ભદ્રેશ નાયક | નવસારી નવસારી જિલ્લામાં એક જ દિવસના 100 યા 200 નહી પણ 1100 જગ્યાએ જળસંચયના કામો કરી એકરીતે સ્થાનિક જળક્રાંતિનો રેકર્ડ કરવામાં આવ્યો છે. જિલ્લાના 77 ગામોમાં વિવિધ સ્થળોએ આ કામ કરવામાં આવ્યું છે. નવસારીના સાંસદ સી આર પાટીલ કેન્દ્ર સરકારમાં જળશક્તિ મંત્રી બન્યા બાદ આમ તો સમગ્ર દેશમાં જળસંચયનું કામ થાય તે માટે હાકલ કરી છે પણ વધુ ભાર પ્રથમ તો એમણે પોતાના નવસારી જિલ્લામાં મૂક્યો છે અને કામગીરી શરૂ પણ કરી છે.આમ તો આ માટે અનેક લેવલે કામ કરવાના આદેશ થયા છે પણ એક મોટી અને મહત્વની કામગીરી માત્ર એક જ દિવસમાં કરવામાં આવી છે. આ કામગીરી 7 માર્ચ બપોરથી 8 માર્ચ બપોર સુધીના 24 કલાક દરમિયાન નવસારી જિલ્લામાં 1100 જગ્યાએ જળસંચય સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના 77 ગામોમાં એક જ દિવસે આ કામગીરી કરવામાં આવી ,જેના થકી વરસાદી પાણીનો બગાડ નહી પણ ઉપયોગ થઈ શકે. આ માટે મહત્વની બાબત એ પણ છે કે આ કામમાં જનભાગીદારી પણ ઉપયોગી બની છે. આમ તો ચોક્કસ ખર્ચ તો કહી શકાય નહી પણ એક સ્ટ્રક્ચર બનાવવા 4300 રૂપિયા ખર્ચ થતો હોય કુલ ખર્ચ 47 લાખ થવાનો અંદાજ છે. વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરતા શુદ્ધ પાણી પણ મળી શકે હાલના સમયમાં નદી, તળાવ જેવા સરફેશ વોટર બગડી ગયા છે યા પ્રદૂષિત થઇ ગયા છે ત્યારે લોકોને પીવા તથા ઉપયોગ માટે ભૂગર્ભ જળ મહત્વનું બની ગયું છે. જોકે, જે પ્રમાણમાં ભૂગર્ભ જળ જમીનમાં ઉતરે છે તેની સામે અનેક ગણુ દર વર્ષે ઉલેચાઇ જતા ભૂગર્ભ જળનું પ્રમાણ સતત નીચે ઉતરી રહ્યું છે. ભૂગર્ભ જળ ઘટતા દરિયાઇ ખારાશ પણ જમીનમાં આગળ વધી રહી છે. આ તમામ કારણોને જોતા વરસાદી પાણી (કે જે શુદ્ધ હોય છે ) તેને દરિયામાં વહી જતુ અટકાવવુ જ રહ્યું. હાલના દિવસોમાં વોટર હાર્વેસ્ટિંગનું કામ જે શરૂ થયું છે. તે આવકારદાયક છે પરંતુ જળસંચયની કામગીરી હવે તો થોડી નહીં પરંતુ વિશાળ પાયે આરંભવી જોઇએ નહીં તો આવનારા સમયમાં પરિણામ ખરાબ ભોગવવાના રહેશે. > ડો. જયેશ નાયક, પર્યાવરણ વિદ, ખખવાડા આગામી સમયમાં વધુ કામો કરાશે હાલ તો નવસારીના સાંસદ સી.આર.પાટીલની ગ્રાન્ટમાંથી જિલ્લાના 77 ગામોમાં જળસંચયના 1100 જેટલા કામો એક દિવસમાં કરવામાં આવ્યા છે. જેમાં એક યા બીજી રીતે લોકોનો પણ સહયોગ સારો સાંપડ્યો છે. આગામી સમયમાં પણ વોટર હાર્વેસ્ટિંગના વધુ કામો વધુ કરવામાં આવશે.> પુષ્પલતા, જિલ્લા વિકાસ અધિકારી, નવસારી સરકારને સહયોગ આપવા અમે જળસંચય કામ કરાવ્યું હાલના સમયમાં પાણીના સ્તર જમીનમાં નીચે જઈ રહ્યા છે ત્યારે વરસાદી પાણીનો બચાવ થાય એ જરૂરી છે. આ સ્થિતિમાં વરસાદી પાણી વહી નદી, નાળામાં નહી જાય અને સીમનું પાણી સીમમાં જ રહે તે માટે જળસંચય જરૂરી છે. આ માટે સરકારને સહયોગ આપવો જરૂરી છે અને હાલ અમે જન ભાગીદારીરૂપે અમારી જમીનમાં પણ કામ કરાવ્યું છે.-અમિતાબેન પટેલ, જનભાગીદાર, તલાવચોરા