આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, ત્યારે આજે વાત કરવી છે એવા મહિલાની જેમના કારણે આજે ગુજરાતના લાખો બાળકો ગુડ ટચ અને બેડ ટચને સમજતા થયા છે. તેનો શ્રેય જાય છે મહિલા IPS અધિકારી સરોજ કુમારીને… વર્ષ-2018માં તેમણે વડોદરામાં ‘સમજ સ્પર્શ’ અભિયાન શરૂ કર્યું. આ અભિયાન માત્ર વડોદરા પૂરતું ન રહ્યું અને સમગ્ર ગુજરાતમાં અભિયાન આજે ચાલી રહ્યું છે. આજે ગુડ ટચ અને બેડ ટચની ચર્ચા આખા દેશમાં છેડાઈ ગઈ છે અને તેના કારણે હવે બાળકો પોતાની સાથે થતા સેક્સ્યુઅલ હેરેસ્ટમેન્ટ અંગે ફરિયાદ કરતા હવે ખચકાતા નથી. મહિલાઓ બાળપણમાં આ વસ્તુ ફેસ કરે છેઃ સરોજ કુમારી
ગુડ ટચ અને બેડ ટચ અંગે તમને ક્યારે એવું લાગ્યું કે, બાળકીઓને આ જાણવું જરૂરી છે, તેવા સવાલના જવાબમાં વડોદરા ડિવિઝન પશ્ચિમ રેલવેના પોલીસ અધિક્ષક સરોજ કુમારીએ જણાવ્યું હતું કે, મહિલા જ્યારે બાળકી હોય છે, ત્યારે બાળપણમાં આ વસ્તુને ફેસ કરતી હોય છે. તમારી આસપાસ આ પ્રકારની વસ્તુઓ થતી હોય છે. ક્યારેક તમારી ફ્રેન્ડ સાથે આવું થતું હોય છે, જેથી તમને તે અંગે કહે છે કે, તેની સાથે આવું કઈ થયું છે. જેથી તમારા મગજમાં બાળપણથી આ બધું હોય છે. સુરતની ઘટના બાદ અભિયાનનો ખ્યાલ આવ્યો
શરૂઆતમાં હું સુરત રૂરલમાં ASP તરીકે કામ કરતી હતી, તે સમયે ઓલપાડમાં એક ઘટના બની હતી. જેમાં બાળકીઓ સ્કૂલ વાનમાં બેસીને સ્કૂલે આવતી હતી. જેમાં વાનનો ડ્રાઇવર ગાડી ફૂલ સ્પીડે ચલાવતો હતો અને અચાનક બ્રેક મારતો હતો. જેથી બાળકીઓ તેની આજુબાજુમાં અને તેની ઉપર આવીને પડી જતી હતી. આ સમયે ડ્રાઇવર બાળકોને ટચ કરતો હતો. ઘણા સમય સુધી બાળકીઓ આ બધું સહન કરતી હતી. છેવટે બાળકીઓથી સહન ન થતા ખૂબ મોડે મોડે તેઓએ પોતાના વાલીઓને આ વાત કરી હતી. જેથી મને લાગ્યું કે, બાળકીઓને પોતાના પેરેન્ટ્સને વાત કરવામાં આટલો સમય કેમ લાગે છે? બાળકીઓ સાથે આ પ્રકારની ઘટના બની રહી છે તો તેઓ પોતાના પેરેન્ટ્સને બાદ કેમ નથી કરી શકતી? જેથી મને લાગ્યું કે આ વિશે કંઈક શરૂઆત કરવી જોઈએ અને તેની શરૂઆત કઈક અલગ રીતે કરવી જોઈએ. કારણ કે, આ વાત માત્ર ગુડ ટચ બેડ ટચની નથી, આ વાત તેનાથી પણ આગળની છે. ‘સમજ સ્પર્શ’ નામથી વડોદરાથી અભિયાન શરૂ કર્યું
આ બાળકોની સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો મુદ્દો છે, તેથી અમે આ અભિયાનનું નામ ‘સમજ સ્પર્શ’ પણ આપ્યું હતું. કારણ કે, બાળકોને સ્પર્શ તો જોઈએ છે, પરંતુ કયો સ્પર્શ તેને નથી જોઈતો. આ વાત માત્ર બાળકોને નહીં પરંતુ વાલીઓને અને શિક્ષકોને પણ ખબર હોવી જોઈએ. કારણ કે, શિક્ષકો અને વાલીઓ બંને બાળકની જિંદગી સાથે જોડાયેલા હોય છે. બાળકનો સૌથી વધુ સમય ઘરે અને સ્કૂલમાં જાય છે. જેને ધ્યાનમાં રાખીને મેં ડિટેઈલ અને આયોજન પૂર્વક સમજ સ્પર્શ વિરુદ્ધ સેક્સ્યુઅલ હેરસ્ટમેન્ટનું પ્લાનિંગ કર્યું. જેમાં બાળકો અને બાળકીઓ બંને માટેની વાત હતી. કારણ કે અત્યારે બંને સાથે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. અલગ-અલગ ટીમો બનાવી ટ્રેનિંગ અપાઈ
