બગવાડાની પ્રવાસનધામ તરીકે ઓળખ ઊભી થશે ઐતિહાસિક ગામ એટલે બગવાડા.ખોબા જેવડા આ ગામમાં વરસો જૂની સંસ્કૃતિ હજી ધબકે છે. આ ગામને તમે મંદિરોના ગામ તરીકે પણ ઓળખી શકો. જાજરમાન અર્જુનગઢ કિલ્લાની તળેટીમાં વસેલા આ ગામનો વિકાસ આંખે ઊડીને વળગે તેવો છે. પ્રાકૃતિક તેમજ સાંસ્કૃતિક વિરાસતને આજેપણ અકબંધ જાળવી રાખવા પાછળ અંહીના પાઠક પરિવારનો સિંહફાળો રહયો છે.પાઠક પરિવારના રમાશંકર જગન્નાથ પાઠક 30 વર્ષ સરપંચ પદે રહયા હતા. બગવાડા ગામમાં અંગત રૂચિ રાખી પ્રસિધ્ધ ઈતિહાસકાર અને પુરાતત્વવિત આર.એન.મહેતા અને નિવૃત આચાર્ય પ્રો.બી.એન.જોષીએ બગવાડા ગામની મુલાકાત લઇ તેના ગુપ્તકાળના અવશેષોની માહિતી ઉજાગર કરી છે.અંહીના મંદિરો ગૂંબજ આકારના છે.જે પીએચડીના વિદ્યાર્થીઓ માટે મહાનિબંધનો વિષય બની શકે તેવા છે. કારણ કે અહીના દરેક પૌરાણિક મંદિરોનો એક અલગ જ ઇતિહાસ છે. ભૌગોલિક પરિસ્થિતિ અને પૌરાણિક મંદિરોના ઇતિહાસને ધ્યાનમા રાખી બગવાડાને યાત્રા-પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટેની રજૂઆતને ધ્યાનમાં લઈ નાણામંત્રી કનુભાઇ દેસાઇએ અંગત રસ દાખવી સ્પેશિયલ કેસમાં સરકારમાંથી બગવાડા માટે રૂ.3.70 કરોડની ગ્રાન્ટને મંજુર કરવા માટે અથાગ પ્રયાસો કર્યા હતાં.જેના ફળ સ્વરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વાપી ખાતે બગવાડાના મંદિરોના નવિનીકરણની જાહેરાત કરી હતી.હવે આગામી સમયમાં બગવાડાની યાત્રા-પ્રવાસન ધામ તરીકે એક અલગ જ ઓળખ ઊભી થશે અને એનો સમગ્ર યશ નાણામંત્રી કનુભાઇ દેસાઇને જાય છે અને એ માટે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ.> જવાહર પાઠક, ઉપસરપંચ, બગવાડા કેતન ભટ્ટ | વાપી વલસાડ જિલ્લામાં પારનેરા,કિલ્લા પારડી તથા વાપી નજીકના બગવાડા સહિતના સ્થળોએ પેશ્વાઈકાળનો વારસો જોવા મળે છે,ત્યારે પેશ્વાઈ પરગણાની સાથે તિર્થધામ તરીકે પ્રચલિત વાપી નજીકના બગવાડામા 11 પૌરાણિક મંદિરોનો જીણોધ્ધારનું કામ નાણામંત્રી કનુભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ પૂરજોશમા ચાલી રહ્યુ છે.બગવાડાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે મુખ્યમંત્રીએ- નાણામંત્રીએ 3.70 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરી હતી. જે કામ હાલ ચાલુ છે. વાપી નજીક બગવાડામાં ગુપ્ત કાલીન અને પેશ્વાઇ યુગના મંદિરોનો સમાવેશ થાય છે. ઐતિહાસિક અર્જુનગઢના ડુંગરની તળેટીમાં ઔલોકીક અને સ્વયંભૂ અંબામાતાનું મંદિર તથા કોલક નદીના ઉત્તર કાંઠે પૂર્વાભિમુખ સિધ્ધનાથ મહાદેવ મંદિર કે જે ગુપ્ત કાલીન એટલે કે આશરે 1450 વર્ષ પૌરાણીક છે એ મંદિરો લોકોની આસ્થાનું પ્રતિક છે. આ સાથે બગવાડા ગામમાં એક 114 વર્ષ પ્રાચિન જૈન મંદિર પણ આવેલુ છે. અનેક મંદિરોના કારણે આ ગામને યાત્રા-પ્રવાસન ધામ તરીકે વિકસાવવા ગામના ઉપસરપંચ જવાહરભાઇ પાઠકે ગુજરાતના નાણામંત્રી- પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ વાપી પુરૂષ અધ્યાપન મંદિરના ગ્રાઉન્ડ પર વર્ષ 2023ની 15મી ઓગષ્ટે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે બગવાડાના 11 પૌરાણિક મંદિરોના નવિનીકરણ માટે રૂ. 3.70 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરી હતી. જે માટે નાણામંત્રી કનુભાઇ દેસાઇએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇનો આભાર વ્યક્ત કર્યો હતો. 23 જુન 2024માં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ મંદિરોના નવિનીકરણ કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. પૈશ્વાઇ સમયના મંદિરોના જીણોધ્ધારની કામગીરી ચાલુ છે. બગવાડામાં અંબામાતાજી મંદિર, સિધ્ધનાથ મહાદેવ મંદિર, ભગવાન અજિતનાથ જૈન મંદિર, વિઠોબા મંદિર, કેદારનાથ મહાદેવ મંદિર, સોમનાથ મહાદેવ મંદિર, ગણપતિ મંદિર, લક્ષ્મી નારાયણ મંદિર, હનુમાન મંદિર, આગિયા વેતાળ મંદિર અને મહાલક્ષ્મી મંદિર તથા બાલકૃષ્ણ મંદિર આવેલા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલિન સચિવ આર. આર. રાવલે પણ બગવાડા આવી મંદિરોની મુલાકાત લીધી હતી.