવી દુકાનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપીને એક્ટિવા પર પરત ફરી રહ્યા હતા. સાંજે છ વાગ્યાની આસપાસ લીંબડીયા નર્મદા પુલ પાસે પૂરઝડપે આવતી એસયુવી કારે એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે કાર પણ પલટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર લોકો વાહન મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસના મતે કારમાં સવાર લોકોને પણ ઈજાઓ થઈ હોવાની શક્યતા છે. ડભોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને યુવકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર થયેલા કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.