આ અભિયાનમાં અમે ટીચર અને પેરેન્ટ્સ બંનેને સાથે રાખ્યા. હું જ્યારે વર્ષ 2018માં વડોદરામાં ડીસીપી ઝોન- 4 હતી, ત્યારે અમે એક નોડલ ટીમ બનાવી હતી. આ સમયે હું મહિલા પોલીસ સ્ટેશનનું પણ કામ જોતી હતી. જેથી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ અને પી.એસ.આઇની સાથે 12 સભ્યોની નોડેલ ટીમ બનાવી હતી. ત્યારબાદ અમે દરેક પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની ટીમો બનાવી હતી. જેને અમે નિર્ભયા ટીમ નામ આપ્યું હતું. આ ઉપરાંત સમજ સ્પર્શ પણ નામ આપ્યું હતું અને ટીમોને અમે ટ્રેનિંગ આપી હતી. ત્યારબાદ અમે આ ટીમોને વડોદરાની દરેક સ્કૂલમાં મોકલ્યા, વડોદરાની મોટાભાગની સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોને અમે આ પ્રોજેક્ટમાં કવર કરી હતી. સ્કૂલ સુધી જઈ બાળકોને સરળ રીતે ગુડ ટચ અને બેડ ટચની સમજ આપી
સ્કૂલોમાં બાળકો સુધી આ વાત કેવી રીતે પહોંચાડવી, તેના માટે પણ અમે ખૂબ રિસર્ચ કર્યું હતું. કારણ કે, શિક્ષકો અને વાલીઓમાં આ બાબત બાળકો સુધી પહોંચાડવા માટે ખચકાટ પણ ન થવો જોઈએ. જેના માટે આ વાતને ખૂબ સરળ બનાવી હતી. જેના માટે અમે આ ટીમ સાથે એક સાયકોલોજિસ્ટને પણ સાથે રાખ્યા હતા. આ ટીમો સ્કૂલ જઈને બાળકોને ખૂબ જ સરળ રીતે જણાવતી કે, આ સ્પર્શ ખરાબ છે અને કોઈ ખરાબ સ્પર્શ કરે હોય તો શું કરવું? પહેલા સ્ટેજમાં જ બાળકોએ ના કહી દેવું. જ્યારે બાળક ના પાડી દે, તેનો પણ ખૂબ ફરક પડે છે. બાળકો પોતાની સાથે થયેલી ઘટના લખીને આપતા
તેમને આ સમજણ આપ્યા બાદ અમે તેમને એક પેપર આપતા હતા. આ પેપરમાં તમે લખો કે તમારી સાથે ક્યારેય પણ આવું કંઈ થયું છે. બાળકો અમને તેમની સાથે બનેલી ઘટના અંગે લખીને આપતા હતા અને પછી એને અમે તેનો અભ્યાસ કરતા હતા. પછી અમે સાયકોલોજિસ્ટની ટીમ સાથે ચર્ચા કરીને બાળકના માતા-પિતાને બોલાવતા હતા અને તમે કાઉન્સિલિંગ કરતા હતા, જેથી કરીને બાળક એ સદમામાંથી બહાર નીકળે. હવે સતત ત્રણ વર્ષ કરતાં વધુ સમય સુધી આ અભિયાન ચલાવ્યું હતું, જેમાં 50,000 કરતાં પણ વધારે બાળકોને અમે સમજ સ્પર્શ અંગે જાગૃત કર્યા હતા. ત્યારબાદ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની ટીમો અમારી પાસે આવી હતી. તેઓને તમે તાલીમ આપી હતી અને અમારી પાસે જે લીટરેચર હતો તે પણ તેમને આપ્યું હતું. ત્યારબાદ અમે સમજ સ્પર્શની એક પાઠશાળા પણ શરૂ કરી હતી. જેમાં અમે બાળકોને રોજ ઓનલાઇન કોઈ વિષય પર સમજ આપતા હતા. અત્યારે પણ મને ઘણા લોકો આવીને કહે છે કે, કોઈ જગ્યાએ કોઈ બાળકે પોતાના પેરેન્ટ્સને બેડ ટચ અંગે વાત કરી છે. આ સાંભળીને અમને ખુશી થાય છે કે, મારા અભિયાનનું સારું પરિણામ મળી રહ્યું છે. આજે સમગ્ર ગુજરાતમાં શી ટીમ કાર્યરત થઈ
