ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. 6 માર્ચની મોડીરાત્રે 8 સિનિયર મેડિકલ વિદ્યાર્થીએ 3 જુનિયર વિદ્યાર્થીનું અપહરણ કરી રેગિંગ કર્યું હતું. આરોપી સિનિયર વિદ્યાર્થીઓએ ત્રણેય જુનિયર વિદ્યાર્થીઓને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેમની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આરોપીઓએ પીડિત વિદ્યાર્થીઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. પીડિત જુનિયર ડોક્ટરોએ સિનિયર્સ ડોક્ટર બલભદ્રસિંહ ગોહિલ, ડો. મિલન કાક્લોતર, ડો. નરેશ ચૌધરી, ડો મન પટેલ, ડો. પીયૂષ ચૌહાણ અને બે અજાણ્યા ઈસમો જેડી અને કાનો દ્વારા રેગિંગ કરી ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ત્રણેય પીડિત વિદ્યાર્થીને સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયા
ગંભીર ઈજાઓને કારણે ત્રણેય પીડિત વિદ્યાર્થીઓને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિત વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજના ડીનને લેખિત ફરિયાદ કરી ન્યાયની માગ કરી છે, જોકે હાલમાં પોલીસ હોસ્પિટલ પહોંચી છે અને અરજીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ મેડિકલ કોલેજના વાતાવરણમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. રેગિંગ જેવી ગંભીર સમસ્યા સામે કડક પગલાં લેવાની માગ ઊઠી છે. આખી રાત મને અને મારા મિત્રને મારતા રહ્યા: ડોક્ટર રમન જોષી
પીડિત ડોક્ટર રમન જોષીએ જણાવ્યું હતું કે એ લોકો રાત્રે 2 વાગ્યાની આસપાસ આવ્યા અને મને ખેંચીને તેમના રૂમમાં લઈ ગયા. ત્યાં પહેલાંથી જ તેમના બે મિત્રો હતા. પછી મને લાફા મારવાનું શરૂ કર્યું. મારાં ચશ્માં પાડી નાખ્યાં અને સતત મારવાનું શરૂ કર્યું. ત્યાર બાદ અન્ય એક સિનિયર ડોક્ટર આવ્યા અને મને ઊભો કરીને માર માર્યો અને ગાળો બોલવા લાગ્યા. મને કૂકડો બનવીને નીચે બેસાડી દીધો. તે બધા મનફાવે તેમ અમને મારતા હતા અને ધમકીઓ આપી કે ભાવનગરમાં જ્યાં પણ દેખાયો ત્યાં મારવા લઈશ. ‘અમારી પાસે બોલી ના શકાય એવા શબ્દો અને વસ્તુઓ કરાવી’
અન્ય એક પીડિત ડોક્ટર ઈશાન કોઠકે જણાવ્યું હતું કે 6 તારીખે રાત્રે 10:30ની આસપાસ મારા મિત્રએ મને ફોન કરીને બોલાવ્યો હતો. જ્યાં અમારા એક સિનિયર ડોક્ટર પહેલાંથી જ હાજર હતા. ત્યાર બાદ અમને ગાડીમાં જબરદસ્તી બેસાડ્યા. મને ગાડીમાં જ 30 મિનિટ સુધી માર મારતા રહ્યાં. ત્યારબાદ એક સૂમસામ જગ્યાએ લઈ ગયા હતા. તેઓ ગાંજો પણ પીતા હતા. અમારી પાસે ના બોલી શકાય એવા શબ્દો અને વસ્તુઓ કરાવી છે. ત્યાર બાદ અમારા વીડિયો પણ બનાવ્યા હતા. અમને 10:30થી લઈ રાત્રે 2 વાગ્યા સુધી માર્યા. પછી અમને હોસ્ટેલ લઈ જઈ અમારા એક મિત્રને પણ માર માર્યો હતો. આ બધું રાત્રે 3 વાગ્યા સુધી ચાલ્યું હતું. આમાં કુલ આઠેક લોકો હતા. આ શરમ જનક વાત છે, અમે ઇન્વેસ્ટિંગ કરીશું: કોલેજ ડીન
આ અંગે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરના ડીન સુશીલ ઝાએ જણાવ્યું હતું કે મને કાલે બપોરે આ ઘટનાની ખબર પડી હતી. જે સ્ટુડન્ટ્સને ચોટ લાગી છે તેમને મળવા આવ્યા હતા અને કાલે સાંજે પણ રિટર્ન ફરિયાદ કરી હતી. ગઈકાલે ટ્રાઈ કરી કે એન્ટી રેગિંગ કમિટી બોલાવે. બધાને અનુકૂળ ન હોવાને કારણે આજે બપોરે 1:30 વાગે ડીન ઓફિસમાં એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે. મારવાવાળા પણ એના બેંચના જ છે, આ અંગે હોસ્પિટલમાં ત્રણેયને એડમિટ કર્યા છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે. નશાકારક વસ્તુનું સેવન કરવા બાબતે પૂછતાં જણાવ્યું હતું કે શરમજનક વાત છે, પણ અમે આનું ઇન્વેસ્ટિગ કરીશું ત્યારે જ ખબર પડશે.