હાલમાં કેન્દ્ર સરકાર સાથે અનેક રાજ્યનો બજેટ આવ્યા છે. ગુજરાતમાં વર્ષ 2025-26ના 3.70 લાખ કરોડના બજેટમાંથી 38.93% એટલે કે 1.44 લાખ કરોડ જેન્ડર બજેટ માટે ફાળવાયા છે. આ મામલે ગુજરાતમાં દેશમાં પ્રથમ ક્રમે છે. મધ્ય પ્રદેશ 33% સાથે બીજું છે. જેન્ડર બજેટમાં બે પ્રકારની યોજનાઓ સામેલ હોય છે. કેટેગરી-Aમાં 100% ફંડ મહિલા સંબંધિત યોજના માટે ખર્ચ થાય છે. કેટેગરી-Bમાં એવી યોજનાઓ હોય છે જેમાં 30%થી 99% સુધી ખર્ચ મહિલાઓ માટે છે. રાજ્યના 2025-26ના બજેટમાં 10958 કરોડની 135 જેટલી યોજના-જાહેરાતોમાં 100% ખર્ચ મહિલાઓ માટે થશે. રાજ્યનું જેન્ડર બજેટ 2021-22માં 77 હજાર કરોડ હતું, તે 5 વર્ષમાં 87% વધીને 1.44 લાખ કરોડ રૂપિયા થયું છે. વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારનું બજેટ 50.65 લાખ કરોડનું છે. તેમાં 8.86% એટલે કે 4.49 લાખ કરોડ જેન્ડર બજેટ માટે ફાવવાયા છે. મહિલા બજેટમાં ટોપ-5 રાજ્ય
ગુજરાત 1.44 લાખ કરોડ રૂપિયા મધ્યપ્રદેશ 1.22 લાખ કરોડ રૂપિયા ઓડિશા 0.99 લાખ કરોડ રૂપિયા પ.બંગાળ 1.18 લાખ કરોડ રૂપિયા તમિલનાડુ 1.22 લાખ કરોડ રૂપિયા મુખ્ય 9 યોજના; 100% ખર્ચ નારી શક્તિ માટે | કેટેગરી-Aમાં 100% ફંડ મહિલા સંબંધિત યોજના માટે ખર્ચ થાય છે વર્કિંગ વુમન હોસ્ટેલઃ આર્થિક રીતે પગભર થવા નોકરી માટે શહેરમાં આવતી આદિવાસી મહિલા અને યુવતીઓ માટે 69 કરોડના ખર્ચે હોસ્ટેલનું નિર્માણ થશે.
નમો લક્ષ્મી યોજનાઃ 1250 કરોડની જોગવાઇ. સરકારી- ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.9 -10માં 5-5 હજાર, ધો.10 પાસ કર્યા બાદ 10 હજાર, ધો.11 -12માં 7500, ધો.12 પાસ કર્યા પછી 15 હજાર સ્કોલરશીપ.
માતૃશક્તિ યોજનાઃ 354 કરોડની જોગવાઇ. પ્રથમ વખતની સગર્ભા, માતાઓને બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી આંગણવાડીમાં માસિક 2 કિલો ચણા, 1 કિલો દાળ, 1 લિટર સીંગતેલની સહાય.
મિશન મંગલમઃ 128 કરોડની જોગવાઇ. ગરીબ પરિવારોને સખીમંડળો, સ્વસહાય જૂથોમાં સંગઠીત કરી તાલીમ અને માર્કેટીંગનું જોડાણ આપી કાયમી આજીવિકા પૂરી પાડવી.
નમો શ્રીઃ 506 કરોડની જોગવાઇ. આરોગ્ય- પોષણ માટે સગર્ભા, ધાત્રી માતાને માતૃ વંદના, જનની સુરક્ષા યોજનાના લાભ સાથે હપ્તાવાર પ્રસૂતિ વખતે 12 હજારની સહાય.
વ્હાલી દિકરીઃ દીકરીના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા 217 કરોડ. દૂધ સંજીવની યોજનામાં બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને દૂધ આપવા 133 કરોડની જોગવાઇ.
વિધવા પેન્શનઃ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં વિધવા બહેનોને આર્થિક મદદ માટે ડીબીટીના માધ્યમથી 3015 કરોડની જોગવાઇ.
આંગણવાડી વર્કરઃ આંગણવાડી વર્કર- હેલ્પર માટે 686 કરોડની જોગવાઇ. માતા યશોદા એવોર્ડમાં તાલુકા સ્તરે 11 હજારથી લઇ રાજ્યકક્ષાએ 61 હજાર સુધીના ઇનામ.
એલપીજી સહાયઃ ગરીબી રેખા નીચે જીવતી મહિલાના પરિવાર માટે નિઃશુલ્ક એલપીજી સિલિન્ડર કનેક્શન. કુલ 500 કરોડની જોગવાઇ. આ યોજનામાં 30%થી 99% ખર્ચ મહિલાઓ માટે
(સ્ત્રોત: ગુજરાત સરકારનો બજેટ દસ્તાવેજ) શિક્ષણઃ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ કુલ 7077 કરોડ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ માટે 1170 કરોડ, આશ્રમ શાળા માટે 527 કરોડની જોગવાઇ.
શહેર-સુરક્ષા-આવાસઃ પોલીસ પાછળ 9895 કરોડ, પંચાયત વિકાસ માટે 2604 કરોડ, આવાસ યોજનાઓ માટે 7700 કરોડની જોગવાઇ.
આરોગ્યઃ મા યોજનામાં 3400 કરોડ, પીએમ પોષણ અને પૌષ્ટિક અલ્પાહાર માટે 1900 કરોડ, પ્રાયમરી -કમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે 1500 કરોડની જોગવાઇ.