આ ઉપરાંત મહિલા આયોગ દ્વારા કવચ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું અને તેઓએ અમારી ટીમને નોડલ ટીમ તરીકે બનાવી. આ ટીમ સ્કૂલમાં જઈને ધોરણ 11 અને 12ની વિદ્યાર્થિનીઓને જાણકારી આપે છે. જેથી કરીને ભવિષ્ય માટે તેઓ ખૂબ જાગૃત બને અને આજે સમગ્ર ગુજરાતમાં શી ટીમ આ કામગીરી કરે છે. વડોદરા શહેરમાં IPS સરોજ કુમારીએ ગુડ ટચ અને બેડ ટચ અંગે જે સમજ સ્પર્શ અભિયાન શરૂ કર્યું હતું, એના સારા પરિણામો એ સમયે જ મળવાના શરૂ થઈ ગયા હતા. અનેક બાળકીઓ પોતાની થતા સેક્સ્યુઅલ હેરસ્ટમેન્ટ અંગે સામે ચાલીને ફરિયાદ કરતી થઈ અને પોતાના વાલીઓને આ અંગે વાત કરતા થઈ હતી. ગુડ ટચ-બેડ ટચના અભિયાનને કારણે 3 બાળકીની જિંદગી બચી ગઈ
વડોદરાના માણેજા વિસ્તારના એક કોમ્પ્લેક્સમાં રહેતો રજનિકાન્ત મહાંતો તેની પાડોશમાં અને કોમ્પલેક્સમાં રહેતી ત્રણ માસૂમ બાળકીને છેલ્લા ઘણા સમયથી તે પોતાની હવસનો શિકાર બનાવી રહ્યો હતો. રાજનિકાન્ત બાળકીને ચોકલેટ, આઇસક્રીમ ખવડાવવાના બહાને પોતાના ઘરના બેડરૂમમાં લઈ જઈ મોબાઇલમાં અશ્લીલ વીડિયો અને ફોટો જોઇ તેનાં ગુપ્તાંગો પર હાથ ફેરવી શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચરતો હતો. ત્યારબાદ કોઈને આ અંગે કહીશ તો જાનથી મારી નાખવાની તેને ધમકી આપતો હતો. આ કોમ્પ્લેક્સમાં ઘરે ટ્યૂશન કરાવતાં મેડમ બાળકોને ‘ગુડ ટચ- બેડ ટચ’ વિશે સમજ આપી રહ્યાં હતાં. ત્યારે ત્રણ પૈકીની એક બાળકી અચાનક રડવા માંડી હતી, જેથી મેડમે તેને રડવાનું કારણ પૂછતાં તેણે કહ્યું, પેલા અંકલ તો રોજ મારી સાથે આવું બધું કરે છે. આને ‘ગુડ ટચ- બેડ ટચ’ કહેવાય એવું તો મને ખબર જ નથી. આટલું સાંભળતાં મેડમના પણ હોંશ ઊડી ગયા હતા, જેથી તેમણે આ બાબતે બાળકીના પરિવારને જાણ કરી હતી. આ બાબતની જાણ થતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને સમગ્ર મામલો મકરપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં બાળકીનાં માતા-પિતાએ આ મામલે રજનિકાન્ત સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ગુડ ટચ-બેડ ટચના અભિયાનને કારણે ત્રણ બાળકીની જિંદગી બચી ગઈ હતી. સરોજ કુમારીને વુમન આઇકોન એવોર્ડ 2019 મળ્યો હતો
ગુડ ટચ અને બેડ ટચ વિશે બાળકો, વાલીઓ અને શિક્ષકોને ‘સમજ સ્પર્શ’ની અભિયાનની શરૂઆત કરનાર IPS સરોજ કુમારીને વુમન આઇકોન એવોર્ડ 2019 ચેન્નાઇ ખાતે તામિલનાડુના ગવર્નર થીરુ બનવારીલાલ પુરોહિતના હસ્તે સરોજ કુમારીને એવોર્ડ આપવામાં આવશે. પ્રેરણાત્મક, સક્ષમ, ઉત્કૃષ્ટ અને ઉમદા કાર્ય બદલ મહિલાઓને આપવામાં આવતા ગ્લોબલ એવોર્ડની 12 કેટેગરીમાંથી વુમન ઈન યુનિફોર્મ કેટેગરી માટે ડી.સી.પી. સરોજ કુમારીની પસંદગી થઇ હતી. આ ઉપરાંત કોરોના મહામારી તેમજ લોકડાઉનમાં સુરતમાં પ્રશંસનીય કામગીરી બદલ સરોજકુમારીને નવી દિલ્હી ખાતે ‘મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.